વોશિંગ્ટનઃ કોરોના વાઈરસે વિશ્વને આર્થિક, સામાજિક અને માનસિક રીતે તોડી પાડ્યું છે. આ જીવલેણ વાઈરસથી ૩૧મી માર્ચ સુધીમાં આશરે ૩૭ હજાર ૭૯૭ લોકોનાં મોત નોંધાયા છે. સારા સમાચાર એ છે કે ૧ લાખ ૬૫ હજાર ૩૮૭ વ્યક્તિ સ્વસ્થ પણ થઈ ગયા છે. અમેરિકામાં કોરોના સંક્રમણના ૧ લાખ ૬૪ હજાર ૧૨૧ કેસ નોંધાયા છે. અમેરિકામાં કોરોનાના કેસ ચીનથી બમણા નોંધાઈ રહ્યાં છે.
અમેરિકામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૧,૪૨,૭૯૩થી વધુએ પહોંચી છે અને મોતનો કુલ આંકડો ૨૪૯૦ને પાર થયો છે. અમેરિકામાં એકલા ન્યૂ યોર્ક શહેરમાં કોરોનાએ ૭૭૫થી વધુનો ભોગ લીધો છે ત્યારે એક મેડિકલ રિપોર્ટમાં જણાવાયું છે કે અમેરિકામાં આ વાઈરસ આશરે બે લાખ લોકોનો ભોગ લઈ શકે છે.
વિશ્વના સૌથી ધનિક ન્યૂ યોર્કમાં કચરાની થેલીના માસ્ક, હોસ્પિટલમાં લોકો જમીન પર, એક વેન્ટિલેટર પર ૪ જિંદગી
વિશ્વના સૌથી ધનિક ન્યૂ યોર્ક શહેરમાં કોરોનાના કારણે સ્થિતિ એટલી વણસી છે કે, ૨૬મી માર્ચે એક જ દિવસમાં ૮૫ લોકોનાં મોત થયાં હતાં. ૧૦૦થી વધુ અબજપતિઓવાળા આ શહેરમાં કચરાની થેલીના માસ્ક બનાવાઈ રહ્યાં છે અને હોસ્પિટલમાં લોકો જમીન પર પણ સારવાર લઈ રહ્યાં છે. એક વેન્ટિલેટર પર ૪ લોકોને નવજીવન આપવાની સ્થિતિ છે. સ્થિતિ એટલી ખરાબ છે કે સ્થાનિક વહીવટી તંત્રએ સૈન્યની મદદ લેવી પડી છે જેથી લોકોને આ વાઇરસથી બચાવી શકાય.
હોસ્પિટલમાં એટલા બધા દર્દીઓ આવવા લાગ્યા છે કે બેડની અછત સર્જાઇ છે. પૂરતા વેન્ટિલેટર પણ નથી. કેટલીક હોસ્પિટલોએ તો એક વેન્ટિલેટર પર બે દર્દી રાખ્યા છે. માર્કો ગેરોન નામના એક ડોક્ટરે ટ્વિટર પર આવા જ વેન્ટિલેટરની તસવીર પોસ્ટ કરીને લખ્યું છે કે હવે ડોક્ટર્સની મૂંઝવણ એ છે કે કોને વેન્ટિલેટરની સુવિધા આપવી અને કોને ન આપવી? જ્યારે હકીકત એ છે કે બધા દર્દીઓને વેન્ટિલેટરની જરૂર છે. આવનારા સમયમાં સ્થિતિ વધુ ગંભીર થવાની શક્યતા છે. તેથી ફૂડ એન્ડ ડ્રગ્સ ઓથોરિટીએ કટોકટીની સ્થિતિમાં ઉપયોગમાં લેવાતું ઉપકરણ વેસ્પર કોરોનાના દર્દીઓ માટે ઉપલબ્ધ કરાવવાનું શરૂ કરી દીધું છે. આ ઉપકરણ દ્વારા એક વેન્ટિલેટર ૪ દર્દીને શ્વાસ લેવામાં મદદ કરે છે.
મામલો માત્ર વેન્ટિલેટર સુધી મર્યાદિત નથી. હોસ્પિટલોમાં બેડ, ડોક્ટર્સ, નર્સ અને મૂળભૂત ઉપકરણોની પણ ભયાનક અછત સર્જાઇ છે. મેડિકલ સપ્લાયની અછતના કારણે સ્વાસ્થ્ય કર્મીઓએ ફેસ માસ્ક રિસાઇકલ કરીને યુઝ કરવા પડે છે. કેટલાકે તો કચરા માટેની બેગનો માસ્ક તરીકે ઉપયોગ કરવો પડે છે. ન્યૂ યોર્કની હોસ્પિટલોમાં જ્યાં પણ ખાલી જગ્યા હોય ત્યાં બેડ મૂકવાનું શરૂ કરી દેવાયું છે. ન્યૂ યોર્ક સ્ટેટ નર્સ એસોસિયેશનના ડાયરેક્ટર પેટ કેનએ જણાવ્યું કે સ્થિતિ વર્ણવી ન શકાય તેટલી ગંભીર છે. હોસ્પિટલોમાં ખૂણે-ખૂણે દર્દીઓ માટે બેડ મુકાઇ રહ્યા છે. હોસ્પિટલોની આસપાસના જાહેર સ્થળોનો ઉપયોગ કરવા પણ પ્રયાસ કરાઇ રહ્યો છે, જેથી વધુમાં વધુ લોકોનો જીવ બચાવી શકાય.
અમેરિકના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે, પોતે કશું કર્યું ન હોત તો અમેરિકામાં કોરોના વાઇરસને કારણે મૃત્યાઆંક ૨૦ લાખ થયો થયો હોત. ત્યારે જો એ આંકડો ૧થી ૨ લાખ વચ્ચે સીમિત રાખી શકે તો એ તેમની જાત જ ગણાશે અને સારું કામ કર્યું ગણાશે.
વોશિંગ્ટનમાં લોકોને ઘરમાં જ રહેવાનો આદેશ છે અને ઉલ્લંઘન કરનારને રૂ. ૩.૭ લાખ દંડ (પાંચ હજાર ડોલર), ૯૦ દિવસની જેલ અથવા બંને થઈ શકે છે. રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે જણાવ્યું હતું કે, યુએસમાં અત્યાર સુધીમાં ૧૦ લાખથી વધુ લોકોનાં કોરોના ટેસ્ટ થઈ ચૂક્યાં છે. અમેરિકાના સ્વાસ્થ્ય પ્રધાન એલેક્સ હજારે જણાવ્યું છે કે, પ્રત્યેક દિવસે અમે એક લાખ સેમ્પલની તપાસ કરી રહ્યા છીએ.
કોલમ્બિયાના મેયર મુરિયલ બોસરે આ પરિસ્થિતિમાં ટ્વિટ કર્યું હતું કે, કોરોનાના કેસમાં સતત વધારાથી કોલમ્બિયાના લોકોને ઘરમાં જ રહેવાના આદેશ છે. લોકોને માત્ર જરૂરી કામ જેવા કે મેડિકલ, ભોજન, જરૂરી વસ્તુઓ લેવા અને મહત્ત્વપૂર્ણ કામ માટે જ બહાર જવાની મંજૂરી મળી છે.
યુરોપમાં ઈટાલી, સ્પેન, જર્મની અને ફ્રાન્સમાં વિકટ પરિસ્થિતિ છે. ઇટાલીમાં ૭૫ હજારથી વધારે જ્યારે સ્પેનમાં ૫૬ હજારથી વધુ કેસ નોંધાયા છે. એશિયામાં કેસની સંખ્યા ૧ લાખને પાર થઈ છે.
• પોતાની ટીમમાં એક વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યા પછી ઈઝરાયેલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ કોરોન્ટાઈન થયા છે.
• લિબિયાએ કોરોનાને કારણે ૪૫૦ કેદીઓને મુક્ત કર્યા છે.
• રશિયા પણ હવે આખા દેશમાં લોકડાઉન લાગુ કરવાનો વિચાર કરી રહ્યું છે.
• ઝિમ્બાબ્વેએ ૩ અઠવાડિયાનું રાષ્ટ્રવ્યાપી લોકડાઉન જાહેર કરી દીધું છે, પરંતુ ઝિમ્બાબ્વેમાં તેનાથી મોટી મુશ્કેલી સર્જાઈ રહી છે, કેમ કે દેશ વર્ષોથી આર્થિક કટોકટીનો સામનો કરી રહ્યો છે.
• યુરોપિયન દેશ સર્બિયાએ કોરોના સામે લડવા માટે ૫ અબજ યુરો ડોલરનું ફંડ ફાળવ્યું છે.
• જાપાનને યુરોપ, ચીન, અમેરિકાથી આવતા તમામ પ્રવાસીઓ પર પ્રતિબંધ મુકી દીધો છે.
• બ્રાઝિલના પ્રમુખ બોલ્સોનારોએ ટ્વિટ કરી હતી કે કોરોના સામાન્ય બિમારી છે, ટૂંક સમયમાં દૂર થશે, ડરવાની જરૂર નથી. આ ટ્વિટ ગેરમાર્ગે દોરનારી હોવાથી ટ્વિટરે ડિલિટ કરી દીધી હતી.
• દુબઇમાં લોકડાઉનના ઉલ્લંઘન સામે ૧૦ લાખ સુધીનો દંડ, સેનિટાઇઝેશન માટે ડ્રોન દ્વારા છંટકાવ કરાય છે.