વોશિંગ્ટન: અમેરિકન ટ્રેઝરી વિભાગે કોંગ્રેસને સોંપેલા એક રિપોર્ટમાં કહ્યું છે કે ત્રણ જોરદાર કોવિડ લહેર છતાં ભારતીય અર્થતંત્રે જોરદાર પુનરાગમન કર્યું છે. પોતાના અર્ધ-વાર્ષિક રિપોર્ટમાં ટ્રેઝરીએ કહ્યું છે કે ભારતમાં બીજી લહેરે 2021ના મધ્ય સુધી વિકાસ પર ભારે દબાણ સર્જ્યું હતું. જેના કારણે આર્થિક સુધારામાં વિલંબ થયો છે, પણ હવે તે યોગ્ય માર્ગે છે.
ટ્રેઝરીએ ભારતના રસીકરણ પ્રયાસની પ્રસંશા કરતા નોંધ્યું છે કે વેક્સિનેશન રોલઆઉટમાં ઝડપ આવવાની સાથે જ ગત નાણાંવર્ષના બીજા છ માસ દરમિયાન આર્થિક ગતિવિધિમાં જોરદાર ઉછાળો આવ્યો છે. 2021ના અંત સુધીમાં ભારતની લગભગ 44 ટકા વસતીને સંપૂર્ણપણે રસી આપી દેવાઈ હતી. 2020માં સાત ટકાની પડતી બાદ 2021ના બીજા ત્રિમાસિક ગાળા સુધીમાં ઉત્પાદન મહામારી પહેલાંના સ્તર સુધી પહોંચી ગયું હતું. તેમાં સમગ્ર વર્ષ દરમિાયન આઠ ટકાનો વધારો જોવા મળ્યો છે.
આયાત-નિકાસમાં સુધારો
રિપોર્ટમાં કહેવાયું છે કે આર્થિક સુધારા અને વસ્તુઓની વધતી કિંમતો, ખાસ કરીને ઊર્જાની કિંમતો વચ્ચે 2021ના બીજા છ માસમાં માલની આયાત ઝડપથી વધી હતી. આયાતમાં 54 ટકાનો વધારો નોંધાયો હતો તો દેશની નિકાસ પણ 2021માં વધી હતી. જોકે, આયાતની તુલનામાં તેનો દર ઓછો રહ્યો હતો અને તેમાં 43 ટકા વધારો જોવા મળ્યો હતો.
ટોપ 12 અર્થતંત્રમાં સામેલ
ભારતે અમેરિકન ટ્રેઝરી વિભાગની મુદ્રા મોનિટરિંગ લિસ્ટમાં પણ સ્થાન જાળવ્યું છે. ટ્રેઝરી વિભાગે કહ્યું હતું કે ભારતે ડિસેમ્બર 2020 અને એપ્રિલ 2021ના રિપોર્ટમાં ત્રણ પૈકી બે માપદંડ પૂરા કર્યા છે. જેમાં યુએસ સાથે મહત્ત્વપૂર્ણ દ્વિપક્ષીય વેપાર સરપ્લસ હતો. યુએસે ભારતને 11 અન્ય અગ્રણી અર્થતંત્રો સાથે રાખ્યું છે જે પોતાની મુદ્રા અને વ્યાપક આર્થિક નીતિને કારણે મજબૂત મનાય છે. આ યાદીમાં ચીન -જાપાન જેવા દેશ સામેલ છે.