ઓસ્લોઃ પશ્ચિમ બંગાળમાં વતની અને હાલ અમેરિકાના વિખ્યાત શિક્ષણ સંસ્થાન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (એમઆઇટી)માં ઇકોનોમિક્સના પ્રોફેસર તરીકે કાર્યરત અભિજિત બેનરજીને ૨૦૧૯નો અર્થશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર જાહેર થયો છે. તેમની સાથે જ પ્રોફેસર તરીકે કામ કરતા તેમના ફ્રેન્ચ પત્ની એસ્થર ડુફ્લો તથા હાર્વર્ડ યુનિવર્સિટીના ઈકોનોમિક્સના પ્રોફેસર માઇકલ ક્રેમરને સંયુક્ત રીતે આ નોબેલ એનાયત થયો છે.
અભિજિત અને એસ્થર બેનરજી નોબેલ પુરસ્કાર મેળવનાર છઠા દંપતી બન્યા છે. અભિજિતનાં માતા નિર્મલા બેનરજીએ પુત્રની સિદ્ધિ અંગે આનંદ વ્યક્ત કરતા કહ્યું હતું કે હું ખૂબ ખુશ છું. આ આખા પરિવાર માટે એક મોટા ગૌરવની ક્ષણ છે.
ઉલ્લેખનીય એ છે કે, ૨૧ વર્ષ પછી કોઈ ભારતીય મૂળની વ્યક્તિની અર્થશાસ્ત્રના નોબેલ પુરસ્કાર માટે પસંદગી થઇ છે. આ પહેલાં ૧૯૯૮માં હાર્વર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા ભારતીય મૂળના ઇકોનોમિક્સના પ્રોફેસર અમર્ત્ય સેનને નોબેલ એનાયત થયો હતો. સેન પણ બંગાળના જ વતની છે.
અભિજિતનો જન્મ ૨૧ ફેબ્રુઆરી ૧૯૬૧ના રોજ કોલકાતામાં થયો હતો. તેમના માતા નિર્મલા બેનરજી કોલકાતાના સેન્ટર ફોર સ્ટડીઝ ઇન સોશિયલ સાયન્સીઝમાં પ્રોફેસર હતા. જ્યારે પિતા દીપક બેનરજી પ્રેસિડન્સી કોલેજમાં ઇકોનોમિક્સના પ્રોફેસર હતા.
અભિજિતે દુનિયાને રાહ દેખાડવા માટે ઇકોનોમિક્સ વિષયવસ્તુને કેન્દ્રમાં રાખીને કેટલાંય પુસ્તકો પણ લખ્યાં છે. તેમનું પહેલું પુસ્તક ૨૦૦૫માં ‘વોલાડિલિટી એન્ડ ગ્રોથ’ લખ્યું હતું. અભિજિત બેનરજીએ કુલ સાત પુસ્તક લખ્યાં છે, પરંતુ તેમને પ્રસિદ્ધિ તો ૨૦૧૧માં પ્રકાશિત થયેલા તેમના પુસ્તક ‘પુઅર ઇકોનોમિક્સ: અ રેડિકલ રીથિન્કિંગ ઓફ ધ વે ટુ ફાઇટ ગ્લોબલ પોવર્ટી’ થકી મળી હતી. આ પુસ્તકે તેમને આર્થિક જગતમાં જાણીતા કરી દીધા હતા. તેમના પુસ્તક પુઅર ઇકોનોમિક્સને ગોલ્ડમેન સૈશ બિઝનેસ બુક ઓફ ધ યરનો ખિતાબ પણ મળી ચૂક્યો છે.
સમસ્યાના ઉકેલ માટે નાના-નાના સવાલ
અભિજિત, એસ્થર અને માઇકલ ક્રેમરને વૈશ્વિક ગરીબી ઓછી કરવાના પ્રયાસો માટે સંયુક્ત રીતે નોબેલ એનાયત થયો છે. અભિજિત બ્યૂરો ઓફ ધ રિસર્ચ ઇન ઇકોનોમિક એનાલિસિસ ઓફ ડેવલપમેન્ટના પૂર્વ પ્રેસિડેન્ટ છે. આ ઉપરાંત તેઓ સેન્ટર ફોર ઇકોનોમિક એન્ડ પોલિસી રિસર્ચના ફેલો અને અમેરિકન એકેડેમી ઓફ આર્ટ્સ-સાયન્સીસ એન્ડ ધ ઇકોનોમિક્સ સોસાયટીના ફેલો પણ રહી ચૂક્યા છે.
બેનરજી, એસ્થર અને ક્રેમરે ગરીબી સામે લડવા માટે અનોખો રસ્તો શોધી કાઢયો હતો. તેમણે ગરીબી સાથે સંકળાયેલા મુખ્ય મુદ્દાને નાના નાના સવાલોમાં વહેંચી નાંખ્યા હતા. શિક્ષણ અથવા તો બાળકોના સ્વાસ્થ્યને સુધારવા માટે સૌથી પ્રભાવશાળી રસ્તા કયા? આવા અનેક સવાલો તૈયાર કરીને તેમણે ઉકેલ શોધ્યા હતા. તેના થકી જ સમસ્યાઓને નાથવાની પદ્ધતિ વિકસાવવામાં આવી હતી.
અભિજિત બેનરજી જેએનયુના વિદ્યાર્થી
અભિજિત બેનરજી અમેરિકાના વિખ્યાત શિક્ષણ સંસ્થાન મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટયૂટ ઓફ ટેક્નોલોજી (MIT)માં અર્થશાસ્ત્રના પ્રોફેસર છે. અભિજિત બેનરજીએ શાળાકીય અભ્યાસ કોલકાતાની સાઉથ પોઇન્ટ સ્કૂલમાં કર્યો છે. જ્યારે ગ્રેજ્યુએશન કોલકતાની પ્રેસિડન્સી કોલેજમાં કર્યું હતું. એ બાદ ૧૯૮૩માં ઇકોનોમિક્સ સાથે એમએ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (જેએનયુ)માંથી કર્યું હતું. પાછળથી ૧૯૮૮માં હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. કર્યું હતું. તેમના પ્રથમ લગ્ન એમઆઇટીના જ મહિલા પ્રોફેસર અરુંધતી બેનરજી સાથે થયા હતા. જોકે ૧૯૯૧માં તેમણે છૂટાછેડા લઈ લીધા હતા.
કોંગ્રેસને ‘ન્યાય યોજના’ની ભેટ
લોકસભા ચૂંટણી દરમિયાન કોંગ્રેસે ગરીબી રેખાથી નીચે જીવતા લોકોને દર વર્ષે ન્યાય યોજના હેઠળ ૭૨ હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું હતું. ચૂંટણી પ્રચાર દરમિયાન બહુ જ ચર્ચાસ્પદ બનેલી આ યોજનાનું પ્રારંભિક માળખું અનેક અર્થશાસ્ત્રીઓની મદદથી તૈયાર કરાયું હતું.
આ પછી કોંગ્રેસે અભિજિત પાસેથી સલાહ લીધી હતી. અભિજિતે તેમાં થોડાક ફેરફાર સુચવ્યા હતા. જોકે કોંગ્રેસે તેનો અમલ કર્યો હોવાના મુદ્દે મતભેદ છે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી વેળા ગરીબી હટાવવા ન્યાય યોજના લાવવાની રજૂઆત કરી હતી. કોંગ્રેસે આ યોજના અંતર્ગત ગરીબોના ખાતામાં દર વર્ષે ૭૨ હજાર રૂપિયા જમા કરાવવાની જાહેરાત કરી હતી. અભિજિતે તે સમયે કોંગ્રેસને મહિને ૨૫૦૦થી ૩૦૦૦ જમા કરાવવાની સલાહ આપી હતી પણ કોંગ્રેસે ઉતાવળ કરી દીધી હતી, અને મહિને ૬૦૦૦ લેખે વર્ષે ૭૨ હજાર ગરીબોને આપવાનું જાહેર કર્યું હતું.
એસ્થર સૌથી યુવા અર્થશાસ્ત્રી
૨૦૧૫માં અભિજિત અને એસ્થર ડુફ્લોએ લગ્ન કર્યા હતા. ૧૯૭૨માં જન્મેલાં એસ્થર ઇકોનોમિક્સ માટે નોબેલ મેળવનાર સૌથી યુવાન મહિલા ઇકોનોમિસ્ટ છે. આ ઉપરાંત તેઓ આ ક્ષેત્રમાં નોબેલ મેળવનારી બીજાં મહિલા છે. તેઓ ઇન્ડિયાના યુનિવર્સિટીમાં પ્રોફેસર હતા. તેમને ઇકોનોમિક ગવર્નન્સ માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વડા પ્રધાને અભિનંદન પાઠવ્યા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું હતું કે અર્થવિજ્ઞાનમાં સર્વોચ્ચ યોગદાન બદલ ઇકોનોમિક્સનું નોબેલ મેળવનાર અભિજિતને અભિનંદન. તેમણે ગરીબીનાબૂદીના ક્ષેત્રમાં સર્વોચ્ચ યોગદાન આપ્યું છે. આ ઉપરાંત તેમની સાથે નોબેલ જીતનારા એસ્થર ડુફ્લો અને માઈકલ ક્રેમરને પણ અભિનંદન.
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ અભિજિત બેનરજીની આ સિદ્ધિ અંગે કહ્યું હતુંઃ સાઉથ પોઇન્ટ સ્કૂલ અને પ્રેસિડન્સી કોલેજ-કોલકતાના પૂર્વ વિદ્યાર્થી અભિજિત બેનરજીને અર્થશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર જીતવા બદલ હાર્દિક વધાઈ. વધુ એક બંગાળીએ રાષ્ટ્રને ગૌરવાન્વિત કર્યું છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બેનરજીને અભિનંદન આપતા કહ્યું હતું કે અર્થશાસ્ત્રનો નોબેલ જીતનારા અભિજિતને અભિનંદન. અભિજિતે જ ન્યાયની અવધારણા નક્કી કરવામાં મદદ કરી હતી.
આ ભારતીયોને નોબેલ મળ્યા છે
• રવીન્દ્રનાથ ટાગોર - સાહિત્ય • ચન્દ્રશેખર વેંકટરમન્ - ફિઝિક્સ • મધર ટેરેસા - શાંતિ • અમર્ત્ય સેન- અર્થશાસ્ત્ર • કૈલાશ સત્યાર્થી - શાંતિ
• હરગોવિન્દ ખુરાના - મેડિસિન • સુબ્રમણ્યન્ ચન્દ્રશેખર- ફિઝિક્સ • વેંકટરામન્ રામકૃષ્ણન્ - કેમેસ્ટ્રી • વી.એસ. નાયપોલ - સાહિત્ય