નવી દિલ્હી: ખાલિસ્તાની આતંકવાદીઓ પ્રત્યે કેનેડાનું કૂણું વલણ કોઈ નવી બાબત નથી. હવે તેણે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને જામીન મુક્ત કર્યાના અહેવાલ છે. કેનેડાની એક કોર્ટે પાછલા દિવસોમાં ધરપકડ કરાયેલા ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને 30 હજાર ડોલરના જાત જામીન પર છોડ્યો છે. આ કેસમાં હવે પછીની સુનાવણી આગામી 24 ફેબ્રુઆરી 2025ના રોજ કરાશે.
ખાલિસ્તાની ટાઈગર ફોર્સની કમાન સંભાળનારા અર્શ ડલ્લાને કેટલાક સમય પહેલાં જ કેનેડા પોલીસી પકડી લીધો હતો. પોલીસને તેની પાસેથી કેટલાક હાઈટેક હથિયારો પણ મળ્યા હતાં. અર્શ ડલ્લા પાકિસ્તાની જાસૂસી એજન્સી આઈએસઆઈના સીધા સંપર્કમાં હોવાનું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કેનેડામાં 28 ઓક્ટોબરની રાત્રે ખાલિસ્તાની આતંકવાદી અર્શ ડલ્લાને ગોળી લાગી હતી. અર્શ તેના સાથીદાર ગુરજંતસિંહ સાથે કારમાં બેસીને હોલ્ટન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે જ કારમાં રાખેલા હથિયારથી એક્સિડેન્ટ ફાયર થઈ ગયો હતો અને બન્નેને ઈજાઓ થઈ હતી. બન્નેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાય હતા. તે પછી પોલીસે તેની ધરપકડ કરી હતી. તે સમયે ડલ્લાએ પોતાને કેવી રીતે ગોળી વાગી તેની નકલી વાર્તા કહી હતી. પોલીસ તપાસમાં અનેક બાબતો બહાર આવી હતી. કેનેડા પોલીસે અર્શ ડલ્લાના ઘરની તલાશી લેતા પ્રતિબંધિત હથિયાર અને કારતૂસ મળી આવ્યા હતા.