આપણે લોકો સાહસિક કાર્ય માટે જાનની બાજી લગાવી દેનાર વ્યક્તિ માટે ઘણી વખત જાંબાઝ, હિંમતવાન, મરદનું ફાડીયું વગેરે શબ્દો વાપરતા હોઇએ છીએ, પણ આ સાથેની તસવીર નિહાળશો અને વિગતો વાંચશો તો વિચારતા થઇ જશો કે ભલા, આ માણસ માટે તે વળી ક્યો વીરતાસૂચક શબ્દ વાપરવો?! ભભકતા જ્વાળામુખીના મોં નજીક ઊભેલી આ વ્યક્તિનું નામ છે જ્યોર્જ કોરોઉનિસ. કેનેડાના વતની જ્યોર્જને અત્યંત ખરાબ હવામાન, ખરાબ તોફાન, અગનજ્વાળા ઓકતા જ્વાળામુખી પાસે જવાની અને તેની ફોટોગ્રાફી કરવાનો પાગલપનની હદે શોખ છે. હાલમાં જ તેમણે પોતાના જીવનની આ સર્વશ્રેષ્ઠ અને સૌથી ખતરનાક તસવીર બ્રિટનની વેબસાઈટ ‘મેઇલ ઓનલાઈન’ને આપી છે. આ તસવીર વનુઆટુ ટાપુ પરના વોલ્કેનિક આઈલેન્ડ એમ્બ્રિમના મૈરમ જ્વાળામુખીની છે. જ્યોર્જ કહે છે કે એક વાર કેન્યામાં એક ગુફામાં શૂટિંગ વેળા ચામાચીડિયાએ તેને ડંખ માર્યો હતો. પીડા એટલી દર્દનાક હતી કે થોડાક સમય માટે તો એમ જ લાગ્યું કે પોતે હવે બચી શકશે નહીં, પણ જ્યોર્જ જેનું નામ. સાજા થયા કે ફરી ખતરાજનક કામે લાગી ગયા. જ્યોર્જનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ છે. તેઓ નેશનલ જ્યોગ્રાફિક ટીમનો હિસ્સો પણ છે. આ ટીમે વનુઆટુ ટાપુ પરના વોલ્કેનિક આઈલેન્ડ એમ્બ્રિમના મૈરમ જ્વાળામુખીની અંદર જઈ માટીના સેમ્પલ એકત્ર કર્યા હતા.