કોણ કહે છે કે કોરોનાથી વિશ્વમાં મંદી વધી છે? રોલ્સ રોઈસનું ૬૨ ટકા વેચાણ વધ્યું!

Saturday 17th April 2021 06:11 EDT
 
 

લંડન: લક્ઝરી અને પ્રતિષ્ઠિત કાર કંપની રોલ્સ રોઈસે ૧૧૬ વર્ષના ઈતિહાસમાં સૌથી વધારે ત્રિમાસિક વેચાણ નોંધાવ્યું છે. જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૧ના ત્રિમાસિક ગાળામાં કંપનીએ કુલ ૧૩૮૦ કાર વેચી હતી. ૧૧૬ વર્ષના ઇતિહાસમાં ત્રણ મહિનામાં થયેલું આ સૌથી વધારે વેચાણ છે. ૨૦૨૦ના પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા કંપનીનું વેચાણ આ વખતે ૬૨ ટકા વધ્યું છે.
ત્રણ માસમાં કંપનીનું કુલિનન મોડેલ સૌથી વધારે વેચાયું છે. આ મોડેલ અમેરિકામાં ચાર લાખ ડોલર આસપાસ મળે છે, જ્યારે ભારતમાં તેની કિંમત સાત કરોડ રૂપિયા જેવી થાય છે. ત્રણ ટનની આ કાર એસયુવી પ્રકારની છે.
અત્યારે એસયુવી કારની બોલબાલા છે. અને અમેરિકા, ચીનમાં તે સૌથી વધારે વેચાઈ છે. કોરોનાકાળમાં એક તરફ સામાન્ય લોકોને બે ટંક ખાવાના ફાંફા પડી રહ્યા છે, ત્યારે ધનપતિઓની સંપત્તિ અવિરત વધી રહી છે. તેનો સીધો લાભ રોલ્સ રોઈસ જેવી કંપનીઓને થયો છે.
અન્ય લક્ઝરી કાર કંપનીઓ લાખો કાર વેચતી હોય છે જ્યારે રોલ્સ રોઈસ લિમિટેડ મોડેલ જ તૈયાર કરે છે. ૨૦૧૯ના સમગ્ર વર્ષ દરમિયાન કંપનીએ ૫૧૫૨ કાર વેચી હતી. જેમ કે, અત્યારે પણ કંપની કુલ મળીને પાંચ જ પ્રકારના મોડેલ બનાવે છે.
રોલ્સ રોઈસ તેની રોયલ કાર માટે જાણીતી કંપની છે અને બીએમડબલ્યુ મોટર્સ તેની માલિકી ધરાવે છે.
એક સમયે આખા જગતમાં રોલ્સ રોઈસનો દબદબો હતો અને તેની કાર ખરીદવા માટે જગતના રાજા-મહારાજા, દેશના વડા, ઉદ્યોગપતિઓ લાઈન લગાડતા હતા. વળી કંપનીની એટલી બોલબાલા હતી કે કોને કાર વેચવી, કોને ન વેચવી એ નક્કી કરી શકતી હતી.
અલવરના મહારાજાએ રોલ્સ રોયસને કચરા ગાડી બનાવી હતી!
ઇતિહાસમાં બહુ જાણીતો કિસ્સો છે, જ્યારે અલવરના મહારાજાએ રોલ્સ રોઈસ ખરીદીને તેનો ઉપયોગ કચરા ગાડી તરીકે કર્યો હતો. ૧૯૨૦માં અલવરના મહારાજા જયસિંહ બ્રિટન ગયા હતા. લંડનમાં તેમણે રોલ્સ રોઈસના શો રૂમની મુલાકાત લીધી હતી.
મહારાજ જયસિંહનો ભારતીય ચહેરો જોઈને રંગભેદમાં રાચતા ગોરા સેલ્સમેને કાર બતાવવાની જ ના પાડી દીધી હતી. એ પછી અલવરના મહારાજાએ પાછલા બારણેથી કાર ખરીદીને ભારતમાં તેનો કચરા ગાડી તરીકે ઉપયોગ કરી કંપનીના અભિમાની માલિકોનું ગુમાન ઉતાર્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter