બાંગ્લાદેશનાં ભૂતપૂર્વ વડા પ્રધાન બેગમ ખાલિદા જિયાની ભ્રષ્ટાચારના કેસમાં ધરપકડ કરવાનો આદેશ જારી થયો છે. ખાલિદા જિયાએ ગત સપ્તાહે કોર્ટમાં હાજર થવાનું હતું પરંતુ સુરક્ષાના કારણોસર તેઓ કોર્ટમાં પહોંચ્યા નહોતા. ખાલિદાના વકીલે નવી તારીખ આપવાની કોર્ટ સમક્ષ માગણી કરી હતી પરંતુ સ્પેશ્યિલ કોર્ટના જજ અબૂ એહમદ જોમાદારે તેમના જામીન રદ કરીને ધરપકડ કરવાના આદેશ આપ્યા છે.
ઇઝરાયલ ઉપર હુમલા બદલ સંગઠનને દંડ
અમેરિકાની એક કોર્ટે પેલેસ્ટાઇન મુક્તિ સંગઠન (પીએલઓ)ને ૨૧.૮ કરોડ ડોલરનો આકરો દંડ ફટકાર્યો છે. કોર્ટે પીએલઓની સાથે-સાથે પેલેસ્ટાઇન ઓથોરિટી (પીએ)ને પણ ઇઝરાયલમાં ૧૦ વર્ષ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં દોષિત ઠેરવ્યા છે. આખા દિવસની સુનાવણી પછી કોર્ટે પેલેસ્ટાઇની સંગઠનોને આદેશ આપ્યો કે તેઓ અમેરિકન ૧૦ પરિવારોને વળતર આપે. જો કે, કોર્ટના આદેશ પછી તરત જ બંને સંગઠનોએ એક નિવેદનમાં આ આરોપોને પાયાવગરના અને ચુકાદાને નિરાશાજનક ગણાવ્યા છે. તેમણે કોર્ટનો આદેશ પડકારવાની પણ જાહેરાત કરી છે. જ્યારે ઇઝરાયલે જણાવ્યું કે આ કેસ સાથે તેના કોઈ લેવા-દેવા નથી.