ગલવાનઃ ૧૯૬૨ના યુદ્ધનું પ્રારંભ સ્થળ

Saturday 27th June 2020 07:12 EDT
 
 

૧૯૬૨માં ચીને ભારત પર આક્રમણ કર્યું ત્યારે તેના ૩૦૦ જેટલા સૈનિકો ગલવાનના માર્ગે જ ઘૂસ્યા હતા. ગલવાનમાં ભારત તરફથી ગોરખા રેજિમેન્ટ જવાનો પેટ્રોલિંગ કરી રહ્યા હતા. મે મહિનાથી જ ચીની સૈનિકોની એ વિસ્તારમાં આવ-જા વધી ગઈ હતી. થોડાક સમય પહેલાં ચીને તિબેટમાં લશ્કરી કવાયતના નામે જંગી લશ્કર ખડક્યું હતું એમ ૧૯૬૨માં પણ ચીને લશ્કરી કવાયત કરી હતી, જે હકીકતે તો યુદ્ધની તૈયારી હતી. ૧૯૬૨ની ૧૦ જુલાઈની મધરાતે ૩૦૦ ચીની સૈનિકો ખીણ પ્રદેશમાં ઘુસી ગયા હતા અને ભારતીય સૈનિકોને ઘેરી લીધા હતા. એ વખતે સ્થિતિ થાળે પડી હતી, પણ થોડા સમય માટે કેમ કે ચીને ઓક્ટોબરમાં મોટો હુમલો કરતાં કાયદેસર જંગ છેડાયો હતો, તેની શરૂઆત ગલવાનથી થઈ હતી.

ગલવાન ચીનનું હોય તો તેનું નામ શું?

ચીન એવો દાવો કરે છે કે, ગલવાન ખીણ તો પહેલેથી જ અમારી છે. ત્યાં ભારતીય સૈનિકો આવી જતાં આ માથાકૂટ થઈ છે. પણ હકીકત એ છે કે જો ગલવાન ખીણ ચીનની હોય તો તેનું ચાઈનીઝ નામ હોવું જોઈએ. એવું તો કોઈ નામ જણાતું નથી. ગલવાન ખીણ ભારતીય પ્રવાસી-સંશોધ ગુલમા રસૂલ ગલવાનના નામે ઓળખાય છે. ચીન પુરાવા વગર સદંતર ખોટો દાવો કરી રહ્યું છે, કે આ ભૂમિ તેની જ છે.

૧૪ હજાર ફૂટ ઊંચાઈ, માઇનસ ૨૦ ડિગ્રી

આખા જગતમાં ભારત જેટલી વૈવિધ્યપૂર્ણ અને દુર્ગમ સરહદ બીજે ક્યાંય નથી. ગલવાન ખીણ અત્યંત દુર્ગમ સ્થળે છે. એ ખીણ ૧૪ હજાર ફૂટની ઊંચાઈએ છે. એટલે ત્યાં ચોકી-પહેરો ભરનારા તમામ ભારતીય સૈનિકોને પાતળી હવા અને ઓક્સિજનની કમી નડે છે. સામાન્ય પેટ્રોલિંગ કરવામાં વાંધો ન આવે કેમ કે તેઓ ટેવાઈ ગયા હોય. જોકે શ્રમ કરવાનો આવે કે લડવાનું આવે ત્યારે સૈનિકોને આ વાતાવરણમાં મુશ્કેલી પડે. બીજી સમસ્યા અહીં ઠંડાગાર તાપમાનની છે. શિયાળામાં માઇનસ ૨૦ ડિગ્રી પહોંચે છે. અત્યારે આટલું નીચું નથી, તો પણ શુન્ય આસપાસ તો છે જ. આમ તીવ્ર ઠંડીમાં ભારતીય સૈનિકો કામ કરે છે. આવા વાતાવરણમાં ટકવું મુશ્કેલ છે.

ભારત માટે અતિ મહત્ત્વનો સરહદી રોડ

ચીનને વાંધો ભારત લાઈન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલના કાંઠે કાંઠે રોડ બનાવી રહ્યું છે, તેનો છે. દ્રબુકથી દોલત બેગ ઓલ્ડી સુધીનો આ રસ્તો ઓલ વેધર પ્રકારનો છે, મતલબ કે બરફવર્ષા વખતે પણ ચાલે અને ભારે પૂર આવે તો પણ ટકી રહે. એ રસ્તામાં જ વચ્ચે ગલવાન નદી અને થોડે દૂર ગલવાન વેલી છે. આ વિસ્તાર ચીન કબજે કરે તો રસ્તાનું કામ અટકાવી શકે અથવા તો તેને નુકસાન કરી શકે. આથી ચીને ગલવાન પોઈન્ટ પસંદ કર્યો છે. રસ્તો ભારત માટે મહત્ત્વનો છે કેમ કે અત્યારે આ રસ્તા વગર લેહથી ઓલ્ડી સુધી પહોંચતાં બે દિવસ થાય છે. રસ્તો બની જાય તો પછી એ કામ માત્ર ૬ કલાકમાં થઈ શકે. ભારતીય સૈન્ય હેરાફેરીમાં પણ એ પછી ઝડપ આવી શકે.

ગલવાન ભારતનુંઃ વડા પ્રધાન સાયેંગ

ચીન કબજાના તિબેટના વડા પ્રધાન લોબસંગ સાયેંગે કહ્યું હતું કે ગલવાન વિસ્તાર વર્ષોથી ભારતનો જ છે. ચીનનો દાવો ખોટો છે. લોબસંગે એમ પણ કહ્યું હતું કે ચીન શાંતિની વાતો કરે છે, પરંતુ તેનું વર્તન વિપરિત છે. ચીનની વિસ્તારવાદી નીતિનો ભોગ બનેલો સૌથી મોટો દેશ કોઈ હોય તો એ તિબેટ છે. ચીને આક્રમણ કરીને તિબેટ પર ૧૯૫૯માં કબજો જમાવી લીધો હતો. ત્યારથી તિબેટ સ્વતંત્રતા માટે લડત આપે છે. લોબસંગે કહ્યું હતું કે એશિયામાં મહાસત્તા બનવા માટે ચીન લદ્દાખ, અરુણાચલ, સિક્કિમ, નેપાળ અને ભુતાન એ પાંચ પ્રદેશો પર કબજો જમાવવા માંગે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter