કોરોના વેક્સિન ૯૦ ટકાથી વધુ લોકો પર અસરકારક: દવા બનાવતી ફાઇઝરનો દાવો

Tuesday 10th November 2020 16:15 EST
 
 

વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોના વાઈરસનું જાળું દિવસે ને દિવસે વિસ્તરતું જાય છે. ૧૦મીના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કુલ કોરોના કેસની સંખ્યા ૫૧૪૫૫૩૯૬, કુલ મૃતકાંક ૧૨૭૨૪૩૮ અને કોરોનામાંથી સાજા થયેલા લોકોની કુલ સંખ્યા ૩૬૨૨૩૬૨૯ થઈ હતી. આ જ દિવસના અહેવાલો પ્રમાણે અમેરિકામાં કોરોના કેસની સંખ્યા ૧૦૪૩૪૨૯૮, મૃતકાંક ૨૪૪૬૨૬ અને રિકવરીની કુલ સંખ્યા ૬૫૫૪૫૫૩ થઈ હતી.
અમેરિકામાં કોરોના કેસ મામલે વિશ્વમાં પ્રથમ છે ત્યારે દવા બનાવતી કંપની ફાઈઝર અને જર્મન બાયોટેક ફર્મ બાયોએનટેકે દાવો કર્યો છે કે, અમે બનાવેલી વેક્સિન ૯૦ ટકાથી વધુ લોકો પર અસરકારક રહી છે. આ વેક્સિન એ લોકો પર પણ અસરકારક સાબિત થઈ છે, જેમનામાં કોરોનાના લક્ષણો પહેલેથી દેખાતા નહોતા. ફાઈઝરના ચેરમેન અને સીઈઓ ડો. આલ્બર્ટ બોરલાએ કહ્યું કે, અમારી વેક્સિનના ટ્રાયલનો ત્રીજો તબક્કો સફળ રહ્યો છે. આ દવાના ટેસ્ટ માટે ૪૩ હજાર વોલિન્ટિયરે ભાગ લીધો હતો. આ વેક્સિન ૯૦ ટકા લોકો પર કારગત સાબિત થઈ હતી. સંક્રમણના કારણે હોસ્પિટલોમાં ક્ષમતાથી વધુ દર્દીઓ પહોંચી રહ્યા છે અને અર્થતંત્ર પણ નીચે જઈ રહ્યું છે ત્યારે આ વેક્સિનની ખાસ જરૂર છે. બીજી તરફ અમેરિકા અને યુરોપમાં નવું જોખમ તોળાયું છે. અમેરિકા, સ્પેન, ઈટાલી, નેધરલેન્ડ સહિત છ દેશમાં મિન્ક નામનાં પ્રાણીમાં કોરોના વાઈરસ જણાતા ફફડાટ ફેલાયો છે. આ દેશોમાં મિન્ક ફર ફાર્મ સાથે સંલગ્ન કોરોના વાઈરસથી સંક્રમણ ફેલાયું છે. કોરોનાનો આ વાઈરસ વારંવાર સ્વરૂપ બદલતો હોવાનું જણાયું છે. આ બીમારીની શરૂઆત ડેન્માર્કથી થઈ છે. ઉલ્લેખનીય છે કે, યુક્રેનમાં રાષ્ટ્રપતિ વ્લાદિમીર જેલેન્સ્કી બાદ હવે નાણાં અને સંરક્ષણ પ્રધાન પણ કોરોનાની ઝપેટમાં સપડાયા હોવાના સમાચાર સોમવારે હતા. 

ડેન્માર્કમાં ૧.૭ કરોડ મિન્કને મારી નાંખવાનો આદેશ
કોરોના વાઈરસના કારણે ડેનમાર્ક દ્વારા ઉત્તરનાં વિસ્તારોમાં કડક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. ડેનમાર્કમાં ૧૭ મિલિયન મિન્કને મારી નાંખવાનાં આદેશો અપાયા છે. ડેન્માર્કમાં જૂન પછી ૨૧૪ લોકોમાં ૫ જુદાજુદા પ્રકારનાં કોરોના વાઈરસ મળી આવ્યા હતા. એક અહેવાલ અનુસાર એક મિન્ક ૧૨ વ્યક્તિને સંક્રમિત કરી શકે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter