સિડની: નયનરમ્ય ફૂલની સુગંધ હંમેશા મન પ્રફુલ્લિત કરી જ દે તેવી હોય તે જરૂરી નથી. વાત માન્યામાં ન આવતી હોય તો એક નજર આ સાથેની તસવીર પર ફેરવો. આ ફૂલની ‘સુગંધ’ માથું ફાડી નાંખે દે તેવી બદબૂદાર હોવા છતાં તે માણવા માટે લોકો ઉમટી રહ્યા છે. ઓસ્ટ્રેલિયાના રોયલ સિડની બોટાનિકલ ગાર્ડનમાં દર 15 વર્ષે ખીલતાં અને કોહવાતાં માંસની ગંધ ધરાવતાં છોડ પર શબફૂલ ખીલતાં હજારો લોકોએ ગ્રીન હાઉસમાં લાંબી લાઈનો લગાવી રહ્યાં છે. અમોરફોફેલસ ટાઈટનમ નામનું વૈજ્ઞાનિક નામ ધરાવતું આ ફૂલ બોલચાલની ભાષામાં કોર્પ્સ ફલાવર એટલે કે શબફૂલ તરીકે ઓળખાય છે. ઈન્ડોનેશિયાના સુમાત્રાના વરસાદી જંગલમાં તેના છોડ જોવા મળે છે અને તે સ્થાનિક ભાષામાં બંગા બેંગકાઈ તરીકે ઓળખાય છે.
બંગા બેંગકાઈનો છોડ જંગલમાં સાતથી દસ વર્ષમાં એક વાર મહોરે ત્યારે તેને ફૂલ આવે છે. રોયલ બોટાનિકલ ગાર્ડનમાં આ છોડને યુટ્રિશિયા નામ અપાયું છે. ડિસેમ્બરમાં આ ફૂલ ખીલ્યું ત્યારે છોડનું કદ માત્ર દસ ઇંચ હતું તે હવે વધીને પાંચ ફૂટ ત્રણ ઇંચ થઈ ગયું છે. તેને પ્લેટેડ સ્કર્ટની જેમ ફૂલ ખીલી રહ્યું છે. રોયલ ગાર્ડનમાં આ છોડ સાત વર્ષ અગાઉ લાવવામાં આવ્યો હતો. આખી દુનિયામાં તેના 1000 કરતાં પણ ઓછાં છોડ જ બાકી બચ્યા છે, જેમાંથી માત્ર 300 જ જંગલમાં બચ્યા છે.
સિડનીના ગાર્ડનમાં આ ફૂલ ખીલતાં જ તેના ચાહકોએ તેની ગંધ માણવા માટે લાંબી લાઈનો લગાવી હતી. પરંતુ જેમને ગંધ ન માણવી હોય તેમના માટે ઓનલાઈન સ્ટ્રિમિંગ શરૂ કરાયું છે. એક અઠવાડિયા કરતાં ઓછાં સમયમાં બોટાનિક ગાર્ડનને મિલિયન કરતાં વધારે વ્યુ મળ્યા છે. મજાની વાત એ છે કે આ ફૂલ 37 ડિગ્રી સેલ્શિયસ ગરમીમાં જ ખીલે છે અને તેની ગંધ પણ માત્ર 24 કલાક સુધી જ રહે છે. પરિણામે આ શબફૂલની ગંધ માણી લેવા માટે લોકોએ ગાર્ડનમાં ધસારો કર્યો હતો. ડેનિયલે જણાવ્યું હતું કે આ ફૂલની ગંધ પ્રસરે તે પછી માખીઓ અને કેરિઓન બિટલ્સ તેમાં ઇંડા મુકે છે. એ પછી આ ફુલની જાત ટકી રહે તે માટે હાથ વડે તેના છોડને પરાગાધાન કરાવાય છે.