ન્યૂ યોર્કઃ ખુદા દેતા હૈ તો છપ્પર ફાડ કે દેતા હૈ એવી કહેવત તો સહુ કોઇ જાણે છે, પણ અમેરિકા આ ત્રણ વિદ્યાર્થીઓને તો ઇશ્વરે સોફા ફાડ કે ખજાનો આપ્યો છે. મહાનગરની ન્યૂ યોર્ક સ્ટેટ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા કેલ્લી ગુઆસ્તી, રીઝ વેર્કહોવન અને લારા રુસ્સોએ ભેગાં મળીને એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું હતું. એપોર્ટમેન્ટના ડ્રોઈંગ રૂમમાં બેસવા-ઉઠવામાં સગવડ રહે તે માટે તેમણે એક જૂનો સોફો માત્ર 15 ડોલરમાં ખરીદ્યો હતો. ત્રણેય મિત્રો આ સોફાનો ઉપયોગ ત્યાં બેસીને ગપ્પાં મારવા માટે કરતાં હતાં.
એક રવિવારે ત્રણેય મિત્રો બેસીને ગપ્પાં મારતાં હતાં ત્યાં સોફાના હાથામાં કંઈક નક્કર વસ્તુ હોવાનું લાગ્યું. આથી તેમણે કુતૂહલવશ થઇને કુશન દૂર કરીને જોયું તો અંદર ડોલરની કડકડતી નોટોનું બંડલ જોવા મળ્યું. અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓના હાથમાં આટલી મોટી રકમ આવે તો કેવી ખુશી થાય તેની કલ્પના કરવી મુશ્કેલ નથી. ઉત્સાહી ત્રિપુટીએ બંડલમાં રહેલા ડોલરની ગણતરી કરી તો પૂરા 40 હજાર ડોલર હતા.
આમ તો આટલી રકમ જોઈને કોઈની પણ દાનત બગડે, પણ ત્રણેય વિદ્યાર્થીઓ નીતિમત્તાના પાક્કા હતા. તેમણે આ સોફો વેંચનાર જૂનાં માલિક 91 વર્ષનાં વિધવા વૃદ્ધાંને શોધી કાઢ્યાં અને વાતચીત દરમિયાન જાણી લીધું કે તે વૃદ્ધાંએ પાછલી જિંદગીમાં કામ લાગે તે ઉદ્દેશથી બચત કરીને સોફામાં છુપાવી હતી, પરંતુ પછી પોતે આ વાત ભૂલી ગયાં હતાં. ત્રણેય વિદ્યાર્થીએ તેમને આ મરણમૂડી સમાન રકમ પાછી આપી ત્યારે તેમની આંખોમાંથી હર્ષના આંસુ સરી પડ્યા હતા. વૃદ્ધાંએ ત્રણેયની પ્રમાણિક્તા બિરદાવતાં તેમને ઈનામ પેટે 1000 ડોલર ઇનામમાં આપ્યા હતાં.