કોલંબોઃ ઇસ્ટર સન્ડેના પવિત્ર પર્વે શ્રીલંકામાં ૨૫૩ માનવજિંદગીનો ભોગ લેનાર સિરિયલ બોમ્બ બ્લાસ્ટમાં શ્રીલંકાના કરોડોપતિ પરિવારની સંડોવણી છતી થઇ છે. તપાસનીશ સુરક્ષા દળોના જણાવ્યા પ્રમાણે, રાજધાનીના અતિશય પોશ ગણાતા મહાવેલા ગાર્ડન્સમાં રહેતો ઇબ્રાહિમ પરિવાર શ્રીલંકાના જઘન્ય બોમ્બ વિસ્ફોટો માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે. આ પરિવારના પડોશમાં રહેતી ફાતિમા ફઝલાને જરા પણ અંદાજ નહોતો કે કરોડોની સંપત્તિની માલિકી ધરાવતો ઇબ્રાહિમ પરિવાર આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ છે. આ આત્મઘાતી આતંકવાદી હુમલામાં પરિવારના બે ભાઈઓ સામેલ હતા. બીજી તરફ, સુરક્ષા દળોએ અનેક શંકાસ્પદોની ધરપકડ કરી છે, જેમાંથી ઘણા પાકિસ્તાન સાથે સંકળાયેલા છે.
કટ્ટરવાદી માનસિકતા
૩૧ વર્ષીય ઇલ્હામ ઇબ્રાહિમ ખુલ્લેઆમ કટ્ટરવાદી વિચારધારા વ્યક્ત કરતો હતો અને નેશનલ તૌહિદ જમાત (એનટીજે)ની બેઠકોમાં પણ હાજરી આપતો હતો. તેનો ઉદ્યોગપતિ ભાઈ ઇન્સાફ પણ આવી જ વિચારસરણી ધરાવતો હતો. ઇન્સાફના નિકાહ કરોડપતિ જ્વેલરી મેન્યુફેક્ચરરની દીકરી સાથે થયાં હતાં. બંને ભાઈઓએ તેમના કટ્ટરવાદના ઝેરથી ભરેલી માનસિકતાના કારણે આખા દેશમાં શાંતિ અને કોમી એખલાસનો વેરણછેરણ કરી નાંખ્યો છે.
સખાવતી પ્રવૃત્તિ માટે જાણીતા
પોલીસે બંને ભાઈના પિતા મોહમ્મદ ઇબ્રાહિમની ધરપકડ કરીને વિશેષ તપાસ હાથ ધરી છે. શ્રીલંકામાં મસાલાનો બિઝનેસ કરતા મોહમ્મદ ઇબ્રાહિમને સંતાનમાં ૬ પુત્ર અને ૩ પુત્રી છે. મોહમ્મદ ઇબ્રાહિમ કોલંબોના બિઝનેસ વર્તુળોમાં ઘણું જ સન્માનનીય સ્થાન ધરાવે છે. મોહમ્મદ ઇબ્રાહિમ ગરીબોને મદદ તથા સખાવતી પ્રવૃત્તિઓ માટે પણ આગવી નામના ધરાવે છે. ફાતિમા ફઝલા કહે છે કે, આ પરિવારના કારનામાથી આજે દેશમાં દરેક મુસ્લિમને શંકાની નજરથી જોવામાં આવી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે વળતા હુમલાની આશંકાથી હજારો મુસ્લિમો સુરક્ષિત સ્થળોએ જતા રહ્યા છે.
૯ આત્મઘાતી હુમલાખોર
સંરક્ષણ પ્રધાન રુવાન વિજયવર્દનેએ કહ્યું હતું કે હુમલા સંદર્ભમાં સમગ્ર દેશમાંથી ૬૦થી વધુ શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. કુલ ૯ સ્યુસાઈડ બોમ્બરે આ હુમલો કર્યો હતો. તેમાં એક મહિલા પણ હતી. આ નવમાંથી આઠની શ્રીલંકા પોલીસે ઓળખાણ કરી લીધી છે. આ હુમલો આંતરિક સુરક્ષાની નિષ્ફળતાને કારણે થયો છે. આથી શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલ સિરિસેનાએ ડિફેન્સ સેક્રેટરી અને પોલીસ વડા પાસે રાજીનામું માંગી લીધું છે.
આંતકીઓ ભણેલાગણેલા હતા
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે હુમલાખોરો પૈકી એક તો બ્રિટન-ઓસ્ટ્રેલિયામાં ભણીને આવ્યો હતો. આતંકવાદી સંગઠન આઈએસઆઈએસ દ્વારા આ હુમલાની જવાબદારી લેવાઈ છે. જોકે આઈએસઆઈએસે હુમલામાં પોતાની સંડોવણીના કોઈ નક્કર પુરાવા આપ્યા નથી. અત્યાર સુધી ઓળખાયેલા બધા જ હુમલાખોર શ્રીલંકન મૂળના જ છે. કોઈ પરદેશ નાગરિક આમાં સંડોવાયેલો હોય એવા હજુ સુધી પુરાવા મળ્યા નથી. બીજા બધા આતંકીઓ પણ ભણેલા-ગણેલા જ હતા. મોટા ભાગના મધ્ય કે ઉચ્ચ મધ્યમ વર્ગના હતા. માટે આર્થિક રીતે પગભર હતા. શ્રીલંકન સરકારના કહેવા પ્રમાણે હુમલાખોર બધા અંતિમવાદીઓ જ હતા. ઈસ્લામિક આતંકથી પ્રેરાઈને તેમણે આ અપકૃત્યને અંજામ આપ્યો હતો.
હુમલો આઇએસથી પ્રેરિત
શ્રીલંકા સરકારના પ્રવક્તા સુદર્શન ગુણાવર્ધને કહ્યું હતું કે, સિનામોન ગ્રાન્ડ હોટેલમાં વિસ્ફોટ કરનારા હુમલાખોર ભાઈઓમાંથી એકને થોડાક સમય પહેલાં પકડવામાં આવ્યો હતો. જોકે બાદમાં પુરાવા નહીં મળતા તેને છોડી દેવાયો હતો. તે કોલંબોના મસાલાના અગ્રણી વેપારી મોહમ્મદ યુસુફ ઇબ્રાહિમનો પુત્ર હતો. પોલીસે પણ આ વાતની પુષ્ટિ કરી છે કે મોહમ્મદનો પુત્ર ઇલ્હામ અહમદ અને તેનો ભાઈ ઇન્સાફ અહમદ શંકાસ્પદ ગતિવિધિમાં સામેલ હતા. અમેરિકન વિદેશ પ્રધાન માઇક પોમ્પિયોએ કહ્યું હતું કે પુરાવાઓ સ્પષ્ટ સંકેત આપે છે કે આ હુમલો ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)થી પ્રેરિત હતો.
ભારતે માહિતી આપી હતી
સાઉથ એશિયામાં ક્યાંક મોટો આતંકી હુમલો કરવાની આઈએસઆઈએસ તૈયારી કરી રહ્યું છે, એવી માહિતી ભારતની નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા આ મહિનાની શરૂઆતમાં જ શ્રીલંકાને આપવામાં આવી હતી. આ હુમલા અંગે પહેલેથી જ આશંકા હતી. ભારતે શ્રીલંકા સહિતના પાડોશી દેશોને એ બાતમી આપી રાખી હતી. આઈએસઆઈએસ કોઈ મોટા નેતાની હત્યાની ફિરાકમાં છે એવી માહિતી પણ એનઆઈએ દ્વારા અપાઈ હતી. હવે જરૂર પડશે તો વધુ તપાસ માટે મદદ કરવા એનઆઈએની ટીમ શ્રીલંકા પણ જશે.
આતંકવાદીઓની હાજરી
શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોથી ધણધણી ઊઠેલા શ્રીલંકામાં આતંકવાદીઓ હજુ પણ તેની હાજરી પુરાવી રહ્યાં છે. ૨૫ એપ્રિલે સવારે શ્રીલંકાની રાજધાની કોલંબોથી ૪૦ કિમી દૂર આવેલા પુગોડા શહેરમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જોકે આ વિસ્ફોટમાં કોઈ જાનહાનિ નહીં થયાનું પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું. પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, પુગોડા શહેરમાં મેજિસ્ટ્રેટ કોર્ટની પાછળ આવેલા એક ખાલી મેદાનમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. જોકે આ વિસ્ફોટ તાજેતરમાં થયેલા બોમ્બ વિસ્ફોટો જેવો કન્ટ્રોલ્ડ બ્લાસ્ટ ન હતો.
વિઝા ઓન એરાઇવલ રદ
આત્મઘાતી આતંકી હુમલા બાદ શ્રીલંકા સરકારે વિઝા ઓન એરાઇવલ યોજના સુરક્ષાના કારણોસર બંધ કરવાની જાહેરાત કરી છે. આ યોજના પહેલી મેથી સમગ્ર દેશમાં લાગુ કરવાની હતી અને ૩૦ દેશના પ્રવાસીઓને આ સુવિધા મળવાની હતી. પ્રવાસ, વન્યજીવન અને ખ્રિસ્તીઓના ધાર્મિક મામલાના પ્રધાન જોન અમારાતુંગાએ કહ્યું હતું કે અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યું છે કે શ્રીલંકાના વિસ્ફોટોમાં વિદેશી સંગઠનોનો હાથ છે. અમે આ સુવિધાનો દુરુપયોગ થાય એવું નથી ઇચ્છતા.