ઇસ્લામાબાદઃ ભારત-પાકિસ્તાન નિયંત્રણ રેખા પર ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યાનું જાહેર થયા બાદ પાકિસ્તાને જણાવ્યું છે કે ભારતે કોઇ સર્જિકલ સ્ટ્રાઇક્સ કર્યા નથી. પાકિસ્તાનની સેનાએ કહ્યું હતું, ‘સર્જિકલ સ્ટ્રાઇક્સ નહીં, પણ ભારતે સીમાપારથી ફાયરિંગ કર્યું છે, જેનો પાકિસ્તાની સેનાએ યોગ્ય જવાબ આપ્યો છે. ભારત ખોટું ચિત્ર ઉભું કરવા માટે ઇરાદાપૂર્વક આતંકવાદી અડ્ડાઓ પર સર્જિકલ સ્ટ્રાઇક્સની વાત કરી રહ્યો છે.’
પાકિસ્તાની સેનાએ એમ પણ કહ્યું હતું કે ભારત સરકાર સીમાપાર ફાયરિંગને મીડિયા હાઇપના માધ્યમથી સર્જિકલ સ્ટ્રાઇક્સ તરીકે રજૂ કરી રહી છે. પાકસ્તાની સેનાએ જણાવ્યું હતું, ‘ગોળીબાર રાત્રે અઢી વાગ્યે શરૂ થયો હતો અને સવારે આઠ વાગ્યા સુધી ચાલુ રહ્યો હતો. નિયંત્રણ રેખા પર ‘કોઇ પણ જાતની ઉશ્કેરણી વગર’ ભારત તરફથી ભિમ્બર, હોટ સ્પ્રિંગ, કેલ અને લીપા સેક્ટરમાં ફાયરિંગ થયું હતું.’
પાકિસ્તાની સેના તરફથી જારી થયેલા સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે કે ‘જો પાકિસ્તાનની જમીન પર કોઇ સર્જિકલ સ્ટ્રાઇક થયો તો તેનો આકરો જવાબ આપવામાં આવશે.’
પાકિસ્તાનની ચેનલ પીટીવીના જણાવ્યા પ્રમાણે, ‘વડા પ્રધાન નવાઝ શરીફે ભારતના ખુલ્લા અત્યાચારની આકરી નિંદા કરી છે અને માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી છે.’