નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રની ૭૫મી વાર્ષિક સામાન્ય સભાને સંબોધન કરતાં વડા પ્રધાન મોદીએ શનિવારે વિશ્વ સંસ્થામાં ભારતની થઇ રહેલી અવગણના પર રોષ ઠાલવ્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં સુધારા પ્રક્રિયા પર સવાલ ઉઠાવતાં મોદીએ જણાવ્યું હતું કે, ભારતની ૧૩૦ કરોડની જનતા સંયુક્ત રાષ્ટ્રમાં દેશના યોગદાનને જોઇ રહી છે અને દરેક ભારતીય સંયુક્ત રાષ્ટ્રમાં ભારતની વિસ્તારિત ભૂમિકાની આશા રાખી રહ્યો છે. આજે ભારતની જનતાને ચિંતા એ વાતની છે કે આ સુધારા પ્રક્રિયા તાર્કિક તારણ સુધી પહોંચશે કે કેમ? ક્યાં સુધી તમે ભારતને સંયુક્ત રાષ્ટ્રના નિર્ણાયક માળખાઓમાંથી દૂર રાખશો? ભારતની ૧૩૦ કરોડની જનતા સંયુક્ત રાષ્ટ્રનું સન્માન કરે છે અને તેના પર વિશ્વાસ પણ રાખે છે. જ્યારે ભારત નબળો હતો ત્યારે તે ક્યારેય વિશ્વ પર બોજો બન્યો નથી અને હવે ભારત સશક્ત બન્યો છે ત્યારે પણ વિશ્વ માટે પડકારરૂપ બન્યો નથી. આ સાથે મોદીએ કહ્યંુ કે, ૭૫ વર્ષના ઇતિહાસમાં સંયુક્ત રાષ્ટ્ર ઘણી સિદ્ધી હાંસલ કરી છે, પરંતુ એવી પણ ઘણી ઘટનાઓ છે જે ગંભીર આત્મચિંતન માગી લે છે.
કોરોના રસી માટે તમામ ક્ષમતાનો ઉપયોગ
મોદીએ જણાવ્યું કે, ૯ મહિનાથી વિશ્વ કોરોના સામે સંઘર્ષ કરી રહ્યું છે ત્યારે આ લડાઇમાં સંયુક્ત રાષ્ટ્ર ક્યાં છે? માનવજાતની મદદ માટે ભારતની વેક્સિન ઉત્પાદન અને ડિલિવરી ક્ષમતાઓનો ઉપયોગ કરી શકાશે. ભારતમાં અમે ત્રીજા તબક્કાની ટ્રાયલ તરફ આગળ વધી રહ્યાં છીએ. ડિલિવરી માટે કોલ્ડ ચેઇન અને સ્ટોરેજ ક્ષમતા વધારવામાં ભારત મદદ કરશે.
માનવતાના દુશ્મનો સામે ભારત અવાજ ઉઠાવશે
મોદીએ જણાવ્યું હતું કે, ભારત આતંક સહિતના માનવતાના દુશ્મનો સામે અવાજ ઉઠાવતા ખચકાશે નહીં. ભારત કોઇ એક દેશ સાથે મિત્રતા કરે છે તેનો અર્થ એ નથી કે તે અન્ય ત્રીજા દેશ સાથે દુશ્મની કરી રહ્યો છે. ભારત વિકાસ માટે ભાગીદારી કરે છે ત્યારે તેમાં અન્યને નિઃસહાય બનાવવાનો બદઇરાદો હોતો નથી.
મોદી સંયુક્ત રાષ્ટ્ર
• આત્મનિર્ભર ભારતના વિઝન સાથે આગળ વધી રહ્યાં છીએ
• ભારત આતંકવાદ, હથિયારોની તસ્કરી, મની લોન્ડરિંગ, માદક દ્રવ્યો સામે લડતો રહેશે
• ભારત હંમેશાં સમગ્ર માનવજાતના હિત માટે વિચારે છે, નહીં કે પોતાના સ્વાર્થ માટે