નવી દિલ્હીઃ કોરોના વાઈરસના કારણે આખી દુનિયામાં ડરનો માહોલ છે ત્યારે પાકિસ્તાન સરકારે પણ ખતરનાક કોરોના વાઈરસ સામે લડવા માટે પોતાની કમર કસી લીધી હોવાના સમાચાર છે. પાકિસ્તાને પોતાની રાજધાની ઇસ્લામાબાદ સાથે પંજાબ, સિંધ, ખૈબર પખ્તૂનખ્વાહ, બલૂચિસ્તાન, ગિલગિટ અને પાકિસ્તાનના કબજા હેઠળનું કાશ્મીરમાં સૈન્ય તૈનાત કરી દીધી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર ભાગમાં (પીઓકે)ના ગિલગિટ ક્ષેત્રમાં ૨૬ વર્ષીય એક ડોક્ટરનું કોરોનાના કારણે તાજેતરમાં મોત થયું હતું. પાકિસ્તાનમાં કોરોના વાઈરસના સંક્રમણના કારણે એક ડોક્ટરનું મોત થયાની આ પ્રથમ ઘટના ગણાવવામાં આવી હતી. પાકિસ્તાની તંત્રના અધિકારીઓ દ્વારા સોમવારે આ જાણકારી આપવામાં આવી હતી. ઉસામા રિયાઝ હાલમાં ઇરાન અને ઇરાકથી પાછા ફરેલા મુસાફરોની સારવાર કરી રહ્યો હતો. પાકિસ્તાનમાં કોરોના વાઈરસના ૮૦૦થી વધુ પોઝિટિવ કેસ સામે આવ્યા છે જ્યારે પાંચથી વધુ લોકોનાં મોત થયાં છે.