દુનિયાભરમાં કોરોનાનો ભય પ્રવર્તે છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કેટલાય સમયથી દુનિયાભરના દેશોને તેને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સિંગથી લઇને સરહદો સીલ કરવા, ક્વોરેન્ટાઇન, આઇસોલેશન, લોકડાઉન જેવા ઉપાય અપનાવવા સૂચવતું હતું. મોટા દેશોએ આ સુચના ગણકારી નહીં, પણ નાના - નાના દેશોએ તાત્કાલિક કડક નિર્ણય લઇને આક્રમક રણનીતિ અપનાવી, જેના પરિણામ આપણી સમક્ષ છે. આવા દેશોમાં સિંગાપોર, તાઇવાન, સાઉથ કોરિયા, થાઇલેન્ડ મુખ્ય છે કેમ કે આ દેશો ચીન સાથે જોડાયેલા હોવાથી ચેપ ફેલાવાનો સૌથી વધુ ખતરો આ દેશોમાં હતો.
મોટા દેશોને પ્રારંભિક લાપરવાહી ભારે પડી રહી છે
• અમેરિકાઃ કોરોના જ્યારે ચીનમાં કેર વર્તાવી રહ્યો હતો ત્યારે તંત્ર લાંબા સમય સુધી લોકોને એમ જ કહેતું રહ્યું કે જો તમને ચેપની આશંકા છે તો ઘરમાં જ રહો. સિએટલના ડો. હેલેન વાઇ ચૂએ ચેતવ્યા, પણ અવગણના કરી. સ્વાસ્થય વિભાગે પણ પગલાં લેવામાં વિલંબ કર્યો.
• સ્પેનઃ કોરોનાના જોખમ છતાં લોકોની ભીડ એકઠી થઇ. મહિલા દિને સવા લાખ લોકોએ કૂચ યોજી. ૬૦ હજાર લોકો ફૂટબોલ મેચ જોવા પહોંચ્યા. સ્પેનના ત્રીજા મોટા પક્ષે હજારોની રેલી યોજી. હવે યુરોપનો બીજો સૌથી પ્રભાવિત દેશ છે.
• ઇટાલીઃ લોકો બીમાર પડવા લાગ્યા તો ન્યૂમોનિયાની અફવા ફેલાઇ. ૧૮ ફેબ્રઆરીએ એક વ્યક્તિ વારંવાર તાવને લીધે તપાસ માટે પહોંચ્યો પણ કોરોનાની વાત ન થઇ. તેના થકી હોસ્પિટલમાં દર્દીઓ, સ્ટાફ તથા ડોક્ટર માંદા પડ્યા. ૨૩ ફેબ્રુઆરીએ બે મૃત્યુ નોંધાયા અને થોડાક જ દિવસોમાં ૫૦ હજારો લોકો લપેટમાં આવી ગયા.
• જર્મનીઃ પ્રથમ કેસ ૨૭ જાન્યુઆરીએ જ નોંધાઇ ગયો હતો, પણ સરકારે કહ્યું રોગ ફેલાવાની શક્યતા ઓછી છે. લોકોની સામાન્ય સારવાર જ કરાઇ. ગંભીરતા સમજવામાં ૧૦ દિવસ લાગ્યા. હવે આખા દેશમાં કર્ફ્યુ છે.
નાના દેશો માટે આક્રમક રણનીતિ લાભકારક પુરવાર થઇ
• સિંગાપોરઃ ચીનના વુહાનથી એલર્ટ આવતાં જ તાત્કાલિક આક્રમક કાર્યવાહી શરૂ કરી. ત્રણ જ દિવસમાં ચીનથી આવનારા પર રોક લગાવી. તમામ પ્રવાસીઓને સીધા ક્વોરેન્ટાઇન કર્યા. તે જેમને મળ્યા તેમની પણ તપાસ કરી. ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને હોટેલની માહિતી એકઠી કરી. હોટલને હોસ્પિટલાામાં રૂપાંતરિત કરી.
• સાઉથ કોરિયાઃ શરૂઆતમાં મામલા ઝડપથી વધ્યા પણ હવે કાબૂમાં છે. ચર્ચમાં સંપર્કમાં આવેલા લોકોનું નિરીક્ષણ કર્યું. સંપૂર્ણ વસતીના ટેસ્ટ કર્યા. અત્યાર સુધીમાં ત્રણેક લાખથી વધુની તપાસ થઇ ચૂકી છે.
• તાઇવાનઃ ૨૧ જાન્યુઆરીએ પ્રથમ કેસ આવતા જ ૧૫૦ એક્શન ટીમ બનાવી. ચીનની ફલાઇટો રોકી દીધી. બહારથી આવનારાઓનું સ્ક્રીનિંગ કર્યું. વિમાનોમાં પણ તપાસ કરાઇ. ચીનથી આવે તેને ક્વોરેન્ટાઇનમાં રાખ્યા. આઇસોલેશન પછી આદેશનું ઉલ્લંઘન કરનારા ૨૪ લાખ રૂપિયાનો ભારે દંડ લગાવ્યો.
• હોંગકોંગઃ ફલાઇટો પર પ્રતિબંધ ફરમાવ્યો. લોકોને સંપર્ક ઘટાડવા કહ્યું. હાઇજીન અને સ્વસ્થતા અંગે અભિયાન ચલાવ્યું. લોકોએ પણ સેલ્ફ આઇસોલેશન એટલે કે ખુદને અલગ રાખવાનું શરૂ કર્યું.