ક્રાઇસ્ટચર્ચઃ શાંતિપ્રિય ન્યૂ ઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચમાં ૧૫ માર્ચે બપોરે જુમ્માની નમાજના સમયે એક ઓસ્ટ્રેલિયન કટ્ટરવાદીએ કરેલા ાતંકી હુમલામાં ૫૦ લોકો માર્યા ગયા હતા અને ૨૦થી વધુ લોકોને ઇજા થઇ છે. વડાં પ્રધાન જેસિન્ડા આર્ડને આ દિવસને ન્યૂ ઝીલેન્ડના ઇતિહાસનો સૌથી કાળા દિવસો પૈકીનો એક ગણાવ્યો હતો.
ગભરાટની ૧૭ મિનિટ
હુમલાખોર બ્રેન્ટેને હુમલાનું ફેસબુક પર લાઇવ સ્ટ્રિમિંગ કર્યું હતું. તે શરૂમાં કાર ચાલુ કરતા કહે છે, ચાલો પાર્ટી શરૂ કરીએ છીએ. પછી સેન્ટ્રલ ક્રાઇસ્ટ ચર્ચની અલ નૂર મસ્જિદ તરફ આગળ વધે છે. તે બતાવે છે કે તેની કારમાં હથિયાર છે. એક જગ્યાએ કારમાંથી ઉતરીને જમીનમાં ગોળીબાર કરે છે. હુમલાખોર પહેલાં અલ નૂર મસ્જિદમાં ઘુસ્યો હતો અને બેફામ ફાયરિંગ કરીને નમાજીઓના જીવ લીધા હતા. બાદમાં લિનવૂડ મસ્જિદમાં પહોંચીને ફાયરિંગ કર્યું હતું. પોલીસે તેને ત્વરિત કાર્યવાહી કરીને ઝડપી લીધો હતો.
હુમલાખોર બેફિકર
હુમલાખોર બ્રેન્ટન ટેરન્ટને કોર્ટમાં રજૂ કરાયો ત્યારે ન્યાયાધીશે તેના પર હત્યાના ચાર્જ હોવાનું વાંચી સંભળાવ્યું હતું. આ સમયે બ્રેન્ટન બેફિકર થઇને મરક મરક હસતો હતો. તેના ચહેરા પર કોઈ દોષભાવ નહોતો. બ્રેન્ટને તેના વકીલની સેવા લેવા ઈનકાર કર્યો છે અને પોતે જ કેસ લડશે એવો નિર્દેશ કર્યો છે. આનાથી એવી અટકળ કરાય છે કે કોર્ટને પોતાના અંતિમવાદી વિચારો વ્યક્ત કરવા માટે મંચ તરીકે ઉપયોગ કરશે.
યુરોપિયન લોકોનો બદલો લેવા હુમલો
બ્રેન્ટને ૮૭ પાનાનાં મેનિફેસ્ટોમાં જણાવ્યું હતું કે, માર્યા ગયેલા હજારો યુરોપિયન નાગરિકોનાં મોતનો બદલો લેવા આતંક ફેલાવી રહ્યો છે. તેના આ મેનિફેસ્ટોમાં ઘણી ચોંકાવનારી બાબતો છે. તેણે શ્વેત વર્ચસ્વ વધારવા ઇમિગ્રન્ટ્સને દેશ બહાર કાઢવાની વાત પણ મેનિફેસ્ટોમાં કરી હતી. ‘ધ સન’ના જણાવ્યા પ્રમાણે તેણે મેનિફેસ્ટોને ‘ધ ગ્રેટ રિપ્લેસમેન્ટ’ નામ આપ્યું હતું. તેમાં તેણે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને શ્વેત વર્ચસ્વની નવી ઓળખ અને પ્રતીક સમાન ગણાવ્યા હતા.
૪૦૦થી વધુ નમાજીઓ
શુક્રવારનો દિવસ હોવાથી જુમ્માની નમાઝ પઢવા માટે બંને મસ્જિદમાં અંદાજે ૪૦૦થી વધુ નમાજીઓ હાજર હતા. આ સમયે હુમલાખોર સેનાના ગણવેશમાં ઓટોમેટિક રાઇફલ સાથે ધસી આવ્યો હતો અને ગોળીઓ વરસાવવાની શરૂ કરી દેતાં ભારે નાસભાસ મચી હતી.
એક્ટિંગ કરીને જીવ બચાવ્યો
ઘટનાને નજરે જોનારા ફરીદ અહેમદે કહ્યું કે, નમાજ પહેલાં એક હથિયારધારી વ્યક્તિ આવી. તેણે હોલનો દરવાજો બંધ કર્યો અને ફાયરિંગ શરૂ કરી દીધું. લોકો ભાગંભાગ કરવા લાગ્યા. હું ગભરાયો. ભાગી શક્યો નહીં. મારી પાસેના લોકોને ગોળી વાગી હતી. તે જમીન પર પડ્યા. લોહી જમીન પર વહેવા લાગ્યું. મારા કપડાં પણ લોહીવાળા થયા. હું બેંચ નીચે સૂઈ ગયો. મને થયું હું મરી જઈશ. હુમલાખોર એક-એક કરીને લોકોને મારતો જતો હતો. હું પડ્યો જ રહ્યો. મારા શરીર પર લોહી જોઈને તેને લાગ્યું કે હું મરી ગયો છું. તેણે આ રૂમમાં સાત વાર રાઈફલનું મેગેઝિન ખાલી કર્યું. પછી બીજા રૂમમાં ગયો. ત્યાંથી ગોળીનો અવાજ આવતો રહ્યો. હું ઊભો થયો ત્યારે મેં જોયું કે મારી આસપાસ બે ડઝનથી વધુ લાશો હતી. મારા સિવાય કોઈ જીવતું બચ્યું નહોતું.
સૌથી કાળો દિવસઃ વડાં પ્રધાન
વડાં પ્રધાન આર્ડેન સોમવારે જે મસ્જિદમાં હુમલો થયો હતો ત્યાં હિઝાબ પહેરીને ગયાં હતાં. તેમણે કહ્યું હતું કે, અમને એ દેશના નિવાસી હોવાનો ગર્વ છે જ્યાં ૨૦૦થી વધુ વંશીય લોકો રહે છે, ૧૬૦થી વધુ ભાષા બોલાય છે અને જ્યાં વિવિધતા વચ્ચે એકતા સમાન છે. અહીં અમે અમારા નાણાં, કરુણા અને આ ઘટનાથી પ્રભાવિત સમુદાયના સમર્થન દ્વારા તેમની પડખે છીએ.
બાંગ્લાદેશે ન્યૂ ઝીલેન્ડ પ્રવાસ રદ કર્યો
આ આતંકી હુમલામાં બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો ચમત્કારિક બચાવ થયો છે. હુમલાના સમયે તેઓ મસ્જિદ સંકુલમાં જ હતા. તેઓ જુમ્માની નમાઝ પઢવા અહીં પહોંચ્યા હતા. બાદમાં ટીમે અધવચ્ચે જ પ્રવાસ પડતો મૂકીને સ્વદેશ પરત ફરવાની જાહેરાત કરી હતી. ખેલાડીઓએ કહ્યું હતું કે, તેમણે આ પહેલાં ક્યારેય પણ આવો ભયાનક માહોલ જોયો નથી. બાંગ્લાદેશી ટીમના તમામ ખેલાડીઓ સુરક્ષિત છે.