મુંબઇ: પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) સાથે રૂ. 13,500 કરોડની છેતરપિંડી કરનારો હીરા વેપારી મેહુલ ચોક્સી કેરેબિયન ટાપુ દેશ ડોમિનિકલ રિપબ્લિકમાં ગેરકાયદે પ્રવેશ મામલામાં મુક્ત થઈને એન્ટિગુઆ પહોંચી ગયો છે. આ મુદ્દે એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને ચુપકીદી તોડતા કહ્યું કે, ‘જો ચોક્સી એન્ટિગુઆ-બરમુડાનો નાગરિક ના હોત, તો અમારી સરકારે ચોક્સીને ભારત મોકલવામાં સમય બરબાદ ના કર્યો હોત!’
એન્ટિગુઆની સ્થાનિક સમાચાર સંસ્થાઓના અહેવાલો પ્રમાણે, ચોક્સીએ એન્ટિગુઆ-બરમુડાના મુખ્ય વિપક્ષ સાથે ડીલ કરી છે. તેણે ચૂંટણી અભિયાનમાં ફન્ડિંગ કર્યું છે, જેના બદલામાં વિપક્ષે તેને સુરક્ષાનું વચન આપ્યું છે. મેહુલ ચોક્સીની તપાસમાં સામેલ એક અધિકારીએ કહ્યું છે કે, ચોક્સીની ધરપકડ પછી જ વિરોધ પક્ષ યુપીપીએ નિયમિત પ્રેસ કોન્ફરન્સ કરીને ચોકસીની મુક્તિનું અભિયાન ચલાવ્યું હતું.
ચોક્સીના અપહરણ મુદ્દે
સરકાર સ્પષ્ટતા કરેઃ વિપક્ષ
એન્ટિગુઆના વડા પ્રધાન ગેસ્ટન બ્રાઉને પણ વિપક્ષને ઘેરતા કહ્યું હતું કે, ચોક્સીના નવા વકીલ અને યુપીપીના સભ્ય જસ્ટિન સાઈમન જ ચોક્સી અને વિપક્ષ વચ્ચેની કડી છે. વિપક્ષ ઈચ્છે છે કે, ચોક્સીને એન્ટિગુઆમાં બંધારણીય સંરક્ષણ મળે. તેની મુક્તિ પછી વિપક્ષે ચોક્સીના અપહરણને લઈને સરકારને ઘેરી છે. યુપીપીના નેતા હેરોલ્ડ લોવેલે કહ્યું છે કે, સરકારે આખો મામલો પ્રજા સમક્ષ સ્પષ્ટ કરવો જોઈએ.
વડા પ્રધાને વ્યક્ત કરી લાચારી
વિપક્ષના દબાણ પછી વડા પ્રધાન બ્રાઉન પણ બેકફૂટ પર છે. તેમણે વિપક્ષના આરોપો અંગે કહ્યું છે કે, અમારી સરકારે ચોક્સીનું અપહરણ થવામાં કોઈ મદદ નથી કરી. અમે અનેકવાર જાહેરમાં કહ્યું હતું કે, મેહુલ ચોક્સીને ડોમિનિકાથી સીધો ભારત મોકલીશું, પરંતુ તેનો આધાર એ ન હતો કે, તેણે દ્વીપ છોડી દીધો છે. એ વખતે મને અને મારી સરકારને તેના અપહરણનો જરા પણ અંદાજ ન હતો.
તો અબજો ડોલરનો ધંધો બરબાદ થઈ જશે
કેરેબિયન દ્વીપોમાં ગુનેગારોને સંરક્ષણ આપતી અબજો ડોલરની ઈન્ડસ્ટ્રી ફૂલીફાલી રહી છે. આ મુદ્દે નિષ્ણાત એન. માર્લોની તપાસ પ્રમાણે, 30થી વધુ દેશોમાં નાગરિકાના કાયદા સરખા છે, પરંતુ આ દ્વીપોની ઓફર વધુ આકર્ષક હોય છે. અહીં નાગરિકત્વ લેવું ઘણું સસ્તું છે. આ ઉપરાંત વ્યક્તિએ પોતાના બેકગ્રાઉન્ડની કોઈ માહિતી પણ નથી આપવી પડતી. પૂર્વ કેરેબિયન દ્વીપોની સરકારોને ડર છે કે, જો તેઓ પ્રત્યાર્પણ શરૂ કરશે, તો અબજો ડોલરની આ ઈન્ડસ્ટ્રી બરબાદ થઈ જશે.