લંડનઃ ગર્ભનિરોધક પિલ્સ લેતી મહિલાઓમાં હતાશાનું પ્રમાણ વધવાનું જોખમ રહે છે અને ૧૫-૧૯ વયજૂથની તરુણીઓમાં તેનાથી હતાશા આવવાનું જોખમ વધીને ૮૦ ટકાનું જણાયું છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગનના સંશોધકોએ ૧૫-૩૪ વયજૂથની દસ લાખથી વધુ ડેનિશ સ્ત્રીઓને સાંકળતા ડેટાનો અભ્યાસ કર્યો હતો. જાતીય આરોગ્ય ચેરિટી ફેમિલી પ્લાનિંગ એસોસિયેશન અનુસાર વર્ષ ૨૦૦૦માં લગભગ ૪૦ લાખ સ્ત્રીઓ પિલનો ઉપયોગ કરતી હતી.
બ્રિટિશ નિષ્ણાતોએ જણાવ્યું હતું કે સંશોધન માત્ર નીરિક્ષણ પ્રકારનું છે અને પિલ જ ડિપ્રેશનનું જોખમ વધારે છે તેમ જણાવાયું નથી. સ્ત્રીઓએ આ અભ્યાસથી ચિંતિત થવાની જરુર નથી કારણકે ગર્ભનિરોધની જુદી જુદી પદ્ધતિઓ સામે તેમનો પ્રત્યાઘાત અલગ હોય છે. ડેનિશ સંશોધકોએ જણાવ્યું હતું કે પ્રોજેસ્ટેરોન અને સ્ત્રી સેક્સ હોર્મોન પાર્ટનર એસ્ટ્રોજેન હતાશામાં ભૂમિકા વિશે શંકા છે. પ્રોજેસ્ટેરોનનું વિઘટન થાય છે ત્યારે તેનાથી નર્વસ સિસ્ટમ પર અસર થતી હોવાનું સ્પષ્ટ થયેલું છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે હોર્મોન્સના સંમિશ્રણ ધરાવતી ગર્ભનિરોધક પિલ્સ સરેરાશ છ વર્ષના ગાળા સુધી લેનારી મહિલાઓમાં ૨૩ ટકાને સૌપ્રથમ વખત એન્ટિડીપ્રેસન્ટ્સની સારવાર લેવી પડી હતી. બીજી તરફ, સિન્થેટિક પ્રોજેસ્ટેરોન સાથેની ગોળીઓ લેનારી ૩૪ ટકા મહિલાને હતાશાનું જોખમ ૩૪ ટકા વધુ જણાયું હતું. આ જ હોર્મોન સાથેના કોન્ટ્રાસેપ્ટિવ પેચીસનો ઉપયોગ કરતી મહિલાઓને જોખમ બમણું હતું, જ્યારે હોર્મોનલ રિંગ્સ અને કોઈલ્સનો ઉપયોગ કરનારી સ્ત્રીઓમાં આ જોખમ સૌથી વધુ હતું.