ખાલિસ્તાનીઓ હવે હદ વટાવે છેઃ કેનેડામાં હિન્દુઓ પર હિચકારો હુમલો

Thursday 07th November 2024 00:04 EST
 
 

બ્રોમ્પ્ટનઃ છેલ્લા કેટલાક વરસોથી ખાલિસ્તાની આતંકવાદીઓનો ગઢ બનેલાં કેનેડામાં હિન્દુઓ પરના હુમલાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. દિવાળીના સપરમા દિવસોમાં જ ખાલિસ્તાનીઓએ વધુ એક વાર હિન્દુ મંદિરને નિશાન બનાવી પોલીસની હાજરીમાં જ શ્રદ્ધાળુઓ સાથે મારપીટ કરતાં ભારતીયોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. હિચકારા હુમલાની આ ઘટનાના ભારત સહિત વિશ્વભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યાં છે. કેનેડામાં વસતાં ભારતીય સમુદાયે વિરોધ પ્રદર્શન યોજીને જસ્ટિન ટ્રુડો સરકારની કથિત નિષ્ક્રિયતા સામે રોષની લાગણી વ્યક્ત કરી છે. તો ભારત સરકારે પણ આ ઘટના અંગે કેનેડાના સત્તાધીશો સમક્ષ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.

રવિવારે બ્રોમ્પ્ટન સ્થિત હિન્દુ મહાસભા મંદિરે દિવાળીની ઉજવણી માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થયા હતા. આ દરમિયાન ખાલિસ્તાની સમર્થકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને મંદિર પર હુમલો કરી ‘ખાલિસ્તાન ઝિંદાબાદ’ના નારા લગાવ્યાં હતાં. આ પછી ત્યાં હાજર શ્રદ્ધાળુઓ પર હુમલો કરીને તેમને માર માર્યો હતો.
હિન્દુ મંદિર અને શ્રદ્ધાળુઓ પર હુમલાની આ ઘટનાની કેનેડાના વડાપ્રધાન ટ્રુડો તથા વિપક્ષના નેતા પીઅર પોઈલિવરે આકરા શબ્દોમાં નિંદા કરી હતી. ટ્રુડોએ કહ્યું હતું કે, બ્રોમ્પ્ટન સ્થિત હિન્દુ મંદિરમાં થયેલાં હુમલાંની ઘટના અસ્વીકાર્ય છે. કેનેડાના દરેક નાગરિકને સલામતી સાથે પોતાનો ધર્મ પાળવાની સ્વતંત્રતા છે.

ખાલિસ્તાનીઓને ખુલ્લો દોરઃ સાંસદ આર્ય
કેનેડાના ભારતવંશી સાંસદ ચંદ્ર આર્યએ આ ઘટનાને અત્યંત ગંભીર ગણાવતાં જણાવ્યું હતું કે, ખાલિસ્તાની કટ્ટરવાદીઓની હિંસા હવે હદ વટાવી ચૂકી છે. હિન્દુ સભા મંદિરમાં ઘૂસીને પોલીસની હાજરીમાં જ ત્યાં ઉપસ્થિત ભક્તો સાથે મારપીટની ઘટના દર્શાવે છે કે, કેનેડામાં ખાલિસ્તાની કટ્ટરવાદના મૂળ કેટલાં ઉંડા પ્રસરી ચૂક્યાં છે. અભિવ્યક્તિની સ્વતંત્રતાના ઓઠાં હેઠળ કેનેડાના રાજકારણીઓ ખાલિસ્તાની આતંકવાદીઓને છુટ્ટો દોર આપી રહ્યાં છે.

હુમલો કાયરતાપૂર્ણ કૃત્યઃ મોદી
હિન્દુ મંદિર અને ત્યાં હાજર શ્રદ્ધુાળુઓ પર ખાલિસ્તાની કટ્ટરવાદીઓ દ્વારા કરાયેલાં હુમલાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આકરા શબ્દોમાં નિંદા કરી હતી. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં વડાપ્રધાને જણાવ્યું હતું કે, કેનેડામાં હિન્દુ મંદિર અને હિન્દુઓ પર હુમલો એ કાયરતાની નિશાની છે. આવા હુમલાઓથી ભારતની પ્રતિબદ્ધતા પર અસર નહીં થાય. હું આશા રાખું છું કે, કેનેડાની સરકાર આ મામલે યોગ્ય પગલાં લઈ ન્યાય તોળશે.

ખાલિસ્તાની સમર્થક પોલીસ સસ્પેન્ડ
રવિવારે હિન્દુ મંદિર પર થયેલાં હુમલામાં ખાલિસ્તાની કટ્ટરવાદીઓનો સાથ આપનારા કેનેડિયન પોલીસના એક શીખ અધિકારીને નોકરીમાંથી હાંકી કઢાયા હોવાનું સ્થાનિક સત્તાધીશોએ જણાવ્યું હતું. મંદિર પર હુમલાની આ ઘટનાના સોશિયલ મીડિયા પર વાયરલ થયેલાં વીડિયોમાં પીલ રિજનનો હરિન્દર સોહી નામનો એક પોલીસ અધિકારી પણ હાથમાં ખાલિસ્તાની ધ્વજ લહેરાવતો જોવા મળતો હતો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter