સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...
સમગ્ર વિશ્વને ભરડામાં લેનારા કોરોના સાથે સંકળાયેલા સમાચારોનું વિહંગાવલોકન...ન્યૂ યોર્કના પ્રખ્યાત ટાઈમ્સ સ્ક્વેર ઉપર લગાવાયેલાં ૫૬ ફૂટના એક બિલબોર્ડને ‘ટ્રમ્પ ડેથ ક્લોક’ નામ અપાયું છે જેમાં, ન્યૂ યોર્કમાં કોરોના વાઈરસના કારણે થયેલાં પરંતુ, અટકાવી શકાયાં હોત તેવાં મૃત્યુના આંકડા પ્રદર્શિત કરાય છે. અમેરિકામાં ૧૯૮૯થી ‘નેશનલ ડેટ ક્લોક’ કામ કરે છે જે યુએસના કુલ કરજની ગણતરી જાહેર કરે છે તેમાંથી પ્રેરણા લઈ ફિલ્મ નિર્માતા યૂજીન જારેકીએ આ ટ્રમ્પ ડેથ ક્લોકને ડિઝાઈન કરી છે. કોરોના મહામારીના પ્રકોપના લીધે ખાલી થઈ ગયેલા ટાઈમ્સ સ્ક્વેર બિલ્ડિંગની ટોચ પર આ ક્લોક લગાવાઈ છે. ‘ટ્રમ્પ ડેથ ક્લોક’ નામ આપવા પાછળનું કારણ એ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રે યોગ્ય સમયે લોકડાઉનનો નિર્ણય લઈ સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજિયાત લાગુ કરાવ્યું હોત તો ન્યૂ યોર્કમાં કોરોનાના લીધે આટલી મોટી સંખ્યામાં મોત થતાં અટકાવી શકાયા હોત અને અમેરિકામાં ૬૦ ટકા મૃતકોને બચાવી શક્યા હોત તેમ જારેકીનું માનવું છે.
• કોરોના વાઇરસના ચેપ લાગવાના નવા કેસો નોંધાવા છતાં, ઇટાલી સાથે સરહદ ધરાવતાં સ્લોવેનિયાએ કોરોના મહામારીના અંતની સત્તાવાર જાહેરાત કરી છે. સ્લોવેનિયાએ યુરોપિયન યુનિયનના તમામ દેશોના નાગરિકો માટે તેની સરહદો અવરજવર માટે ખુલ્લી મુકી દીધી હતી. જોકે, યુરોપ સિવાયના દેશોના નાગરિકો માટે ક્વોરન્ટાઈનમાં રહેવું ફરજિયાત રખાયું છે. સરકારે શોપિંગ સેન્ટરો અને હોટેલ્સને ખોલવાની પરવાનગી આપવાનો પણ નિર્ણય કર્યો છે. જોકે, જાહેરમાં એકત્ર થવા પર પ્રતિબંધ સહિત ચોક્કસ નિયંત્રણો સાથે સોશિયલ ડિસ્ટન્સિંગના પાલન અને જાહેર સ્થળોએ માસ્ક પહેરવાનું ફરજિયાત છે. સ્લોવેનિયામાં ૨૩મી મેથી ફૂટબોલ અને અન્ય રમત સ્પર્ધાઓ ફરી શરુ કરાશે.
• યુનિસેફે કોરોનાના કારણે છ મહિના સુધી દરરોજ ૬,૦૦૦ બાળકો મૃત્યુ પામી શકે તેવી ચેતવણી આપી છે. ધ લેન્સેટ ગ્લોબલ હેલ્થ જર્નલનો અહેવાલ ટાંકી યુનિસેફના રિપોર્ટમાં જણાવાયું છે કે કોરોના વાઈરસ સામે જંગના કારણે અન્ય સ્વાસ્થ્ય સેવા પ્રભાવિત થઈ છે જેની, સીધી અસર પાંચ વર્ષથી નીચેની વયના બાળકો ઉપર પડશે. અત્યારે પણ કુપોષણ અને અપૂરતી સ્વાસ્થ્ય સેવાના કારણે વર્ષે ૧.૪૪ લાખ બાળકો મોતના મુખમાં ધકેલાય છે. આગામી છ મહિનામાં ૫૬,૭૦૦ બાળકોનો ઉમેરો થઈ શકે છે. આ સ્થિતિના નિવારણના તત્કાળ પગલાં ભરવા વિશ્વની સરકારોને યુનિસેફે અપીલ કરી છે.
• કોરોના મહામારીમાં લોકડાઉન્સ ખુલ્યાં પછી પણ સામાજિક પરિવર્તન સ્થાયી બની જવાનું છે. યુએસના વર્જિનિયાની એક હોટેલે સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા છતાં, કસ્ટમર્સને એકલતા ના જણાય તે માટે ખાલી ખરશીઓ પર પૂતળાં સજાવીને બેસાડવાનો નવતર પ્રયોગ વિચાર્યો છે. આના કારણે ગ્રાહકને પોતે એકલો નથી તેવો અનુભવ થશે. જોકે, ઘણાં ગ્રાહકોને એકલા ગમતું હોય ત્યારે આવાં પૂતળાં તેમને ન પણ ગમે તેવી શક્યતા છે. થાઇલેન્ડના રેસ્ટોરાંમાં પણ ગ્રાહકોની એકલતા દૂર રાખવાના પ્રયોગમાં પૂતળાંનો વિચાર અમલમાં મૂકાયો છે. જોકે, માનવીના પૂતળાંના બદલે લોકપ્રિય પાંડાના રમકડાને બેસાડાય છે, જેને લોકો પસંદ કરી રહ્યાં છે.
• ન્યૂ ઝીલેન્ડમાં ૧૩ મે બુધવારની રાતથી થોડા સમય માટે લોકડાઉન ખુલવાની સાથે જ લોકો અડધી રાતે વાળ કપાવવા માટે દોડી ગયા હતા. લોકડાઉનમાં ઘરમાં કેદ રહેવાથી પુરુષોના વાળ વધીને લાંબા થયા છે. લોકડાઉનમાં ઢીલ સાથે સલૂન્સ, મોલ, રેસ્ટોરાં અને રિટેઇલ સ્ટોર્સ ખુલી ગયાં હતાં. જોકે, એક સ્થળે ૧૦થી વધુ લોકો એકત્ર થઈ શકતા નથી. એક સલૂનના માલિકે જણાવ્યું કે રાત્રે ૧૨ વાગ્યા પછી તેની પાસે ૫૦થી પણ વધુ લોકોના ફોન આવ્યા, પરંતુ તે માત્ર ૧૨ લોકોના વાળ કાપી શક્યો હતો. સૌથી વધારે ફોન બાળકોનાં વાળ કપાવવા માંગતા પેરન્ટ્સના હતા.
• કોરોના મહામારીના કારણે સામાજીક ખાઈ વિસ્તરી છે. પરિવારજનો, સગાંવહાલાં-સ્વજનો વિખુટા પડી ગયા છે. મૃત્યુ કે લગ્ન પ્રસંગોમાં હાજરી આપી શકાતી નથી ત્યારે ન્યૂ ઝીલેન્ડ, જર્મની, બેલ્જિયમે ચોક્કસ શરતોને આધીન સોશિયલ ગેધરિંગની રણનીતિ અપનાવી ઘરની વ્યક્તિઓ ઉપરાંત, ચાર સ્વજનોને મળવાની છૂટ આપી છે. જોકે, આવી મુલાકાત ઘરમાં જ થવી જોઈએ, કોઈને બહાર નીકળવાની છૂટ નથી. ફ્રાન્સ, ડેનમાર્ક અને ઓસ્ટ્રિયાએ દસ વ્યક્તિ સુધીના મેળાવડાની મંજૂરી આપી છે. જોકે, આવી મુલાકાતો માટે પણ સરકારની પરમિશન મેળવવી આવશ્યક છે.
• હવાઈ ઉડ્ડયન, ટ્રેઈન કે ફેરીમાર્ગે બ્રિટનમાં આવતા તમામ પ્રવાસીઓ માટે ફરજિયાત ૧૪ દિવસના ક્વોરેન્ટાઈનમાં રાખવાની યોજનામાં ફ્રાન્સના નાગરિક પ્રવાસીઓને બાકાત રાખવા સામે યુરોપીય યુનિયને વિરોધ કર્યો છે. યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોન્સન અને ફ્રાન્સના પ્રમુખ એમાન્યુએલ મેક્રોં વચ્ચે ફ્રાન્સના નાગરિકો માટે ક્વોરેન્ટાઈનમાંથી મુક્તિ આપવાની સમજૂતી થઈ હતી. ઈયુએ જણાવ્યું છે કે સૂચિત યોજનામાં તમામ ઈયુ દેશો માટે આ માફી રખાવી જોઈએ. યુરોપીય કમિશને કહ્યું છે કે યુકેએ મુક્ત અવરજવરના ઈયુ નિયમોનું પાલન કરવું જ રહ્યું. આ પછી, યુકેએ ફ્રાન્સના નાગરિકોને ક્વોરેન્ટાઈન નહિ રાખવા મુદ્દે પીછેહઠ કરી છે. બીજી તરફ, ટ્રાવેલ ઈન્ડસ્ટ્રીના અગ્રણીઓએ ક્વોરેન્ટાઈન નિયંત્રણો ચાલી શકે નહીં.
• ન્યૂ ઝીલેન્ડમાં ટેલિફોનના ટાવરથી કોરોના વાઈરસનો ચેપ ફેલાતો હોવાની અફવાના પગલે લોકોએ ભેગા થઈને કેટલાક ટેલિફોન ટાવરોને બાળી નાંખ્યા હતા. ઓકલેન્ડમાં છેલ્લા ત્રણ સપ્તાહમાં ત્રણ જુદી-જુદી કંપનીના ૧૦ તથા વેલિંગ્ટન અને ઉત્તરીય વિસ્તારને સામેલ કરતાં ૧૪ જેટલા ટેલિફોન ટાવરની સાઈટ પર શંકાસ્પદ હુમલા થયા હતા. માળખાગત સુવિધાઓને ગંભીર અસર થવાના પગલે ટેલિકોમ કંપનીઓએ ચેતવણી આપી છે કે, જો આ પરિસ્થિતિ નહિ અટકે તો આગામી દિવસોમાં મોબાઈલ અને ઈન્ટરનેટની સેવાને અસર થઈ શકે છે. અગાઉ યુકેમાં પણ આવી અફવા ફેલાતા લોકોએ કેટલાક મોબાઈલ ટાવરને બાળી નાંખ્યા હતા. નોંધપાત્ર છે કે, મોટાભાગના હુમલા 5G નેટવર્કથી માનવીય સ્વાસ્થ્યને અને મગજને નુકસાન થાય છે તો કેટલાક સ્થળોએ કોરોના વાઈરસ ફેલાતો હોવાની ખોટી માન્યતાઓને કારણે થયા હોવાનું મનાય છે.