એડનબર્ગ: માણસ નાનો હોય કે મોટો, અમીર હોય કે ગરીબ, આખરે તેને ખુશી શામાંથી મળે છે? એવી તે કઈ બાબત છે જે તેને જીવનભર ખુશ રાખે છે એ જાણવા માટે સ્કોટલેન્ડના બિહેવિયરલ સાયન્ટિસ્ટ ક્રિસ્ટોફર બોયસે નોકરી છોડી દીધી હતી. બોયસે 25 દેશોની 20 હજાર કિલોમીટરની સાઈકલયાત્રા કરીને જે તારણ કાઢ્યું છે તે જાણવા જેવું છે. તેમના અભ્યાસનું તારણ છેઃ સાદું જીવન અને સંયુક્ત પરિવાર.
ક્રિસ્ટોફર બોયસ ભૂતાન પણ ગયા, જ્યાં વિકાસનો માપદંડ જીડીપી નહીં, પણ ગ્રોસ નેશનલ હેપ્પીનેસ છે. મતલબ કે ખુશી-આનંદના ઇન્ડેક્સના આધારે દેશની સફળતા મપાય છે. સ્કોટલેન્ડથી શરૂ થયેલી આ યાત્રામાં તેઓ સેંકડો લોકોને મળ્યા. તેમના અભ્યાસનું તારણ જોઇએ તો દુનિયાના નાના-નાના દેશે શીખવ્યું કે જીવનમાં સંતોષ માટે પૈસાનું ખાસ મહત્ત્વ નથી.
• કોસ્ટારિકામાં સામાન્ય જીવનશૈલી પહેલી પસંદ. બોયસ કહે છે કે પ્યુ ડા વિડા એટલે કે સામાન્ય જીવનશૈલી. છેલ્લાં 50 વર્ષથી અહીં લોકો સામાન્ય જીવનશૈલીને મહત્ત્વ આપે છે. આ કારણથી અહીંના લોકો ખુશ છે. અહીં સરેરાશ આયુષ્ય 79.1 વર્ષ છે.
• ભૂતાનમાં સારું જીવન મહત્ત્વનું. ભૂતાને વિકાસના માપદંડ તરીકે લોકો ખુશ હોવા જોઇએ એવો મંત્ર આપ્યો છે. અહીંના લોકો માટે આર્થિક સમૃદ્ધિ નહીં, સારું જીવન મહત્ત્વનું છે. અહીંના લોકો સંસ્કૃતિ જાળવવા, સમાજ સાથે જીવવા અને પર્યાવરણની સુરક્ષામાં વિશ્વાસ રાખે છે.
• પેરુના લોકોમાં ધૈર્ય અને સંજોગો સ્વીકારવાની ક્ષમતા છે. બોયસ કહે છે કે પેરુમાં લોકો ગરીબ હોય કે ધનિક, તેઓ ખુશ છે. અહીં મોટા પરિવારોની પરંપરા છે. તેઓ સાથે રહે છે અને સાથે કામ કરે છે. તેમનો સમાજ એકબીજા સાથે જોડાયેલો છે. એકબીજા સાથે વાતચીત કરતા રહે છે. તેઓ અનેક બાબતોની સાથે લોકોને પણ સહજતાથી સ્વીકારી લે છે.
• કેનેડાએ વેલબીઇંગ ઈન્ડેક્સ બનાવ્યો છે. કેનેડાએ વર્ષ 2000માં કેનેડિયન ઇન્ડેક્સ ઓફ વેલબીઇંગ શરૂ કર્યો હતો. તેમાં વિકાસના આઠ માપદંડ નક્કી કર્યા. સામાજિક જીવન, લોકતાંત્રિક જોડાણ, શિક્ષણ, પર્યાવરણ, આરોગ્ય અને આરામની તકો, સંસ્કૃતિ, જીવનસ્તર અને સમયનો ઉપયોગ. ત્યાર પછી લોકો પૈસાના બદલે ખુશીને વધુ મહત્ત્વ આપવા લાગ્યા.