વોશિંગ્ટનઃ દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે. ભારતમાં વધતા સંક્રમણને કારણે અનેક દેશોએ ભારતની ફ્લાઈટ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે પણ દુનિયામાં અનેક એવા દેશો છે કે જે હાલના સમયે કોરોનાના હોટસ્પોટ બની ગયા છે. ઈરાન, તૂર્કી અને બ્રાઝીલ સહિત અનેક દેશોમાં સંક્રમણ ભયાવહ રૂપ ધારણ કરી ચૂક્યું છે. તૂર્કીના સ્વાસ્થ્ય પ્રધાન ફહરેટિન કોકા કહે છે કે અમને વેક્સિનની વ્યવસ્થા કરતાં ઓછામાં ઓછા ૨ મહિના લાગશે. દુનિયામાં વેક્સિનની અછતનું સૌથી મોટું કારણ એ છે ધનિક દેશોએ પોતાની વસતીથી અનેકગણી વધુ વેક્સિનનો સ્ટોક કરી લીધો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યાનુસાર ગરીબ દેશોમાં દર ૫૦૦ લોકોમાંથી માંડ એક વ્યક્તિને વેક્સિન અપાઈ છે જ્યારે ધનિક દેશોમાં દર ૪માંથી ૧ને વેક્સિન આપી દેવાઈ છે. ઘણા દેશોમાં ઓક્સિજન, કોન્સન્ટ્રેટર, વેન્ટિલેટર અને દવાઓની પણ અછત છે.