પેરિસઃ પોતાના બોયફ્રેન્ડને ઘરમાં ગુલામ બનાવીને સ્પોન્જ ખાવાની ફરજ પાડી ત્રાસ આપવા બદલ ફ્રાન્સની ૪૩ વર્ષીય મહિલાને કોર્ટે ત્રણ વર્ષની જેલ સજા ફટકારી છે. જોકે, ઝાકિયા મેડકોટની અડધી સજા માફ કરીને કોર્ટે બોયફ્રેન્ડને ૨,૧૭,૦૦૦ ડોલર વળતર તરીકે ચૂકવવા તેને આદેશ કર્યો હતો. પોલીસે આ ઘટનાને મહિલા દ્વારા પુરુષ પીડિતને હિંસા કરતાં પણ વધુ અમાનુષી ત્રાસ આપવાનો કિસ્સો ગણાવ્યો હતો.
ઝાકિયા મેડકોટ તેના ૩૭ વર્ષીય બોયફ્રેન્ડને ૨૦૦૭માં ઇન્ટરનેટ પર મળી હતી. મુલાકાત બાદ સાત માસ પછી તેણે યુવાનને પોતાના ઘરે બોલાવ્યો હતો. મેડકોટને બે બાળકો પણ છે.
આ મહિલાએ તેના બોયફ્રેન્ડના ઓળખપત્રો અને ક્રેડિટ કાર્ડ પણ ચોરી લીધા હતા અને ઘરમાં ગુલામની જેમ રાખ્યો હતો. તેને કુદરતી હાજતે પણ જવા દેવામાં આવતો નહોતો અને બારણા પાસે જમીન પર સૂવા ફરજ પડાતી હતી. યુવકે એક વર્ષ કરતાં પણ વધુ સમય સુધી મહિલાનો માર અને અપમાન સહન કર્યા હતા. મહિલાએ તેને સિગારેટના અને ચપ્પુ ગરમ કરીને ડામ પણ આપેલા. તેની આંખમાં મીઠુ ભભરાવતી અને આડોશપાડોશના લોકો સાથે મળવા દેતી નહીં. મહિલાએ તેને ચૂપ રહેવા જણાવી બાળ જાતીય સતામણીના કેસમાં ફસાવવાની ધમકી આપી હતી.
યુવાન શરમ અને અપમાનને કારણે એક વર્ષ સુધી ચૂપ રહ્યો. મહિલા દ્વારા માર ખાવાનું કબૂલ કરતાં તેને શરમ આવતી હતી.
પીડિત યુવકે ફેબ્રુઆરીમાં પોતાને થયેલા આ અત્યાચારને વર્ણન કરતું પુસ્તક ‘માય ગર્લફ્રેન્ડ, માય ટોર્ચર’ પ્રકાશિત કર્યું હતું. આ પુસ્તકે પુરુષો સામેના મહિલાના અત્યાચારો મુદ્દે ચર્ચા જગાવી હતી.
ફ્રાન્સમાં દર વર્ષે મહિલાથી પીડિત પુરુષો દ્વારા ૭૦૦૦ ફરિયાદો થાય છે તેમ એબ્યુઝમેન એસોસિએશને જણાવ્યું હતું.
આ કિસ્સામાં બચાવપક્ષે મહિલાના વકીલને મહિલાના ભૂતકાળને દોષિત ગણાવી તેને માનસિક સારવારની જરૂર હોવાનું જણાવ્યું હતું.