નવી દિલ્હીઃ પાટનગરમાં ગયા સપ્તાહે થોડી બોલચાલ બાદ થયેલા હુમલામાં કોંગોના એમ. કે. ઓલિવર નામના યુવાનનું મૃત્યુ થયાની ઘટનાના કોંગોમાં તીવ્ર પડઘા પડયા છે. કોંગોમાં ભારતીયોની દુકાનોને નિશાન બનાવીને હુમલાની ઘટનાઓ બની છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા વિકાસ સ્વરૂપે કહ્યું હતું કે કોંગોમાં ભારતીયોને નિશાન બનાવીને તેમની દુકાનો પર થયેલા હુમલામાં કેટલાંક ભારતીયોને ઈજા પહોંચી છે. કોંગો ખાતેનું ભારતીય દૂતાવાસ સ્થાનિક વહીવટી તંત્રના સંપર્કમાં છે અને હવે સ્થિતિ થાળે પડી છે. આફ્રિકાના હજારો વિદ્યાર્થીઓ ભારતની શિક્ષણવ્યવસ્થાનો લાભ લેવા ભારત આવતા હોય છે. તેમને વંશવાદ અને ભેદભાવનો સામનો કરવો પડતો હોવાની એક વર્ગની ફરિયાદ છે.
ગયા સપ્તાહે ઓટો રિક્ષા ભાડે કરવાના મુદ્દે કેટલાંક લોકો સાથે બોલાચાલી થયા બાદ થયેલા હુમલામાં ઈજા પહોંચતાં ૨૩ વર્ષના યુવાન ઓલિવરનું મૃત્યુ થયું હતું. સ્નાતકનો વિદ્યાર્થી ઓલિવર છેલ્લાં છ વર્ષથી ભારતમાં હતો. પોલીસે આ ઘટનામાં બે શકમંદની ધરપકડ કરી છે અને પોલીસ ત્રીજી વ્યક્તિની શોધ ચલાવી રહી છે. મૃતકના પિતાએ એક રેડિયો મુલાકાતમાં જણાવ્યું હતું કે તેમના નાના ભાઈ થોડા દિવસમાં ભારત આવીને ફરિયાદ દાખલ કરશે.
આફ્રિકી રાજદ્વારીઓ નારાજ
ઓલિવરની હત્યાની ઘટનાથી આફ્રિકા ખંડના રાજદૂતો તેથી નારાજ થયા હતા. ભારત સરકાર આ ઘટનામાં કડક પગલાં તેવી માગણી સાથે આફ્રિકાના રાજદ્વારી સમુદાયે આ વખતની આફ્રિકા ડે ઉજવણીથી દૂર રહેવા નિર્ણય કર્યો હતો. તેમણે ત્યાં સુધી જણાવી દીધું હતું કે ભારતમાં સલામતીની ખાતરી ના મળે ત્યાં સુધી વિદ્યાર્થીને ભારત ભણવા ના મોકલવા માટે તેઓ પોતાની સરકારોને ભલામણ કરશે.
દરમિયાન વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે હસ્તક્ષેપ કરીને આફ્રિકી વિદ્યાર્થીઓને સાંત્વના આપવા પ્રયાસ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે સ્થાનિક ગુંડાઓનું આ કૃત્ય હતું. કેન્દ્રીય પ્રધાન વી. કે. સિંહે આફ્રિકી દેશોના રાજદ્વારીઓને મળીને આફ્રિકી નાગરિકોની સુરક્ષા અને સલામતી માટે સરકાર પ્રતિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. ભારત સરકારે આ ઘટનામાં ઝડપી પગલાંની ખાતરી આપી છે.