નવી દિલ્હીઃ કેનેડિયન સિંગર ડ્રેકનના ગીત ‘કિકી ડુ યુ લવ મી’ દેશ-દુનિયામાં ધૂમ મચાવ્યા બાદ હવે તેના પરથી ચેલેન્જ પણ બની છે. ભારતમાં મુંબઈ બાદ હવે દિલ્હી, ઉત્તર પ્રદેશ, જયપુર, ચંદીગઢ અને બેંગલુરુમાં પણ પોલીસે ‘કિકી ચેલેન્જ’ના જોખમો અંગે એડવાઇઝરી જારી કરી છે. ખુલ્લા દરવાજા સાથેની એમ્બ્યુલન્સ આગળ ડાન્સ કરતા માણસના એક ફોટા સાથે દિલ્હી પોલીસે મંગળવારે ટ્વીટ કર્યું કે, રોડ પર ડાન્સ કરવાથી તમારા માટે નવા દરવાજા ખૂલી શકે છે. (ડાન્સ) ફ્લોર પર ડાન્સ કરો, રોડ પર નહીં, કિકી ચેલેન્જમાં કંઈ મજા નથી.
ઉત્તર પ્રદેશ પોલીસે પણ ટ્વીટ કર્યું કે, ડિયર પેરન્ટ્સ, કિકી તમારા સંતાનને ચાહે છે કે નહીં તે ખબર નથી પણ અમે તો ચોક્કસપણે ચાહીએ છીએ. તેથી તમારા સંતાનના જીવનના કિકી ચેલેન્જ સિવાયના તમામ પડકારોમાં તેની પડખે રહો.’ ‘કિકી’ એક સોશિયલ મીડિયા ડાન્સ ચેલેન્જ છે, જેમાં ચાલતી કારમાંથી ઉતરીને ડ્રેકના ‘ઇન માય ફીલિંગ્સ’ સોન્ગના ડાન્સ સ્ટેપ કર્યા બાદ ચાલતી કારમાં પાછું બેસવાનું હોય છે.
આ દરમિયાન કારની સ્પીડ ૧૦ કિ.મી. પ્રતિ કલાકની રહે છે પણ આ ચેલેન્જ ઘણી ખતનારક છે. ચેલેન્જ લેનારા ઘણા લોકો દુર્ઘટનાનો શિકાર પણ બની ચૂક્યો છે. કોમેડિયન શિગીએ ડ્રેકના આ સોન્ગ પર ડાન્સ કર્યા બાદ ચેલેન્જની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ ચેલેન્જ વાઇરલ થઈ અને દુનિયાભરમાં ફેલાઈ. ડ્રેકનું આ સોન્ગ ટ્વિટર પર અત્યાર સુધીમાં ૮ કરોડથી વધુ વખત જોવાયું છે. ઇંગ્લેન્ડ, સ્પેન, સાઉદી અરેબિયા અને મલેશિયા જેવા દેશોમાં પણ પોલીસ લોકોને આ ચેલેન્જ ન સ્વીકારવા અપીલ કરી ચૂકી છે.
કિકી ચેલેન્જ કેટલી જોખમી છે તેના કેટલાક વીડિયો વિવિધ સોશિયલ મીડિયા સાઇટ્સ પર મુકાયા છે, જેમાં ડાન્સરો વીજળીના થાંભલા સાથે ટકરાતાં, ખાડામાં પડતાં તો ક્યાંક કારમાંથી પડી જતા દેખાય છે. એક વીડિયોમાં તો ડાન્સ કરતી મહિલાની હેન્ડબેગ ચોરાઈ જાય છે. બીજા એક વિડિયોમાં ડાન્સમાં મગ્ન યુવકને બીજી કાર ટકરાય છે.