ગાંડાએ ગામ ગાંડુ કર્યુંઃ ભૂતપૂર્વ પત્નીને મળવા વિમાન હાઇજેક કર્યું

Wednesday 30th March 2016 09:47 EDT
 
 

લાર્નાકાઃ ઇજિપ્તના એલેકઝાન્ડ્રિયાથી કેરો જઇ રહેલા ઇજિપ્ત એરના વિમાનને એક સનકીએ હાઇજેક કરી લેતાં વિશ્વભરમાં ખળભાટ મચી ગયો હતો. મંગળવારે સવારે બનેલી આ ઘટનામાં છ કલાકના હાઇવોલ્ટેજ ડ્રામા બાદ હાઇજેકરની ધરપકડ સાથે જ અપહરણકાંડનો સુખદ અંત આવ્યો હતો. સાઇપ્રસ સરકાર સાથેની મંત્રણાઓ દરમિયાન તબક્કાવાર પ્રવાસીઓને મુક્ત કરીને તેણે શરણાગતિ સ્વીકારી લીધી હતી. તપાસનીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે માનસિક ‘અસ્થિર’ જણાતા હાઇજેકરે તેની ભૂતપૂર્વ પત્નીને મળવા માટે આ કૃત્ય આચર્યું હતું.
ઇજિપ્ત એરની એરબસ ૩૨૦-એમએસ-૧૮૧ ફ્લાઇટમાં ૨૧ વિદેશી અને ૧૫ ચાલકદળના સભ્યો સહિત કુલ ૮૧ પ્રવાસીઓ હતા. સાઇપ્રસના લાર્નાકા એરપોર્ટ પર ઉતરાણ બાદ હાઇજેકર સૈફ એલ્ડિન મુસ્તફાએ મંત્રણાકારો સમક્ષ વિવિધ માંગણીઓ મૂકી હતી. પહેલાં તેણે કહ્યું હતું કે મારે સાઇપ્રસમાં લાર્નાકા નજીક રહેતી મારી પૂર્વ પત્નીને મળવું છે. ત્યારબાદ તેણે ઇજિપ્તની જેલમાં કેદ મહિલા કેદીઓને મુક્ત કરવાની માંગણી મૂકી હતી. મુસ્તફાએ એક તબક્કે યુરોપિયન યુનિયનના અધિકારીઓને મળવાની માગણી કરી હતી. તેણે સાઇપ્રસમાં રાજકીય આશ્રયની પણ માગ કરી હતી.

હાઇજેકર પાસે કોઈ શસ્ત્ર નહોતું

ઇજિપ્ત સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, હાઇજેકરે તેની પાસે આત્મઘાતી બેલ્ટ હોવાનો દાવો કરી વિમાનનું અપહરણ કર્યું હતું, પરંતુ ધરપકડ બાદ તેની પાસેથી કોઈ હથિયાર કે સ્યૂસાઇડ બેલ્ટ મળી આવ્યો ન હતો. તેણે પાયલટને મૌખિક ધમકી આપી હતી અને તેની ધમકીને તાબે થઇને પાયલટે એર ટ્રાફિક કન્ટ્રોલરને વિમાન હાઇજેક થયાની જાણકારી આપી હતી.

પ્રોફેસરની માફી માગતું ઇજિપ્ત

અગાઉ ઇજિપ્તના સ્ટેટ મીડિયાએ અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા કે, ઇબ્રાહીમ સમાહા નામના એલેક્ઝાન્ડ્રિયા યુનિવર્સિટીના વેટરનરી મેડિસીનના પ્રોફેસરે વિમાનનું અપહરણ કર્યું છે. પાછળથી ઇજિપ્તની સરકારે સ્વીકાર્યું હતું કે અમારી ભૂલ થઈ ગઈ છે. સરકારે પ્રોફેસર ઇબ્રાહીમ સમાહાની માફી પણ માગી હતી. યુનિવર્સિટીના ડીન ગમાલ અલ ઓમરાવીએ જણાવ્યું હતું કે, સમાહા તે વિમાનમાં પ્રવાસ કરી રહ્યા હતા, પરંતુ હાઇજેકર નહોતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter