સ્ટોકહોમઃ કોલંબિયાના પ્રમુખ જુઆન મેન્યુઅલ સન્તોસની તેના દેશમાં છેલ્લાં ૫૦ વર્ષથી પ્રવર્તી રહેલા વર્ગવિગ્રહનો અંત લાવવાની દિશામાં પ્રયાસ કર્યા બદલ ૨૦૧૬ના શાંતિ પુરસ્કાર માટે પસંદગી થઈ છે. સન્તોસે કોલંબિયાનાં સશસ્ત્ર ક્રાંતિકારીદળ સાથે શાંતિસમજૂતિ સાધવામાં મધ્યસ્થી નિભાવી હતી, પરંતુ તે સમજૂતી પર જ્યારે લોકમત લેવાયો ત્યારે કોલંબિયાવાસીઓએ સાધારણ સમજૂતીથી તેને ફગાવી દીધી હતી. નોર્વેની નોબેલ સમિતિએ જણાવ્યું હતું કે, કોલંબિયાના પ્રમુખને આપવામાં આવેલા શાંતિ નોબેલ પુરસ્કારને કોલંબિયાની પ્રજા પ્રતિની શુભેચ્છા માનવામાં આવે. હાડમારીઓ સહ્યા પછી પણ પ્રજા શાંતિને ઝંખતી રહી હતી.
પ્રમુખ સન્તોસે હૃદયપૂર્વક આભાર માનતાં જણાવ્યું હતું કે, તેઓ દેશવાસીઓ વતી શાંતિ પુરસ્કારનો સ્વીકાર કરી રહ્યા છે.
ત્રણ વિજ્ઞાનીને પણ નોબેલ
ફ્રાંસના જ્યાં પિયરે સોંવેજ, બ્રિટનના ફ્રેજર સ્ટો ડાર્ટ અને નેધલેન્ડના બર્નાડ ફેરિંગાને આ વર્ષે રસાયણ ક્ષેત્રે સંશોધન અને શોધના નોબેલ પુરસ્કાર આપવામાં આવશે. આ ત્રણેયે આણ્વિક મશીનોનો વિકાસ કર્યો છે. આ મશીનો દુનિયાની સૌથી સૂક્ષ્મ મશીન છે.