મુંબઈઃ ભારતમાંથી ભાગી ગયેલા લીકર કિંગ વિજય માલ્યાએ તેમના વકીલના માધ્યમથી મુંબઈ હાઇ કોર્ટમાં ૨૪મીએ જણાવ્યું હતું કે વિશેષ અદાલત દ્વારા તેને ભાગેડુ આર્થિક ગુનેગાર જાહેર કરવા અને તેની સંપત્તિ જપ્ત કરવાની મંજૂરી આપવી એ તેના માટે આર્થિક મૃત્યુદંડ સમાન છે. માલ્યાએ તેમના વકીલ અમિત દેસાઈ મારફત જસ્ટિસ રંજન મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની બેન્ચ સમક્ષ આ નિવેદન કર્યું હતું.
માલ્યાના આ નિવેદન છતાં બેન્ચે માલ્યાને કોઈ પણ દિલાસો આપવાનો ઇનકાર કરી દીધો હતો અને સુનાવણી જૂન સુધી મોકૂફ રાખી છે. ગયા વર્ષે ઓગસ્ટમાં અસ્તિત્વમાં આવેલા ભાગેડુ આર્થિક ગુનેગાર કાયદાની અનેક જોગવાઈઓને પડકારતી માલ્યાની અરજીમાં વકીલ અમિત દેસાઈએ આ દલીલો કરી હતી.