ગાઝાઃ ઇઝરાયલ-હમાસ યુદ્ધથી ખેદાનમેદાન ગાઝામાં તાજેતરમાં એક એવી ઘટના બની છે જેના કારણે 15 વર્ષના ટીનેજરને વિશ્વના બીજો ન્યૂટન તરીકે ગૌરવશાળી ઓળખ અપાવી છે. હોસમ અલ-અત્તાર નામના પેલેસ્ટિનિયન બાળકે તેની પ્રતિભાશાળી, બુદ્ધિશાળી શોધથી ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે. હવે લોકો તેને ગાઝાનો ન્યૂટન કહીને બોલાવે છે.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ વચ્ચે 15 વર્ષીય હોસામને પોતાનું ઘર છોડીને રિલીફ કેમ્પમાં રહેવા માટે મજબૂર થવું પડયું હતું. કેમ્પમાં પહોંચતા જ તેને ખબર પડી કે અહીં વીજળી પુરવઠો નથી અને લોકો અંધારામાં જીવવા માટે મજબૂર છે. શોધસંશોધનમાં વિશેષ રુચિ ધરાવતો હોસામ રાહત છાવણીમાં આવ્યાના બીજા જ દિવસે ભંગાર બજારમાંથી બે પંખા લાવ્યો અને તેને કેમ્પની છત પર લગાવી દીધા. ત્યારબાદ તેણે વિન્ડ એનર્જી સિસ્ટમની મદદથી વીજળી ઉત્પન્ન કરી. જેના કારણે તંબુઓમાં રહેતા લોકોને વીજળી મળવા લાગી.
હોસામે પંખો, વાયર, બલ્બ, બેટરી અને પ્લાયવૂડના ટુકડાની મદદથી આ સિદ્ધિ હાંસલ કરી હતી. જોકે આ બધું આસાન નહોતું. હોસામના પ્રથમ બે પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આ પછી તેને સિસ્ટમ વિકસાવવામાં થોડો સમય લાગ્યો. ધીમે ધીમે તેણે તેને વધુ વિકસાવવાનું શરૂ કર્યું અને અંતે તેની મહેનત રંગ લાવી.
હોસામે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે હું ખૂબ જ ખુશ છું કે હું આ કરી શક્યો, કારણ કે મેં મારા પરિવાર, મારી માતા, મારા બીમાર પિતા અને મારા ભાઈનાં નાના બાળકો અને અહીંના તમામ લોકો કે જેઓ આ યુદ્ધથી પીડિત છે તેમને થોડી રાહત મળી. હું ખૂબ જ ખુશ છું કે આ શિબિરમાંના લોકો હવે મને ‘ગાઝાનો ન્યૂટન’ કહીને બોલાવે છે. મને આશા છે કે હું ન્યૂટનની જેમ વિજ્ઞાની બનવાનું અને એક એવી શોધ કરવાનું મારું સપનું પૂરું કરી શકીશ જે માત્ર ગાઝા પટ્ટીના લોકોને જ નહીં પણ સમગ્ર વિશ્વના લોકોને મદદરૂપ થશે. વિશ્વને ફાયદો થશે. હોસામ બાકીના તંબુઓને વીજળી આપવાનું આયોજન કરી રહ્યો છે.