નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી કોરોના કાળ પછી પહેલી વાર ૨૬ માર્ચે બાંગ્લાદેશનો પ્રવાસ ખેડી વિદેશયાત્રા કરશે. તેઓ બાંગ્લાદેશને ઈ.સ. ૧૯૭૧માં મળેલી આઝાદીની સુવર્ણજયંતી (૫૦ વર્ષ)ની ઉજવણીના કાર્યક્રમમાં જોડાશે.
મોદીની બે દિવસની બાંગ્લા-યાત્રા, બાંગ્લાદેશની સાથે પોતાના સંબંધો વિષે ભારતના પ્રયાસોને દર્શાવે છે, જેને વડા પ્રધાને ભારતની પડોશનીતિનો એક મહત્વપૂર્ણ આધાર ગણાવ્યો છે. મોદીએ કોરોના અગાઉ નવેમ્બર ૨૦૧૯માં છેલ્લી વિદેશયાત્રા કરી હતી. ૨૦૨૦માં કોરોના વાયરસના ઉપદ્રવના લીધે બધા પ્રવાસો રદ કરવા પડયા હતા.
શેખ મુજીબુર રહેમાને અગાઉ પાકિસ્તાનનો ભાગ રહી ચૂકેલા બાંગ્લાદેશ (પૂર્વ પાકિસ્તાન)નો ૨૬ માર્ચ, ૧૯૭૧ના દિવસે પાકિસ્તાનથી અલગ સ્વતંત્ર દેશ જાહેર કર્યો. આગામી ૨૬ માર્ચ, ૨૦૨૧ના રોજ એ પ્રસંગને ૫૦ વર્ષ પૂરા થશે. આ પ્રસંગે બાંગ્લાદેશમાં યોજાનારા કાર્યક્રમમના મુખ્ય અતિથિ વડા પ્રધાન મોદી રહેશે.
આ કાર્યક્રમ બાંગ્લાદેશની શેખ હસીના સરકાર કરી રહી છે. ૧૯૭૧માં બાંગ્લાદેશ નિમિત્તે થયેલા યુધ્ધમાં ભારત, બાંગ્લાદેશને સાથ આપી પાકિસ્તાની દળોને જોરદાર રીતે પરાસ્ત કરવામાં સફળ રહ્યું હતુ. જેના લીધે ૧૬ ડિસેમ્બર, ૧૯૭૧ના દિવસે પાકિસ્તાની દળો ભારતને શરણે આવ્યા હતા.