ન્યૂ યોર્ક: યુએસમાં ક્રિપ્ટો કરન્સીના સૌપ્રથમ ઇન્સાઇડર ટ્રેડિંગ કેસમાં 26 વર્ષીય ભારતીય દોષિત ઠર્યો છે. તેણે તેના ભાઈ અને ઇન્ડિયન-અમેરિકન મિત્ર સાથે મળીને એક મિલિયન ડોલરથી પણ વધુ રકમનો ગેરકાયદેનો નફો રળ્યો હતો. ભારતનો નાગરિક નિખિલ વાહી સિએટલમાં રહે છે. તેના પર કોઇનબેઝ્ડ એક્સ્ચેન્જીસમાં કઈ ક્રિપ્ટો એસેટ્સ નોંધાવવાની છે તેની ખાનગી માહિતીના ઉપયોગના આધારે ઇનસાઇડર ટ્રેડિંગ કરીને છેતરપિંડી કરવાનો આરોપ હતો.
કોઇનબેઝ વિશ્વના સૌથી મોટા ક્રિપ્ટો એક્સચેન્જીસમાં એક છે. અમેરિકામાં ક્રિપ્ટોકરન્સી માર્કેટ્સમાં પ્રથમ વખત જ આવો કેસ નોંધાયો છે. આરોપીએ તેનો ગુનો કબૂલ્યો છે. તેને મહત્તમ 20 વર્ષની જેલની સજા થઈ શકે છે. જજ પ્રેસ્કા 13 ડિસેમ્બરે સજાની જાહેરાત કરશે. પ્રોસિક્યુટરોનું કહેવું છે કે ત્રણેય પર સૌપ્રથમ ક્રિપ્ટોકરન્સી ઇન્સાઇડર ટ્રેડિંગ ટિપિંગ સ્કીમનો આરોપ મૂકવામાં આવ્યો છે. આરોપીઓએ કમસેકમ ૨૫ જુદી-જુદી ક્રિપ્ટો એસેટ્સમાં કેટલાક ગેરકાયદેસર ટ્રેડ કર્યા હતા. તેઓએ આ રીતે ગેરકાયદેસર રીતે 15 લાખ ડોલરનો નફો મેળવ્યો હતો.