વાનકુવરઃ કેનેડાના વાનકુવરમાં આવેલાં ઐતિહાસિક કોમાગાટા મારુ મેમોરિયલને બિટકોઈનના વિચિત્ર સંદેશાઓ સાથે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. 2021થી 2023ના ગાળામાં આ ત્રીજી ઘટના છે. નેશનલ ડાયરેક્ટર ફોર ખાલસા એઈડ કેનેડા જિન્દિ સિંહે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે કોમાગાટા મારુ મેમોરિયલને ફરી નુકસાન પહોંચાડાયું છે અને તેની પાસે માનવ મળને પણ જોઈ શકાય છે. આ ઘણી ખરાબ બાબત છે. સિંહે જણાવ્યું હતું કે કોલ હાર્બરમાં સ્મારકને નિહાળવા આવેલા યુકેના કેટલાક પ્રવાસીઓના ધ્યાનમાં આ ઘટના આવી હતી.
વાનકુવર પોલીસ ડિપાર્ટમેન્ટે જિન્દિ સિંહની ટ્વીટના પ્રત્યુત્તરમાં લખ્યું હતું કે તેઓ આ ઘટનામં સક્રિયપણે તપાસ કરી રહ્યા છે. સિટી ઓફ વાનકુવર દ્વારા પણ આ બાબત તેમના ધ્યાને લાવવાનો આભાર માની તેમના ટ્વીટને આવકારી કહ્યું હતું કે આ ઘટનાને યોગ્ય વિભાગના ધ્યાને મુકાઈ છે. મેમોરિયલને વિકૃત બનાવતા સંદેશામાં લખાયું છે કે, ‘નો મોર ફિઆટ બિલ્ડ ઓન બિટકોઈન.’ ડેઈલી હાઈવ અનુસાર મેસેજનો થોડો હિસ્સો મેમોરિયલની દિવાલ પરથી દૂર કરાયો હતો.
ઓક્ટોબર 2022માં વાનકુવર પોલીસે મેમોરિયલ પર તોડી પડાયેલા કાચની ઈમેજીસ જારી કરતા આ કામ ઈરાદાપૂર્વકની હોવાનું જણાવ્યું હતું. ઓગસ્ટ 2021માં વિક્ટિમ્સના નામ ધરાવતી દીવાલ પર સફેદ પેઈન્ટ છાંટવામાં આવ્યો હતો, હાથની પ્રિન્ટ પણ દેખાતી હતી અને ‘893 YK’ લખાયું હતું. આ ઘટનામાં તપાસના સાત મહિના પછી પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી હતી.
આ સ્મારક એપ્રિલ 1914માં જાપાનીઝ કોમાગાટા મારુ જહાજમાં બ્રિટિશ ભારતથી કેનેડા પહોંચેલા શીખ, મુસ્લિમ અને હિન્દુઓ સહિત 376 ભારતીયોના સન્માનમાં સ્થપાયું છે. ઈમિગ્રેશન માટે આવેલા આ લોકોને કેનેડાએ પ્રવેશ નહિ આપતા તેમને અત્યંત ખરાબ હાલતમાં બે મહિના કરતાં વધુ સમય સુધી જ્હાજ પર જ રહેવાની ફરજ પડી હતી. આ પછી તેમને બળપૂર્વક બુજ બુજ, કલકત્તા (વર્તમાન કોલકાતા) પાછા ફરવાની ફરજ પડાઈ હતી. જહાજ જ્યારે 27 સપ્ટેમ્બરે કલક્તા પહોંચ્યું ત્યારે ઈન્ડિયન ઈમ્પિરિયલ પોલીસે આ જૂથના નેતાઓની ધરપકડ કરવા પ્રયાસ કર્યો હતો. આનાથી રમખાણ સર્જાયું હતું અને પોલીસના ગોળીબારમાં 22 લોકોના મોત નીપજ્યાં હતાં જેના ગંભીર પડઘા પડ્યા હતા. વાસ્તવમાં બ્રિટિશ સરકારને આ જહાજ પર બ્રિટિશ શાસનવિરોધી રાષ્ટ્રવાદીઓ હોવાની શંકા હોવાથી તેમને કેનેડામાં પ્રવેશ ન અપાય તેવી તેની પેરવી હતી.
જાપાનીઝ સ્ટીમશિપ કોમાગાટા મારુએ 4 એપ્રિલ 1914ના દિવસે બ્રિટિશ હોંગ કોંગથી સફરની શરૂઆત કરી હતી અને ચીનના શાંગહાઈ અને જાપાનના યોકોહામા થઈને 23 મેના દિવસે બ્રિટિશ કોલમ્બિયાના વાનકુવર પહોંચ્યું હતું. કોમાગાટા મારુ જહાજનો પ્રવાસ શરૂ કરાયો ત્યારે માત્ર 165 પ્રવાસી હતા. શાંગહાઈ અને યોકોહામાથી વધુ પેસેન્જર જોડાયા હતા. બ્રિટિશ ભારતના પંજાબ પ્રોવિન્સના 337 શીખ, 27 મુસ્લિમ અને 12 હિન્દુઓ સહિત કુલ 376 પંજાબી અને બ્રિટિશ પ્રજાજનો સાથે કેનેડા પહોંચ્યું તેમાંથી માત્ર 24ને કેનેડામાં પ્રવેશ અપાયો હતો અને બાકીના 352 પ્રવાસીને કેનેડાની ધરતી પર ઉતરવા દેવાનો ઈનકાર કરી દેવાયો હતો. સ્ટીમશિપ કોમાગાટા મારુને વળાવિયા જહાજ HMCS Rainbowની નિગરાનીમાં 23 જુલાઈએ કેનેડાની જળસીમા છોડવાની ફરજ પડાઈ હતી. આમ બે મહિનાથી વધુ સમય જહાજના પ્રવાસીઓએ જહાજ પર જ રોકાઈ રહેવું પડ્યું હતું. આ દરમિયાન, સરકારના નિર્ણય સામે કેનેડાના સાઉથ એશિયન કેનેડિયન વસાહતીઓ દ્વારા કેનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સમાં વિરોધ પણ કરાયો હતો.
હકીકત એ છે કે 20મી સદીના પ્રારંભમાં એશિયન મૂળના ઈમિગ્રન્ટ્સને બાકાત રાખવા કેનેડા અને યુનાઈટેડ સ્ટેટ્સના કાયદાનો ઉપયોગ કરાયાની ઘણી ઘટનાઓમાં આ ઘટના મુખ્ય ગણાય છે. બ્રિટિશ ભારતથી ઈમિગ્રેશનને નિયંત્રિત કરવા કેનેડા સરકાર જાન્યુઆરી 1908માં જ કાયદો ઘડ્યો હતો.