કોલંબોઃ શ્રીલંકાનું પાટનગર કોલંબો રવિવારે ફરી એક આતંકી હુમલાનો ભોગ બન્યું હતું, જેમાં ૧૨ નાગરિકો માર્યા ગયા છે જ્યારે ત્રણ આતંકીઓના પણ મોત નિપજ્યા હતા. આ હુમલાની જવાબદારી બીજા દિવસે આઇએસએ લીધી હતી. આતંકીઓ છુપાયા હોવાની બાતમીને આધારે પોલીસ અને સૈન્યે સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું, જે દરમિયાન ત્રણ આતંકીઓએ આત્મઘાતી વિસ્ફોટ કરતાં સ્થળ પર હાજર બાળકો અને મહિલાઓ સહીત ૧૨ લોકો માર્યા ગયા હતા. વિસ્ફોટમાં ત્રણેય આતંકી માર્યા ગયા હતા.
આ હુમલાની જવાબદારી લેતાં આઇએસે ધમકી ઉચ્ચારી હતી કે શ્રીલંકામાં હજુ પણ આ પ્રકારના હુમલા અમે કરતા રહીશું. ઇસ્ટર સન્ડેના રોજ થયેલા હુમલાની જવાબદારી પણ આઇએસએ લીધી હતી, તેથી હવે શ્રીલંકામાં આઇએસનો ખૌફ વધી ગયો છે.
આતંકીઓનું ભારત કનેક્શન
બીજી તરફ શ્રીલંકામાં થયેલા હુમલાને પગલે હવે ભારતમાં પણ તપાસ અભિયાન પુરજોશમાં ચાલી રહ્યું છે. ૨૦૧૭માં આઇએસના આતંકીઓ ભારતમાં હુમલો કરવાની ફિરાકમાં હતા અને આ માટે તેમણે કેટલાક રાજ્યોને પણ પસંદ કરી લીધા હતા. શ્રીલંકામાં થયેલા હુમલામાં જે આતંકીઓ સામેલ હતા તેમાંથી બે આતંકીઓ ભારત આવ્યા હતા. આ સંદર્ભે એનઆઇએએએ કેરળમાંથી હાલ ત્રણ સ્થળોએ તપાસ પણ કરી છે.