વેટિકનઃ ગરીબો અને બેસહારા લોકોની સેવામાં સમગ્ર જીવન સમર્પિત કરી દેનારા ખ્રિસ્તી સાધ્વી અને કરુણામૂર્તિ મધર ટેરેસાને રવિવારે કેથલિક સંપ્રદાયના મુખ્યમથક વેટિકન ખાતે પોપ ફ્રાન્સિસે ૧ લાખ શ્રદ્ધાળુઓની મેદની મધ્યે સંત જાહેર કર્યાં હતાં. પોતાના જીવનકાળમાં ૧૨૪ જેટલા ખ્યાતિપ્રાપ્ત પુરસ્કારોથી સન્માનિત મધર ટેરેસાને ૧૯મી પુણ્યતિથિના એક દિવસ પહેલાં સંતની ઉપાધિથી સન્માનિત કરાયાં છે.
ખ્રિસ્તી સંત જાહેર થનારા મધર ટેરેસા ભારતરત્ન અને નોબલ શાંતિ પુરસ્કાર જીતનારા પહેલાં મહિલા છે. કેથલિક સંપ્રદાયના ઈતિહાસમાં ૪૧૬ વર્ષમાં પહેલીવાર કોઈ વ્યક્તિને આટલા ટૂંકા સમયમાં સંત જાહેરા કરાયાં છે. મધર ટેરેસા વિદેશમાં જન્મેલા પહેલાં કેથલિક છે જેમને ભારતીય ગણીને સંતની ઉપાધિ અપાઈ છે. રોમન કેથલિક સંપ્રદાયમાં ૧૬મી સદીથી સંત જાહેર કરવાનો લેખિત ઈતિહાસ છે. પહેલીવાર પોપે કોઈ વ્યક્તિને મૃત્યુના ૧૯ વર્ષમાં જ સંત જાહેર કર્યાં છે.
રવિવારે વેટિકન ખાતે આયોજિત સમારંભમાં ૧૩ દેશોના રાષ્ટ્રપ્રમુખો સહિત એક લાખ લોકો હાજર રહ્યાં હતાં. ભારતમાંથી વિદેશપ્રધાન સુષમા સ્વરાજ, પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સહિત કેન્દ્રિય અને રાજ્ય પ્રતિનિધિ મંડળ આ સમારંભમાં હાજર રહ્યાં હતાં.
આ ચમત્કારોને આધારે મધર ટેરેસા સંત બન્યાં
• ચમત્કાર-૧ઃ ૨૦૦૨માં વેટિકને પશ્ચિમ બંગાળની મોનિકા બેસરાના પેટમાં રહેલી કેન્સરની ગાંઠ મધર ટેરેસાનું લોકેટ પહેરવા અને પ્રાર્થના કરવાના કારણે દૂર થઈ હોવાના દાવાને વેટિકને સ્વીકાર્યો હતો.
• ચમત્કાર-૨ઃ ૨૦૧૫માં બ્રાઝિલના એન્જિનિયર માર્સિલિયોનું બ્રેઈટ ટ્યુમર મધર ટેરેસાના નામે પ્રાર્થના કરવાના કારણે દૂર થયું હોવાના દાવાને પોપ ફ્રાન્સિસે માન્યતા આપી હતી.
કેવી રીતે અપાય છે સંતની ઉપાધિ?
ચર્ચ દ્વારા તપાસઃ ચર્ચની સમિતિ વ્યક્તિના મૃત્યુના પાંચ વર્ષ બાદ તેના જીવન અને કાર્યોની સમીક્ષા શરૂ કરે છે. મધર ટેરેસાના મામલામાં આ નિયમ તોડી ત્રણ વર્ષમાં પ્રક્રિયા શરૂ કરી દેવાઇ હતી.
ધન્ય હોવાની જાહેરાતઃ વ્યક્તિના નિધન બાદ સ્થાનિક બિશપ વ્યક્તિને ધન્ય જાહેર કરવાની પ્રક્રિયા માટે વિનંતી કરે છે. વ્યક્તિ પવિત્ર હતી તેવા પુરાવા મળ્યા બાદ તેને ધન્ય જાહેર કરાય છે. મધર ટેરેસાના એક ચમત્કારને સ્વીકારીને મધર ટેરેસાને મૃત્યુના ૬ વર્ષ બાદ પોપ જ્હોન પોલ બીજાએ ધન્ય જાહેર કર્યા હતા.
બે ચમત્કાર પુરવાર થયા બાદ સંત જાહેર
ધન્ય જાહેર થયા બાદ વ્યક્તિ દ્વારા થયેલા બે ચમત્કારના પુરાવા શોધાય છે. ધન્ય જાહેર થયા બાદ સંત ઘોષિત કરવામાં પોપ ઓછામાં ઓછું ૫૦ વર્ષનું અંતર રાખે છે. ૧૫૯૦ બાદ આ અંતર સરેરાશ ૧૮૧ વર્ષ રહ્યું હતું. મધર ટેરેસાને ફક્ત ૧૯ વર્ષમાં સંત જાહેર કરી દેવાયાં છે.
નામદાર પોપ દ્વારા લેટિન ભાષામાં જાહેરાત
મધર ટેરેસાને સંત જાહેર કરતાં પોપ ફ્રાન્સિસે લેટિન ભાષામાં જાહેરાત કરી હતી કે, ત્રિએક દેવના સન્માનમાં અમે કોલકાતાના આશીર્વાદિત ટેરેસાને સંત જાહેર કરીએ છીએ અને અન્ય સંતોની યાદીમાં સમાવીએ છીએ. મધર ટેરેસાએ ગરીબીમાં સબડતા અત્યંત ગરીબોની સેવા માટે ચર્ચના તમામ આદર્શોને સાકાર કર્યાં હતાં.