ક્રિપ્ટો કરન્સીની વિશ્વની સૌથી મોટી ચોરીઃ ૬૦૦ મિલિયન ડોલરની તફડંચી

Saturday 28th August 2021 07:05 EDT
 
 

નવી દિલ્હીઃ ઇન્ટરનેટ હેકર્સે ક્રિપ્ટો કરન્સીના વિશ્વમાં અત્યાર સુધીની સંભવિત સૌથી મોટી ચોરીને અંજામ આપતાં દુનિયાભરમાં હલચલ મચાવી દીધી છે. ઇન્ટરનેટના ભેજાબાજોએ ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર માટે જાણીતી કંપની પોલીનેટવર્કમાં ઘૂસણખોરી કરીને ૬૦૦ મિલિયન યુએસ ડોલર (અંદાજિત રૂ. ૪,૪૬૮ કરોડ)ની ક્રિપ્ટો કરન્સી પર હાથ સાફ કર્યો છે.
 પોલીનેટવર્ક મલ્ટિપલ બ્લોક ચેઇનમાં ટોકન સ્વેપ કરવાની યૂઝર્સને સુવિધા આપવા માટે વિશ્વભરમાં જાણીતી છે. પોલીનેટવર્કે જણાવ્યું હતું કે, આ હેકિંગના કારણે લાખો યૂઝર્સને અસર પડી છે. હેકરોએ પોલીનેટવર્ક પર સાઇબર હુમલો કરીને મોટી ચોરીને અંજામ આપતાં હેકરોના નિયંત્રણ વાળા એકાઉન્ટ્સમાં રેકોર્ડ રકમની ક્રિપ્ટો કરન્સી ટ્રાન્સફર કરી લીધી હતી.
આ અંગે પોલીનેટવર્કે એક નિવેદનમાં જણાવ્યું હતું કે આ જ રકમ તફડાવાઇ છે તે ક્રિપ્ટો કરન્સીના ઇતિહાસમાં તફડંચીની સૌથી મોટી રકમ છે. જે નાણાં ચોરાયા છે તે ક્રિપ્ટો કોમ્યુનિટીના હજારો સભ્યોની મહેનતનાં છે.
સિક્યુરિટી કંપની સ્લોમિસ્ટે જણાવ્યું હતું કે, હેકર્સે ક્રિપ્ટો કરન્સીની ચોરી બાદ તેમને સંખ્યાબંધ અન્ય ક્રિપ્ટો કરન્સી અન્ય એડ્રેસ પર મોકલવાનો પ્રારંભ કરી લીધો હતો. કુલ ૬૧૦ મિલિયન ડોલરની ક્રિપ્ટો કરન્સી ૩ અલગ અલગ ક્રિપ્ટો કરન્સી એડ્રેસ પર ટ્રાન્સફર કરી દેવાઈ છે.
પોલીનેટવર્કે હેકરો સાથે સંકળાયેલા ૩ ક્રિપ્ટો કરન્સી એડ્રેસ પરથી આવતા ટોકનને બ્લેક લિસ્ટ કરવા ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જને વિનંતી તો કરી છે, પણ આ ઉપાય કેટલો કારગત નિવડે છે તે જોવું રહ્યું. પોલીનેટવર્કે ચોરી કરાયેલા ઇથેરિયમ, બિનાન્સ કોઈન અને ઓક્સપોલીગોનના ટોકન અને ક્રિપ્ટો કરન્સી સ્ટોર કરવા માટે ટ્રેડર્સ દ્વારા ઉપયોગમાં લેવાતાં વોલેટમાંથી હટાવી દેવાની અપીલ કરી છે.
પોલીનેટવર્કે જણાવ્યું હતું કે, અમે આ ચોરી માટે કાયદાકીય પગલાંની તૈયારી કરી રહ્યાં છીએ તો બીજી તરફ અમે હેકરોને ચોરેલી ક્રિપ્ટો કરન્સી પરત કરવાની પણ અપીલ કરી છે. હેકરોએ ચોરી કરેલી રકમ DeFi ઇતિહાસમાં સૌથી મોટી રકમ છે.
શું છે આ DeFi?
DeFiનું ફૂલ ફોર્મ છે ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સ. આમ આદમીને DeFiની જાણકારી નહીંવત હોય છે, પરંતુ ક્રિપ્ટો કરન્સીના ખેલાડીઓ તે સારી રીતે જાણે છે. DeFi અથવા તો ડિસેન્ટ્રલાઇઝ્ડ ફાઇનાન્સની છેલ્લા કેટલાક વર્ષોમાં ખાસ્સી લોકપ્રિયતા વધી છે. DeFi એપ્સ લોકોને કોઈ પણ પ્રકારના મધ્યસ્થ વિના એકબીજા સાથે ટ્રેડ, નાણાં ઉધાર આપવા જેવા વ્યવહારો કરવાની સુવિધા આપે છે.
સ્ટેબલ કોઈન ટિથર ફ્રીઝ કરાયાં
ચોરી કરાયેલી ક્રિપ્ટો કરન્સીને હેકરો રોકડ ન કરાવી લે તે માટે ટિથરના ઇશ્યૂઅરે ૩૩ મિલિયન ડોલરના સ્ટેબલ કોઈન ટિથરને ફ્રીઝ કરી દીધાં છે. એલિપ્ટિકના સહસ્થાપક ટોમ રોબિન્સને જણાવ્યું હતું કે, હેકરોએ ચોરી કરેલી ક્રિપ્ટો કરન્સીને અન્ય સંપત્તિમાં બદલવા માટે વિકેન્દ્રિત એક્સ્ચેન્જનો ઉપયોગ શરૂ કરી દીધો છે. સ્ટેબલ કોઈન જેવા ટોકન જારી કરનારી કંપની તેને ફ્રીઝ કરી શકે છે પરંતુ ચોરાયેલા ઇથર કોઇન માટે આ શક્ય નથી. હા, જો તેને સેન્ટ્રલાઇઝ્ડ એક્સચેન્જ દ્વારા વટાવવાનો પ્રયાસ કરાય તો જ તેની રકમ જપ્ત કરી શકાય છે.
પાંચ જ માસમાં ૧૫૬ મિલિયન ડોલરની ચોરી
ક્રિપ્ટો સિક્યૂરિટી કંપની સાઇફરટ્રેસે જણાવ્યું હતું કે, DeFi એપ્સમાં અબજો ડોલરના ક્રિપ્ટો વ્યવહારો થતાં હોય છે તેથી તેના પર હેકરો દ્વારા અવારનવાર હુમલા થાય છે. વર્ષ ૨૦૨૦માં DeFi એપ્સ પર હુમલામાં ૨૦ ટકાનો વધારો નોંધાયો છે. હેકિંગમાં ૬૦ ટકા કિસ્સા DeFi સંબંધિત હોય છે. વર્ષ ૨૦૨૧ના પહેલા પાંચ મહિનામાં જ હેકરોએ DeFi હેક કરીને ૧૫૬ મિલિયન ડોલર તફડાવ્યા હતા. DeFi એપ્લિકેશનમાં ૮૦ બિલિયન ડોલર લોક થયેલા છે તેથી હેકરો માટે તે આકર્ષક લક્ષ્યાંક બની રહે છે.
સ્લોમિસ્ટ કંપનીએ જણાવ્યું હતું કે, અમે હેકરોના ઇમેલ, આઇપી એડ્રેસ અને ડિવાઇસ ફિંગરપ્રિન્ટ શોધી કાઢ્યાં છે. આ એક લાંબા ગાળાના આયોજન સાથે સુનિયોજિત સાઇબર હુમલો હતો. બિનાન્સ સહિતના ક્રિપ્ટો કરન્સી એક્સ્ચેન્જ પોલીનેટવર્કને મદદ કરી રહ્યાં છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter