નવી દિલ્હીઃ ચાલુ વર્ષના કોમનવેલ્થ યુથ એવોર્ડ્સ માટે પસંદ કરાયેલા 50 ઉદ્યોગસાહસિકો, પર્યાવરણ માટે કામ કરતા લોકો, ઇનોવેટર્સ અને હ્યુમન રાઇટ્સ એક્ટિવિસ્ટ્સમાંથી ચાર ભારતીયોનો સમાવેશ થાય છે. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) હાંસલ કરવામાં મહત્વનું યોગદાન આપનારા 15થી 29 વર્ષના યુવાઓની કામગીરીને બિરદાવાઇ છે.
ભારતના અક્ષય મકરને SDG113 ક્લાઇમેટ એક્શન માટે, સૌમ્યા બ્રીવાલને SDG5 લિંગ સમાનતા માટે, કૌશલ શેટ્ટીને SDG11 શહેરો અને સમુદાયોની કામગીરી માટે અને શ્રુતિકા સિલ્સવાલને SDG4 ગુણવત્તાસભર શિક્ષણ માટે પસંદ કરાયા છે. કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બેરોનેસ પેટ્રિશિયા સ્કોટલેન્ડે જણાવ્યું હતું કે, ‘દર વર્ષે હું આ યુવાઓના ઇનોવેટિવ અને ઉત્કૃષ્ટ કામથી આશ્ચર્યચક્તિ થઉં છું. પસંદ કરાયેલા યુવાનો આપણા સૌ માટે વિશ્વને વધુ સારું બનાવવાની દિશામાં સક્રિય છે. 50 યુવા લીડર્સનું ‘કોમનવેલ્થ યર ઓફ ધ યુથ’ તરીકે સન્માન કરાઇ રહ્યું છે તેનું મને ગર્વ છે. મારો હંમેશા મત રહ્યો છે કે વિકાસનું નેતૃત્વ યુવાનોએ સંભાળવું જોઇએ. એવોર્ડ માટે જેમને પસંદ કરાયા છે તે આ બાબતને પુરવાર કરે છે.’
અક્ષય મકર ક્લાઇમેટેન્ઝા સોલરના સીઇઓ છે. તેમની કંપની ઔદ્યોગિક ક્ષેત્રને કાર્બનમુક્ત કરવાના મિશન માટે કામ કરી રહી છે. તે કોકા-કોલા, ટાટા જૂથ અને યુનિલિવર જેવી વિશ્વની અગ્રણી કંપનીઓ સાથે તેમની ઔદ્યોગિક ગરમીને કાર્બનમુક્ત કરવા સક્રિય છે.
અન્ય એવોર્ડ વિજેતા સૌમ્યા ડબ્રીવાલ વોરવિક યુનિવર્સિટીના અર્થશાસ્ત્રના સ્નાતક અને વિકાસ યોજનાઓમાં અગ્રણી છે. ઘાનામાં કામ કરતી વખતે તેમણે જણાયું હતું કે, છોકરીઓ માસિક ધર્મના ૩ દિવસ શાળાએ જતી નથી અને આ ગાળામાં અસુરક્ષિત મેન્સ્ટ્રુઅલ પ્રોટેક્શનનો ઉપયોગ કરે છે. આ વૈશ્વિક સમસ્યા છે અને તેમાંથી પ્રોજેક્ટ બાલાનો જન્મ થયો.
કૌશલ શેટ્ટી નોસ્તોસ હોમ્સના સહસ્થાપક અને સીઇઓ છે. આ એક બિનનફાકીય સંસ્થા છે, જે કુદરતી આફ્તોને કારણે બેઘર બનેલા લોકો માટે ઇમરજન્સી આશ્રયસ્થાન તૈયાર કરે છે.
ફોર્બ્સ, વર્લ્ડ બેન્ક, માસ્ટરકાર્ડ, ધ ડાયેના એવોર્ડ જેવી સંસ્થાઓએ કૌશલના કામની પ્રશંસા કરી છે. તેમણે ભારત અને આફ્રિકન ખંડમાં હજારોને રાત્રિ આશ્રયસ્થાન પૂરા પાડ્યા છે.
અન્ય એવોર્ડ વિજેતા શ્રુતિકા સિલ્સવાલ દલાઈ લામાના ફેલો છે. તે ઉત્તરાખંડમાં ‘સિમ્પલ એજ્યુકેશન ફાઉન્ડેશન' કાર્યક્રમના વડા છે. તે શાળા સંબંધી કાર્યક્રમો પૂરા પાડી પાંચ સરકારી શાળાના ર૦૦ બાળકોને ટેકો આપે છે.