અમદાવાદ: લોહિયાળ જંગ યૂક્રેન-રશિયા વચ્ચે ખેલાઇ રહ્યો છે, પણ તેના પડઘા દુનિયાભરમાં પડી રહ્યા છે. 13 દિવસથી ચાલી રહેલા આ યુદ્ધે સમગ્ર વિશ્વના અર્થતંત્રને કમરતોડ ફટકો માર્યો છે, અને તેના દુષ્પ્રભાવમાંથી ભારત પણ બાકાત નથી. અધૂરામાં પૂરું, અમેરિકાના વિદેશ મંત્રી એન્થની બિલ્કેને રશિયા ઉપર ક્રૂડ ઓઈલના વેચાણનો પ્રતિબંધ મૂકવાની જાહેરાત કરતાં જ સ્થિતિ વધુ વણસી છે.
વિશ્વના કુલ ક્રૂડ ઓઈલ પુરવઠામાં 10 ટકા અને સૌથી મોટી નિકાસ ધરાવતા રશિયાની ઓઈલ નિકાસ ઉપર પ્રતિબંધ સાથે એશિયાઇ ટ્રેડીંગ સેશનમાં ક્રૂડના ભાવ 139 ડોલર પ્રતિ બેરલની 13 વર્ષની ઉંચી સપાટીએ જોવા મળ્યા હતા. આટલા ઊંચા ભાવથી મોંઘવારીમાં વધારો થશે, અને કોરોનાની અસરથી બહાર નીકળી રહેલા અર્થતંત્ર ઉપર અસર પડશે એવી દહેશતના પગલે એશિયા, યુરોપ, ભારત અને અમેરિકન શેરબજારમાં સોમવારે પ્રચંડ કડાકા નોંધાયા હતા. સલામતી માટેની દોટમાં ડોલર ઇન્ડેક્સ 100ની નજીક પહોંચી ગયો હતો. બીજી તરફ, ઔદ્યોગિક મેટલ્સના ભાવ વિક્રમજનક નીચી સપાટીએ પહોંચ્યા હતા.
ક્રૂડનો 13 વર્ષની ટોચે
રશિયા-યૂક્રેન યુદ્ધની સીધી અસર હવે ભારત પર પડવાની શરૂ થઈ ગઈ છે. સોમવારે યુરોપે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી બંધ કરવાની ધમકી ઉચ્ચારી તેના પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ૧૧૮.૧૧ ડોલરથી ૧૭.૮૦ ટકા વધીને ૧૩૯.૧૩ ડોલર પ્રતિ બેરલ થઈ ગયા છે. આ સાથે ક્રૂડના ભાવ છેલ્લા ૧૩ વર્ષ અને ૮ મહિનાની ટોચે પહોંચી ગયા છે. ગત ૨૪ ફેબ્રુઆરીએ યુદ્ધનો પ્રારંભ થયો ત્યારે ક્રૂડનો ભાવ ૯૬.૮૪ ડોલર પ્રતિ બેરલ હતો, જેમાં અત્યાર સુધીમાં ૪૩.૬૭ ટકાનો ઉછાળો આવી ચૂક્યો છે. ભારતમાં પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીને પગલે પેટ્રોલ-ડીઝલના ભાવમાં બીજી નવેમ્બર ૨૦૨૧ પછી વધારો કરાયો નથી. જોકે હવે ચૂંટણી પૂરી થઇ હોવાથી ગમેત્યારે આકરો ભાવવધારો તોળાઇ રહ્યો છે.
યુદ્ધ શરૂ થયા પછી સેન્સેક્સ 7.7 ટકા તૂટ્યો
મુંબઇ શેરબજારમાં ચાર જ ટ્રેડિંગ સેશનમાં રોકાણકારોની મૂડીમાં 11.28 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઇ ચૂક્યું છે. છેલ્લા કેટલાક સમયથી સતત ઘટાડાતરફી માહોલ રહેતા બીએસઇ સેન્સેક્સ અને નિફ્ટી સાત માસની નીચી સપાટી પર પહોંચ્યા છે. રોકાણકારોની મૂડી ઘટીને રૂ. 241.18 લાખ કરોડ રહી છે. સપ્તાહના પ્રારંભમાં દિવસ દરમિયાન સેન્સેક્સ ઇન્ટ્રા-ડે 1966.71 પોઈન્ટ ઘટીને નીચામાં 52367 થયો હતો. જોકે મંગળવારે સેન્સેક્સ 581 પોઇન્ટ સુધરીને 53424 થયો હતો જ્યારે નિફ્ટી 150 પોઇન્ટ વધીને 16013 પોઇન્ટ પર અટક્યો હતો.
રૂપિયો નબળો પડ્યો, 1 ડોલરના 77 રૂપિયા થયા
યૂક્રેન-રશિયા વચ્ચે 24 ફેબ્રુઆરીના રોજ યુદ્ધ શરૂ થયું ત્યારે 1 ડોલરની સામે 74.61 રૂપિયા હતા. જોકે રૂપિયો ઘટતાં ઘટતાં ડોલર સામે 77 રૂપિયા થયો છે. રૂપિયો તૂટતાં આયાત મોંઘી થશે એ નક્કી છે અને સરવાળે તેનાથી મોંઘવારી વધશે.
સોના-ચાંદીમાં તેજીનો તીખારો
ભારતીય બજારમાં એમસીએક્સ પર સોનાનો 10 ગ્રામનો ભાવ 444 રૂપિયા વધીને 53961 થયો છે. યુદ્ધ શરૂ થયા પછી સોનાના ભાવ 7 ટકાથી વધુ ઊંચકાયા છે. જ્યારે ચાંદીનો એક કિલોનો ભાવ 70 હજારની સપાટીને વટાવી ગયો છે. મંગળવારે ભારતીય બજારમાં ચાંદીનો ભાવ રૂ. 1478 વધીને રૂ. 71383ની સપાટીએ પહોંચ્યો હતો.