સમગ્ર દુનિયામાં આજે કોરોના વાઇરસ એટલે કે કોવિડ-19 મહામારીએ ત્રાહિમામ મચાવ્યો છે ત્યારે મુસ્લિમ ધર્મના પવિત્ર રમઝાન માસની ઉજવણી ઉપર પણ તેની અસર જોવા મળી રહી છે. આમ તો રમઝાન ઉત્સવ શરૂ થઇ ગયો છે પરંતુ ઉત્સવની ઉત્સુકતાનો અભાવ જોવા મળી રહ્યો છે. સમગ્ર વિશ્વ કોવિડ-૧૯ સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે વૈશ્વિક સ્તરે દુનિયાના અલગ અલગ દેશોમાં રમઝાન માસની ઉજવણી ખૂબ જ શાંતપૂર્ણ રીતે શરૂ થઇ હોવાનું જણાય છે.
સામાન્ય રીતે મુસ્લિમ ધર્મના આ સૌથી વધુ પવિત્ર માસમાં ભારે ચહલપહલ જોવા મળતી હોય છે. પરંતુ મોટાભાગના દેશોમાં લોકડાઉનની પરિસ્થિતિ હોવાથી હાલમાં તે એટલે કે એવી પરિસ્થિતિ જોવા મળતી નથી. કોરોના વાઇરસ મહામારી જેવા સંજોગો અગાઉ ક્યારેય પણ જોવા મળ્યા નથી અને ભારે આનંદ ઉલ્લાસ સાથે ઉજવાતા આ પર્વ હાલમાં એક પારિવારિક ઉત્સવ બની ગયો છે. આમ તો સામાન્ય સંજોગોમાં તે સામૂહિક બંદગી અને સમૂહમાં એકબીજાને મળતા હોય તેવા દ્રશ્યો ઇફ્તારની સમી સાંજે જોવા મળતા હતા.
કોરોના વાઇરસ મહામારીને કારણે અસરગ્રસ્ત દેશોના મુસ્લિમ ધર્મના અનુયાયીઓએ ઉજવણીમાં ફેરફાર કર્યો છે. તેની સાથે ઇસ્લામ ધર્મના સૌથી પવિત્ર સ્થળો મક્કા અને મદિનામાં પણ નોંધપાત્ર ફેરફારો જોવા મળ્યા છે.
એક અસામાન્ય સંજોગોમાં સાઉદી અરેબિયન સરકારે મક્કામાં અલ મસ્જિદ અલ હરામ (ધી ગ્રેટ મોસ્ક) અને મદિનામાં અલ મસ્જિદ અન-નબવી (પયંબર સાહેબની મસ્જિદ) બંધ રાખવાનો આદેશ ફરમાવ્યો છે. આમ તો રમઝાન માસમાં આ સ્થળે ભારે જનમેદની ઉમડતી હતી પરંતુ આધુનિક ઇતિહાસમાં સૌપ્રથમવાર રમઝાન માસમાં આ બન્ને મસ્જિદો બંધ રાખવામાં આવી છે. જે એ બાબતને પ્રદર્શિત કરે છે કે મહામારી કેટલી જીવલેણ છે અને તેનો સામનો કરવા માટે આ જરૂરી છે.
સાઉદી પ્રેસ એજન્સી (એસપીએ)ના જણાવ્યા પ્રમાણે રવિવારે કિંગ સલમાન દ્વારા તેમના રાજ્યમાં કર્ફ્યુ આંશિક રીતે ઉઠાવી લેવાની જાહેરાત કરી હતી. દરેક પ્રદેશમાં સવારના નવથી સાંજના પાંચ વાગ્યા સુધી કર્ફ્યુ ઉઠાવી લેવાની જાહેરાત થઇ છે. જે ૧૩ મે સુધી રહેશે. આ શાહી ફરમાન મક્કામાં ૨૪ કલાકનો કર્ફ્યુ યથાવત રહેશે અને તેની નજીકના વિસ્તારોમાં કે જેને આઇસોલેશનમાં મુકવામાં આવ્યા છે ત્યાં પણ યથાવત પરિસ્થિતિ રહેશે. દેશ દ્વારા જોકે કેટલીક વાણિજ્યિક અને આર્થિક પ્રવૃત્તિઓને મંજૂરી આપવામાં આવી છે.