મુંબઇઃ ભારતના અગ્રણી બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ રશિયાની વેસિલિના નોટઝેન નામની એક માસુમ બાળકીનો વીડિયો શેર કર્યો છે એ જોઈને સોશ્યલ મીડિયા યુઝર્સ ભાવુક થઈ ગયા. વાત એમ છે કે બે વર્ષની વેસિલિનાને બન્ને હાથ નથી અને છતાં તે બીજાની મદદથી ખાવાને બદલે પગમાં કાંટાચમચી ભરાવીને જાતે ખાવાની કોશિશ કરી રહી છે. શરૂઆતમાં તેના પગમાં ભરાવેલું ખાવાનું મોં સુધી પહોંચી શકતું નથી એટલે તે બીજી બે-ત્રણ રીતે ચમચી ગોઠવવાની કોશિશ કરે છે અને પછી સરળતાથી પગ દ્વારા કોળિયો મોં સુધી પહોંચાડે છે. આ વીડિયો સાથે આનંદ મહિન્દ્રાએ લખ્યું છે, ‘હાલમાં જ મારા પૌત્રને જોયો અને પછી જ્યારે મેં વોટ્સઅપ પર આ પોસ્ટ જોઈ તો મારી આંખમાંથી આંસુ વહેતાં રોકી ન શક્યો. જીવનમાં જે પણ અધૂરપો કે પડકારો ભલે હોય, પણ જીવન એ ગિફ્ટ છે. એનો મહત્તમ લાભ ઉઠાવવાનું આપણા પોતાના પર નિર્ભર કરે છે. આ પ્રકારની તસવીરો મારો આશાવાદ ટકાવવામાં મદદરૂપ થાય છે.’ આનંદ મહિન્દ્રા દ્વારા શેર થયેલી આ હૃદયસ્પર્શી વીડિયો-ક્લિપને પાંચ લાખ કરતાં વધુ વ્યુઝ મળી ચૂક્યા છે અને લાખો લોકો આ નાનકડી બાળકીના હાર નહીં માનવાના વલણને બિરદાવી રહ્યા છે.