નવી દિલ્હી: હીરાના વેપારી નીરવ મોદીએ પીએનબીમાં રૂ. ૧૧,૩૩૦ કરોડનું મહાકૌભાંડ આચર્યું હોવાના અહેવાલો જાહેર થયા બાદ બેન્કના મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ સમગ્ર કૌભાંડ અંગે લૂલો બચાવ કરતાં કહ્યું હતું કે, કૌભાંડીઓ પાસેથી કોઈ પણ સંજોગોમાં નાણાં વસૂલવામાં આવશે. નાણાંની વસૂલાતનું કામ ચાલુ થઈ ગયું છે. આરોપીને પકડવાની અને સંપત્તિ જપ્ત કરવાની પ્રોસેસ ચાલુ કરાઈ છે. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરોરેટ (ઈડી)એ નીરવ મોદીનાં મકાનોને સીલ માર્યાં છે. આ કૌભાંડ ૨૦૧૧થી ચાલી રહ્યું હતું, જેને અમે બહાર લાવ્યા છીએ તેવો લૂલો બચાવ તેમણે પ્રેસ કોન્ફરન્સમાં કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ માટે બેન્ક દ્વારા કાનૂની સહિત તમામ પગલાં લેવાઈ રહ્યાં છે. તમામ બેન્કને આપેલાં કમિટમેન્ટ મુજબ પૈસા પાછા આપવા યોજના ઘડાઈ રહી છે. અમને કૌભાંડની જાણ થઈ કે તરત અન્ય તપાસ સંસ્થાઓને યોગ્ય પગલાં લેવા જાણ કરાઈ હતી. ગોકુલનાથ શેટ્ટી અને અન્યોને આરોપી બનાવીને તેમની સામે એફઆઈઆર કરાઈ છે.
મોદી ૬,૪૦૦ કરોડ આપવા તૈયાર
મેનેજિંગ ડિરેક્ટર સુનીલ મહેતાએ કહ્યું હતું કે, નીરવ મોદીએ છ મહિનામાં બેન્કને રૂ. ૬,૪૦૦ કરોડ પાછા આપવાની તૈયારી દર્શાવી હતી, પણ તેની પાસે આની કોઈ નક્કર યોજના ન હતી. નીરવ મોદીને લોન આપવા બેન્કના સ્ટાફે નિયમોનો ભંગ કર્યો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. રિઝર્વ બેન્કે જે ત્રણ બેન્કો દ્વારા લેટર ઓફ અન્ડરસ્ટેન્ડિંગ હેઠળ નીરવ મોદી કે તેની કંપનીને કરોડોની લોન અપાઈ છે તે રકમ સંબંધિત બેન્કોને ચૂકવી દેવા માટે પંજાબ નેશનલ બેન્કના અધિકારીઓને સૂચના આપી છે.