વોશિંગ્ટનઃ અમેરિકામાં કોરોના વાઇરસના ભયે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આકરું પગલું લેતાં યુરોપના બે ડઝન કરતાં વધુ દેશોના પ્રવાસીઓના અમેરિકા પ્રવાસ પર પ્રતિબંધ લાદી દીધો હતો. ઓવલ ઓફિસમાં સંબોધન દરમિયાન ટ્રમ્પે જણાવ્યું હતું કે, આગામી ૩૦ દિવસ સુધી યુરોપથી અમેરિકા આવતા તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવે છે. આ પ્રતિબંધ યુરોપથી સ્વદેશ પરત આવતા અમેરિકી નાગરિકો પર લાગુ થશે નહીં. જોકે, અમેરિકામાં પ્રવેશ પર તેમનું સ્ક્રીનિંગ કરાશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુરોપથી અમેરિકા આવતા સામાન પર કોઇ પ્રતિબંધ લદાયો નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે, યુરોપના નાગરિકો પર લદાયેલો પ્રવાસ પ્રતિબંધ બ્રિટનના નાગરિકો પર લાગુ થશે નહીં. પાછળથી કરાયેલી સ્પષ્ટતામાં અમેરિકી સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે, ઓસ્ટ્રિયા, બેલ્જિયમ, ચેક રિપબ્લિક, ડેન્માર્ક, ઇસ્ટોનિયા, ફિનલેન્ડ, ફ્રાન્સ, જર્મની, ગ્રીસ, હંગેરી, આઇસલેન્ડ, ઇટાલી, લેટવિયા, લિચટેનસ્ટીન, લક્ઝમબર્ગ, માલ્ટા, નેધરલેન્ડ, નોર્વે, પોલેન્ડ, પોર્ટુગલ, સ્લોવાકિયા, સ્લોવેનિયા, સ્પેન, સ્વીડન અને સ્વિત્ઝર્લેન્ડનો સમાવેશ થાય છે. ફ્લોરિડામાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાત બાદ બ્રાઝિલના પ્રમુખ જાયર બોલ્સોનારોના કોમ્યુનિકેશન સચિવના કોરોનાના ટેસ્ટ પોઝિટિવ આવતાં બોલ્સોનારોના ટેસ્ટ કરાયાં છે અને તેમની સ્થિતિ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.
૧૫ કરોડ લોકો કોરોનાથી સંક્રમિત થવાનો ભય
યુએસ સુપ્રીમ કોર્ટ અને ફિઝિશિયન કોંગ્રેસમાં ડો. બ્રાયન મોનાહને જણાવ્યું હતું કે, અમેરિકામાં ૭ થી ૧૫ કરોડ લોકો કોરોના વાઇરસથી સંક્રમિત થવાનો ભય તોળાઈ રહ્યો છે. ડો. મોનાહને બંધ બારણે મળેલી સેનેટના સ્ટાફની બેઠકમાં પણ આ ચેતવણી ઉચ્ચારી હતી. અમેરિકાના ૩૬ રાજ્યોમાં કોરોના વાઇરસ પ્રસરી ચૂક્યો છે.
ભારતીયોએ અમેરિકાની સીધી ફ્લાઇટ પકડવી પડશે
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતીયો પર કોઈ પ્રકારના પ્રતિબંધ લાધ્યા નથી. તેથી આગામી એક મહિના સુધી અમેરિકા જવા ઈચ્છતા ભારતીય નાગરિકોએ સીધી અમેરિકાની ફ્લાઇટ લેવી પડશે અથવા તો યુરોપ થઈને ન જતી ફ્લાઇટમાં પ્રવાસ કરવો પડશે.
ઉલ્લેખનીય છે કે, હોલિવૂડના એક્ટર ટોમ હેન્ક્સ અને પત્ની રીટા વિલ્સનના કોરોના વાઇરસના ટેસ્ટ પોઝિટિવ આવ્યાં છે. હેન્ક્સે જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લીધા બાદ અમે તાવથી પીડાતા હતા. ફિલિપાઇન્સના પ્રેસિડન્ટમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણ દેખાયા છે. મહેલને સ્ટરીલાઇઝ કરાયો છે. ફિલિપાઇન્સના પ્રમુખ રોડ્રિગો ડયુટેર્ટમાં કોરોના વાઇરસના શંકાસ્પદ લક્ષણ જણાતા તેઓ જાતે જ આઇસોલેશનમાં ચાલ્યા ગયા હતા. તેમના મહેલને પણ સ્ટરીલાઇઝ કરવામાં આવ્યો છે. તેઓ કોરોનાથી સંક્રમિત લોકોના સંપર્કમાં આવ્યા હતા.જર્મન ચાન્સેલર એન્જેલા મર્કેલે જાહેર કર્યું છે કે ૭૦ ટકા જર્મન કોરોના વાઇરસના ભરડામાં સપડાશે. તેમણે જણાવ્યું હતું કે, અમે જરૂરી તમામ પગલાં લઈ રહ્યાં છીએ, પણ ૭૦ ટકા જર્મન કોરોના વાઇરસના ભરડામાં સપડાશે એવો ભય છે. કોરોના વાઇરસની અમારા બજેટ પર પડનારી અસરો અમે ચકાસી રહ્યાં છીએ. બીજી તરફ સાઉદી અરબે યુરોપ પર ટ્રાવેલ પ્રતિબંધ મૂક્યો છે. કોરોના વાઇરસના ૨૪ નવા કેસ સામે આવતાં સાઉદી અરબે યુરોપિયન સંઘ સહિત અન્ય ૧૨ દેશો પર ટ્રાવેલ બેન મૂક્યો છે. ઇટાલીમાં ટોટલ શટડાઉન જણાય છે. અને સમગ્ર દેશમાં સ્ટોર બંધ રખાઈ રહ્યાં છે. ઇટાલીમાં દવા અને ખાદ્યપદાર્થોની દુકાનો સિવાયના તમામ સ્ટોર બંધ કરી દેવાના આદેશ જારી કર્યાં છે. રોમન કેથલિક દેશમાં તમામ ચર્ચમાં ભજનસેવાઓ બંધ કરી દેવાઈ છે. કોરોના ન ફેલાય તે માટે આખા અમેરિકાની સ્કૂલ-કોલેજો પણ બંધ રાખવાના આદેશ ૧૩મી માર્ચે કરાયા હતા.
યુએસમાં સ્કૂલ કોલેજો બંધ
કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે અમેરિકાના તમામ રાજયોએ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. વિદ્યાર્થીનો ૧૪ દિવસ સુધી કેમ્પસમાં ન આવવાનો આદેશ અપાયો હતો. કોરોના વાયરસનો ભય અમેરિકામાં પણ વધ્યો છે. અમેરિકાની સંખ્યાબંધ યુનિવર્સિટીઓએ તો પહેલાંથી જ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય કરી ચૂકી હતી. હવે કેલિફોર્નિયાથી ન્યૂ યોર્ક સુધીના સ્ટેટ્સમાં શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. અલગ અલગ રાજયોની અંદાજે ૯૦ જેટલી યુનિવર્સિટીએ કોરોના વાયરસના કારણે બધા જ પ્રકારના કોર્સ માટે ચાલતા કલાસરૂમ સ્ટડી બંધ રાખવાની જાહેરાત કરી હતી. અમેરિકાની યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ માટે ગાઈડલાઈન જાહેર કરીને નવી સૂચના સુધી કલાસમાં ન આવવાનો આદેશ આપ્યો હતો. આખાય અમેરિકામાં શાળા-કોલેજો બંધ થઈ છે. અમુક યુનિવર્સિટીએ ૧૪ દિવસનો સમયગાળો અત્યાર પૂરતો નક્કી કર્યો છે. અમુક સ્કૂલ-કોલેજોએ વિદ્યાર્થીઓ દ્યરે બેઠા અભ્યાસ કરી શકે એ માટે ઓનલાઈન ટયૂશનની વ્યવસ્થા કરી હતી.
ભારતમાં યુએસ કોન્સ્યુલેટમાં વિઝા કામગીરી બંધ
અમેરિકાની સરકારે કોરોનાનો વ્યાપ વિસ્તરતા આખા અમેરિકામાં નેશનલ ઈમરજન્સી જાહેર કરી છે ત્યારે ભારતમાં આવેલી અમેરિકાની તમામ એમ્બેસી અને કોન્સ્યુલેટમાં ૧૬ માર્ચથી તમામ વિઝા કામગીરી બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. અમેરિકાની એમ્બેસીએ જાહેર કર્યું હતું કે, કોવિડ -૧૯ મહામારીને કારણે ૧૬ માર્ચ ૨૦૨૦થી તમામ પ્રકારની ઈમિગ્રન્ટસ અને નોન ઈમિગ્રન્ટસ વિઝા એપોઈન્ટમેન્ટ રદ કરાઈ છે. ભારતમાં જ્યારથી ફરી કામગીરી શરૂ કરાય તે પછી વિઝા ઈચ્છુકોને નવેસરથી એપોઈન્ટમેન્ટ આપવામાં આવશે અને તેને રિશિડયૂલ કરી શકાશે. ભારતમાં કોરોના વાઇરસના વધી રહેલાં પ્રસારને ધ્યાનમાં રાખીને અમેરિકી દૂતાવાસ દ્વારા આ નિર્ણય લેવાયો છે.