કોરોના સામે લડવામાં વૈશ્વિક એકતાનો અભાવ દેખાય છે: WHO ચીફ ટેડ્રોસ

Saturday 27th June 2020 08:23 EDT
 
સ્પેનમાં ૧૪ અઠવાડિયા બાદ લોકડાઉનનો અંત આવ્યો છે. આ ઉપરાંત ૧૦૦ ડિગ્રી ફેરનહીટ સુધી તાપમાનનો પારો પહોંચી જવાના કારણે સરકારે બિચ પણ ખુલ્લા મૂકી દીધા હતા. બિચ ખુલ્લા મૂકાતા હજારોની સંખ્યામાં લોકો વિવિધ બીચ ઉપર ઉમટી પડ્યા હતા. 
 

જિનિવાઃ વિશ્વની ટોચની આરોગ્ય સંસ્થા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ૨૩મી જૂને જણાવ્યું હતું કે, વિશ્વમાં કોરોનાનાં કેસની સંખ્યા ૯૨૮૫૭૯૯ સુધી પહોંચી ગઈ છે અને મૃત્યુઆંક ૪૭૭૦૦૬એ પહોંચ્યો છે. રિકવરી કેસની વૈશ્વિક સંખ્યા ૨૩મીએ ૪૯૯૬૭૩૨ નોંધાઈ હતી. WHOનાં જણાવ્યા મુજબ વૈશ્વિક ક્ષેત્રે કોરોનાથી રિકવર થતાં લોકોની સંખ્યા ભલે વધુ હોય, પરંતુ આ મૃત્યુઆંક ચિંતાજનક નિર્દેશ કરે છે.
સોમવારે ૫૪,૭૭૧ નવા કેસ બ્રાઝિલમાં નોંધાયા હતા જ્યારે અમેરિકામાં ૩૬૬૧૭ અને ભારતમાં ૧૫૪૦૦થી વધુ કેસ નોંધાયા હતા. નિષ્ણાતોનાં મતે ટેસ્ટિંગ વધારવામાં આવતા તેમજ કોઈ લક્ષણો વિનાનાં કેસ બહાર આવતા નવા કેસની સંખ્યા ઝડપથી વધી રહી છે. બ્રાઝિલમાં કોરોનાથી મૃત્યુનો આંક વધીને ૫૦,૦૦૦ને પાર થયો છે જે ચિંતાનો વિષય છે.
દરમિયાન દુબઈમાં યોજાયેલા એક કાર્યક્રમમાં WHO ચીફ ટેડ્રોસ ઘેબ્રેયેસસે કહ્યું હતું કે કોરોના સામે લડવામાં વૈશ્વિક નેતૃત્વ અને એકતાનો અભાવ છે. આથી કોરોના સામેની લડતમાં મોટો ખતરો સર્જાયો છે. કોરોના સામેની લડાઈને જે રીતે રાજકીય રંગ અપાઈ રહ્યો છે તેને કારણે અનેક દેશમાં સ્થિતિ વણસી રહી છે. જોકે આ માટે તેમણે કોઈ દેશનું નામ લીધું ન હતું પણ અમેરિકા વારંવાર આ મામલે ચીન તેમજ WHOને જવાબદાર ગણી રહ્યું છે. WHOની કામગીરી નબળી અને ધીમી છે તેવા આક્ષેપો કર્યા છે.

યુએસમાં ભયજનક સ્થિતિ

WHOએ જણાવ્યું કે અમેરિકામાં કેસનો આંકડો ૨૪૧૧૭૫૨ સુધી પહોંચી ગયો છે. અમેરિકામાં રિકવર થયેલા લોકોની સંખ્યા ભલે ૧૬૦૬૦૩૮ હોય, પરંતુ દેશમાં ૧૨૩૩૦૩ મૃત્યુ થવા એ ચિંતાજનક છે. વિશ્વના એક તૃતિયાંશ કેસ એકલા અમેરિકામાં જ નોંધાયા છે. અમેરિકાનાં એરફોર્સ બેઝમાં ૩૭ નવા કેસ નોંધાતા ચિંતા વધી છે. બીજી તરફ સ્પેનમાં હવે લોકડાઉન હટી જતાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ ઉપરનો પ્રતિબંધ દૂર કરાયો છે. તાજેતરમાં બ્રિટનથી પહેલી ફ્લાઈટ ત્યાં પહોંચી હતી. જાહેર પરિવહન પણ શરૂ થતાં તેમાં પણ ભીડ જોવા મળી હતી.
આ બધા વચ્ચે નાઈજિરિયાનાં વૈજ્ઞાનિકોએ કોરોનાની વેક્સિન બનાવ્યાનો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે માર્કેટમાં તેને મુકતા ૧૮ મહિના લાગશે.
રિસર્ચ ટીમનાં વડા ડો. ઓલાપિડો કોલાવોલે તાજેતરમાં એવું કહ્યું હતું કે, આ વેક્સિનનો આફ્રિકાનાં લોકો પર પ્રયોગ કરીને આફ્રિકાનાં લોકો માટે જ વિકસાવાશે. જો કે અન્ય દેશોમાં પણ તેને મૂકવામાં આવશે અને કારગત નીવડશે તેવી આશા છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter