વોશિંગ્ટનઃ વિશ્વમાં કોરોનાના વધતા જતા કિસ્સાઓએ હાહાકાર મચાવ્યો છે. ૭મી જુલાઈના અહેવાલો પ્રમાણે વિશ્વમાં કોરોનાના કેસનો આંક ૧૧૮૩૭૨૪૫, મૃતકાંક ૫૪૩૩૮૦ અને સાજા થયેલા લોકોનો આંક ૬૭૯૯૬૭૭ નોંધાયો છે. વિશ્વને હચમચાવતી આ મહામારીના સંક્રમણને રોકવા ઓસ્ટ્રેલિયાનાં બે રાજ્યોએ ૧૦૦ વર્ષમાં પહેલીવાર તેની બોર્ડર બંધ કરી દીધી છે.
મેલબોર્ન શહેરમાં કોરોનાનાં નવા કેસ પ્રકાશમાં આવ્યા પછી વિકટોરિયા અને ન્યૂ સાઉથ વેલ્સની સરહદોને બંધ કરાઈ છે. અગાઉ સ્પેનિશ ફ્લૂ વખતે ૧૯૧૯માં આ બંને રાજ્યોની બોર્ડર બંધ કરાઈ હતી. મેલબોર્નમાં કોરોનાનાં કેસ ચિંતાજનક રીતે વધ્યા પછી ૩૦ પરા વિસ્તારોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરાયું છે જ્યારે ૯ રહેણાક ટાવર્સ લોકડાઉન કરાયા હોવાના અહેવાલ છે.મંગળવાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં કોરોનાના ૮૭૫૫ કુલ કેસ, ૧૦૬ મત્યુ અને સાજા થયેલા લોકોની સંખ્યા ૭૪૫૫ નોંધાઈ હતી. જોકે એ અગાઉં એક જ દિવસમાં મેલબોર્નમાં ૧૨૭ કેસ નોંધાતાં અને ૧નું મોત થતાં સરકાર સક્રિય બની હતી. ન્યૂ સાઉથ વેલ્સમાં પણ કડક નિયંત્રણો નંખાયા હતા.
કોરોના હવાથી પણ ફેલાય છેનો દાવો
અત્યાર સુધી એમ મનાતું હતું કે કોરોના વાઈરસ વ્યક્તિથી વ્યક્તિના સંપર્કમાં આવવાથી ફેલાય છે, પણ વિશ્વના ૨૩૯ નિષ્ણાતોએ દાવો કર્યો છે કે કોરોના હવાથી પણ ફેલાય છે. વિશ્વના અનેક દેશોમાં મહિનાઓ સુધી લોકડાઉન પછી તેમાં છુટછાટ અપાઈ રહી છે. જેથી ઘરમાં કેદ થયેલા લોકો બાર, રેસ્ટોરાં, ઓફિસ, માર્કેટ, કેસિનોમાં જવા લાગતા અનેક દેશોમાં કોરોના સંક્રમણમમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ બાબત પુરવાર કરે છે કે કોરોના હવાથી પણ ફેલાય છે. જ્યાં વધુ ભીડભાડ થતી હોય અને હવાની અવરજવર ઓછી હોય ત્યાં એરબોર્ન ટ્રાન્સમિશન વધ્યું છે. આવા સંજોગોમાં લોકોને ક્વોરટાઈન કરવાનું પ્રમાણ પણ વધ્યું છે. નિષ્ણાતોના મતે ઘરમાં કે ઓફિસમાં કે અન્ય ઈન્ડોર સ્થિતિમાં પણ હવે માસ્ક પહેરવાનું અનિવાર્ય બન્યું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ પણ જરૂરી છે. હેલ્થકેર કર્મચારીઓ માટે એન૯૫ માસ્ક ફરજિયાત બન્યું છે.
‘ચીનનું યુએસ સહિત વિશ્વનું નુકસાન’
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે ટ્વિટ કરીને કોરોના વાઇરસની મહામારી ફેલાવવાનો આરોપ મૂકતા કહ્યું કે ચીને અમેરિકા અને દુનિયાનું ઘણું નુકસાન કર્યું છે. જ્યારે કેટલાક દેશોમાંથી અમેરિકી ખજાનામાં અબજો ડોલર આવી રહ્યા હતા તે સમયે અમેરિકા ચીનના વાઈરસથી પ્રભાવિત થયો હતો. આ પહેલા પણ ટ્રમ્પે અનેક વાર ચીન પર નિશાન સાધ્યું હતું. હાલના સમયે ચીન અને અમેરિકા વચ્ચે કોરોનાની સાથેસાથે લશ્કરી ટકરાવ પણ સર્જાઈ રહ્યો છે.
• બ્રાઝિલમાં કોરોના કેસની સંખ્યા બ્રાઝિલમાં ૧૬ લાખને પાર થઈ છે. કોરોનાનાં સંક્રમણની રીતે જોઈએ તો અમેરિકા પછી બ્રાઝિલ સૌથી વધુ પ્રભાવિત બીજો દેશ છે. જોકે સોમવારથી અહીં બાર, રેસ્ટોરાં, સલૂન, બાર્બર શોપ ખોલાયા છે.
• પાકિસ્તાનમાં બે પૂર્વ વડા પ્રધાન અને વિદેશ પ્રધાન પછી હવે આરોગ્ય પ્રધાન ઝફર મિર્ઝા કોરોના સંક્રમિત થયા છે. પાકિસ્તાનમાં કોરોના સંક્રમણનો આંક ૨૩૪૫૦૯ લોકોને કોરોના થયો છે. અહીં ૪૮૩૯નાં મોત થયાં અને ૧૩૪૯૫૭ રિકવર થયાં છે.
• અમેરિકામાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૩૦૫૭૦૧૧ નોંધાઈ છે. અમેરિકામાં પશ્ચિમ અને મધ્ય અમેરિકાની સ્થિતિ ગંભીર છે. મિસિસિપીનાં હાઉસ સ્પીકર ફિલીપ ગન્ન કોરોના પોઝિટિવ જણાયા છે. તેઓ સેલ્ફ ક્વોરેન્ટાઈન થયાં છે. બીજી બાજુ ૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧નાં રોજ વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર થયેલા હુમલામાં જીવ બચાવીને ભાગનાર ૭૮ વર્ષનાં સ્ટીફન કૂપરનું કોરોનાથી મોત થયું છે. હુમલા વખતે તેમની તસવીર એક ફોટોગ્રાફરે લીધા પછી તે ફોટો આખી દુનિયામાં વાઈરલ થયો હતો. અમેરિકામાં કોરોનાથી ૧૩૩૩૦૨નાં મોત થયાં છે અને ૧૬૨૬૭૭૦ સાજા થયાં છે.
• સાઉદી અરેબિયામાં ૫૧.૫ હજારથી વધુ કોરોના પોઝિટિવ છે. સરકાર આ મુદ્દે ચિંતામાં છે. તેથી હજયાત્રા કરનાર યાત્રિકોએ માસ્ક પહેરવો ફરજિયાત છે. તેમણે સોશિયલ ડિસ્ટન્સિંગ પણ રાખવું પડશે. તેઓ કાબાનાં પથ્થરને સ્પર્શ કરી શકશે નહીં. સાઉદી નાગરિકો જ હજ કરી શકશે.
• દક્ષિણ આફ્રિકામાં હિન્દુ રાજકીય પક્ષ હિન્દુ યુનિટી મૂવમેન્ટનાં સ્થાપક જયરાજ બાચૂનું કોરોનાથી મોત થયું છે.
• બોલિવિયાનાં આરોગ્ય પ્રધાન ઈડી રોકાને કોરોના થયો છે. અહીં ૧.૧ કરોડની વસ્તીમાં ૩૮૦૦૦થી વધુ લોકો સંક્રમિત છે.
• પેરુમાં કોરોનાના ૩ લાખથી વધુ કેસ છે. જ્યારે ૧૦.૫ હજારથી વધુનાં મોત થયાં છે.
• ચીનમાં પ્રમુખ જિનપિંગની ટીકા કરનાર પ્રોફેસર ઝુ જંગરૂનને ઘરમાંથી પકડાયો છે.
• રશિયામાં ૬૯૪૨૩૦ જેટલા કેસ છે. ૧૩૫થી વધુનાં મોત થયાં છે.