ઓટાવાઃ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોની ભારત મુલાકાત દરમિયાન ખાલિસ્તાન સમર્થક જસપાલ અટવાલની ઉપસ્થિતિને લઇને વિપક્ષે હંગામો કર્યો હતો. ભારતમાં એક અઠવાડિયું પસાર કર્યા બાદ ટ્રુડો પહેલી વખત સંસદમાં વિપક્ષના સવાલનો સામનો કરી રહ્યા હતા. જસપાલ અટવાલની ઉપસ્થિતિના મુદ્દે વિપક્ષે ચાબખા માર્યા હતા.
અટવાલ પર આરોપ છે કે, પ્રતિબંધિત સંગઠન ઇન્ટરનેશનલ યૂથ ફેડરેશનના તેઓ સભ્ય છે અને આ સંસ્થાને વર્ષ ૨૦૦૩માં પ્રતિબંધિત કરાઈ હતી. કેનેડાના પીએમઓ તરફથી આ યાત્રાને લઇને એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, અટવાલની ઉપસ્થિતિની વ્યવસ્થા ભારત સરકારના કેટલાક લોકો તરફથી હતી. ટ્રુડોની યાત્રાને નુકસાન પહોંચાડવા માટે અટવાલને વિઝા અપાયા હતા. આ માટે ટ્રુડો જવાબદાર નથી. બીજી તરફ ભારતે પણ કેનેડાના આવા બેવડા વલણની આકરી ઝાટકણી કાઢીને ભારતને બદનામ કરવા બદલ રોષ વ્યક્ત કર્યો હતો.