કોરોના વાયરસનો કહેરઃ વિશ્વભરની એરલાઇન્સને ૧૧૩ અબજ ડોલરનો ફટકો

Friday 06th March 2020 07:16 EST
 
 

બિજિંગ, તહેરાન, વોશિંગ્ટનઃ કોરોનાની ભયાનકતા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ઈન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને દાવો કર્યો હતો કે દુનિયાભરની એરલાઈન્સને કોરોનાના કારણે ૧૧૩ અબજ ડોલરનો ફટકો પડશે. હવાઈયાત્રામાં ઘટાડો થયો હોવાથી એરલાઈન્સની દુનિયાભરની સર્વિસ પ્રભાવિત થઈ રહી છે. એરલાઈન્સને મોટો ફટકો પડી રહ્યો હોવાથી એક પછી એક એરલાઈન્સ તેમની સર્વિસ બંધ કરી રહી છે. અગાઉ મોનાર્ક અને થોમસ કૂક એરલાઈન્સે તેમની સર્વિસ બંધ કર્યાની જાહેરાત કરી હતી. હવે બ્રિટિશ એરલાઈન્સ ફ્લાઈટ પણ બંધ થતી ગઈ છે. આ એરલાઈન્સના માધ્યમથી દર વર્ષે આશરે ૮૦ લાખ કરતા વધુ પ્રવાસીઓ મુસાફરી કરતા હતા. એવો જ ફટકો પેટ્રોલિયમ ઈન્ડસ્ટ્રીને પણ પડયો છે. ઓર્ગેનાઈઝેશન ઓફ ધ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ (ઓપેક) સંગઠને સાથી દેશોને દરરોજ ૧૫ લાખ બેરલનું ઉત્પાદન ઘટાડવાનો પ્રસ્તાવ મૂક્યો છે. રશિયા સમર્થન આપશે તે સાથે જ ઓપેક દેશો પેટ્રોલિયમના ઉત્પાદનમાં કાપ મૂકશે. કોરોનાના કારણે અસંખ્ય સેક્ટર્સ મંદીમાં સપડાયા છે. એરલાઈન્સથી લઈને ઉદ્યોગ એકમો બંધ થઈ રહ્યા હોવાથી તેની અસર ટ્રાન્સપોર્ટ ઉપર પણ પડી રહી છે. આ બધા જ કારણોસર પેટ્રોલિયમની ડિમાન્ડ ઘટી ગઈ છે.

દુનિયાના ૩૦ કરોડ વિદ્યાર્થીઓની શાળા-કોલેજો બંધ

દુનિયાભરના ૩૦ કરોડ જેટલાં વિદ્યાર્થીઓનો અભ્યાસ કોરોનાના કારણે પ્રભાવિત થઈ રહ્યો છે. બીજા શબ્દોમાં કહીએ તો ૩૦ કરોડ વિદ્યાર્થીઓની શાળા-કોલેજો કોરોનાના કારણે બંધ કરવામાં આવી છે.ઈન્ટરનેશનલ મોનેટરિ ફંડના દાવા પ્રમાણે દુનિયાના ૮૦ જેટલાં દેશો કોરોનાથી પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસર ચીન-ઈરાન-ઈટાલી-દક્ષિણ કોરિયા-જાપાન-સિંગાપોર, ઓસ્ટ્રેલિયામાં થઈ છે.

આ દેશોની કેટલીય શાળા-કોલેજો હાલ પૂરતી બંધ રાખવાનો સ્થાનિક સરકારોએ નિર્ણય જાહેર કર્યો છે. યુનેસ્કોએ કહ્યું હતું કે ૧૩ દેશોએ તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો નિર્ણય જાહેર કર્યો છે. કામચલાઉ ધોરણે શાળા-કોલેજો બંધ રખાઈ હોય એ આંકડોપણ ઘણો મોટો છે એવું યુનેસ્કોના એક નિવેદનમાં કહ્યું હતું.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter