કોરોના મહામારી સાથે સંકળાયેલા સમાચારો ઉડતી નજરે...
• જર્મની ધીરે ધીરે કોરોના વાઈરસ મહામારીમાંથી બહાર આવી રહ્યું છે ત્યારે થુરિન્જિઆ સ્ટેટના ઝેલા-મેહલિસ શહેરની ૬૦ વર્ષીય ક્રિશ્ચિયન ટેક્સ એડવાઈઝર ગેરટ્રુડ શ્કોપે મહામારીના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા અનોખો યજ્ઞ આદર્યો છે. ગેરટ્રુડ અને તેમનાં સાથીઓએ ૮,૦૦૦થી વધુ મીણબત્તી પ્રગટાવી મહાકાય ક્રોસ બનાવ્યો હતો. જર્મનીમાં અત્યાર સુધી ૮,૬૦૦થી વધુ લોકોનાં મોત થયાં છે. કોરોના વાઈરસ વેક્સિન શોધાય નહિ ત્યાં સુધી મીણબત્તી યજ્ઞ ચાલુ રાખવાં ગેરટ્રુડ શ્કોપે નિર્ધાર કર્યો છે. શરુઆતમાં શ્કોપે દરેક ચેપગ્રસ્ત માટે સફેદ અને મૃતક માટે લાલ મીણબત્તી મૂકવાની યોજના કરી હતી પરંતુ, ચેપગ્રસ્તોની સંખ્યા ઘણી વધી જતાં માત્ર મૃતકોની યાદમાં મીણબત્તી પ્રગટાવવાનું રાખ્યું હતું.
• ફ્રાન્સે કોવિડ-૧૯ની સારવાર માટે હાઈડ્રોક્સીક્લોરોક્વીન ડ્રગના ઉપયોગ પર પ્રતિબંધ લગાવ્યો છે. અગાઉ કોરોના પેશન્ટ્સની સારવારમાં તેનો ઉપયોગ કરાતો હતો પરંતુ, તેના કારણે પેશન્ટ્સમાં મૃત્યુદર વધતો હોવાના અભ્યાસોના તારણોના પગલે તેની સમીક્ષા કરવામાં આવી હતી. લાન્સેટના એક અભ્યાસમાં કોવિડ-૧૯ રોગ સામે લડવામાં હાઈડ્રોક્સીક્લોરોક્વીન અસરકારક નહિ હોવાનો તેમજ તેનાથી હૃદયના ધબકારા અનિયમિત થાય છે અને મોતનું જોખમ વધી જાય છે તેમ જણાવાયું હતું. ઉલ્લેખનીય છે કે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોનાનો ચેપ ન લાગે તે માટે તેઓ હાઈડ્રોક્સી લઈ રહ્યા હોવાનો દાવો કર્યો છે.
• જાપાનમાં લોકડાઉન હળવું કરાતાં સૌથી વધુ આનંદ આશરે દોઢ મહિનાથી ઘરકેદમાં રહેલાં બાળકોને થયો હતો. રાજધાની ટોકિયો નજીક યોકોહામામાં લોકડાઉનમાં છૂટ મળતા જ બાળકો પાર્ક અને મેદાનોમાં રમવા અને ઘીંગામસ્તી કરવા માટે પહોંચી ગયા હતા. દેશમાં ટોકિયો સહિત ૬ પ્રાંતોમાં ૭ એપ્રિલથી ઇમરજન્સી લાદવામાં આવી હતી, જેનો અમલ પાછળથી સમગ્ર દેશમાં કરાયો હતો. ૨૫ મે સોમવારથી સમગ્ર જાપાનમાંથી ઇમરજન્સીને હટાવી લેવાયા પછી બજારો, બીચ અને શહેરી વિસ્તારોમાં લોકોની ચહલ-પહેલ જોવા મળી રહી છે.
• યુરોપના દેશોમાં કોરોના લોકડાઉન ખુલી રહ્યા છે ત્યારે ગ્રીસે ૧૫ જૂનથી તેના પ્રવાસન સ્થળો ખુલ્લાં મૂકવાની જાહેરાત કરી છે. અર્થતંત્રને થયેલાં નુકસાનનો બોજો ઘટાડવાના પ્રયાસરુપે ગ્રીસે ૨૯ દેશના નાગરિકોને દેશમાં પ્રવાસની છૂટ આપી છે. આ દેશોમાં ઓસ્ટ્રેલિયા, જર્મની, ડેન્માર્ક, સ્વિટઝર્લેન્ડ, જાપાન, ઈઝરાયલ, ચીન, ન્યૂ ઝીલેન્ડ, માલ્ટા, દક્ષિણ કોરિયા, હંગેરી, રોમાનિયા અને ફિનલેન્ડ સહિતનો સમાવેશ થાય છે. જોકે, તેમાં ભારતને સ્થાન મળ્યું નથી. આગામી ૧ જુલાઈએ આ યાદીમાં કેટલાક વધુ દેશોનો સમાવેશ કરાશે. ગ્રીક સરકારે મંજૂર કરેલા આ ૨૯ રાષ્ટ્રોના નાગરિકો સીધી ફલાઈટમાં એથેન્સ અથવા ઉત્તરના શહેર થેસાલોનિકિની ખાતે ઉતરાણ કરી શકશે. ગ્રીસની આવકના ૨૦ ટકા વેકેશન સ્પોટ તરીકે લોકપ્રિય ગ્રીક ટાપુઓના પ્રવાસન અને સંબંધિત ઉદ્યોગોમાંથી મળે છે.
• અમેરિકાની એક રિસર્ચ ટીમે એવી ટેક્નોલોજીનો દાવો કર્યો છે જેમાં, સ્માર્ટફોન પર છીંકવા કે ખાંસવાથી જ કોઇને કોરોના વાઇરસનો ચેપ છે કે નહિ તેની જાણ થઈ શકશે. આ ટીમે આશરે એક વર્ષ અગાઉથી જ ફોનથી જોડી શકાય તેવું સેન્સર બનાવવાની શરુઆત કરી હતી. આ ટેક્નોલોજી ઝીકા વાઇરસ માટે બનાવાઈ હતી. આ સેન્સર ડિવાઇસનો પ્રોટોટાઇપ ૧ ઇંચ પહોળો છે જેને બ્લૂટુથ દ્વારા સ્માર્ટફોન સાથે જોડી શકાય છે. વપરાશકારે પોતાની લાળનો માઇક્રોસ્કોપિક પાર્ટિકલ નાંખતા પહેલાં ફોનના ચાર્જિંગ પોર્ટમાં સેન્સર લગાવી એપ ચાલુ કરવાની રહેશે અને એક મિનિટમાં મોબાઇલની સ્ક્રીન પર રિઝલ્ટ આવી જશે.