યુગાન્ડા: ભારત સહિત ઘણા દેશો વસ્તીવધારાની સમસ્યા સામે ઝઝૂમી રહ્યા છે તો ઘણા દેશો વસ્તીઘટાડાની સમસ્યાનો ભોગ બન્યા છે. આ સમાચારો વચ્ચે યુગાન્ડાના એક વ્યક્તિએ આખી દુનિયાને ચોંકાવી દીધી છે. વાસ્તવમાં, યુગાન્ડાના રહેવાસી મૂસા હશાયા કસેરા તેમના વિશાળકાય પરિવારના કારણે સોશિયલ મીડિયા પર લોકપ્રિય છે. તમને જાણીને નવાઈ લાગશે કે મૂસાએ કુલ 12 લગ્ન કર્યા છે.
મૂસાને 12 પત્નીઓમાંથી કુલ 102 બાળકો છે. મૂસા પૂર્વ યુગાન્ડાના મુકીજા ગામના રહેવાસી છે. તેનાથી પણ વધુ નવાઈની વાત એ છે કે તેના કુલ 578 પ્રપૌત્ર-પ્રપૌત્રીઓ છે. એક તબક્કે પરિવારમાં સંતાનોની સંખ્યા એટલી વધી ગઈ હતી કે મૂસા માટે તેમના દીકરા-દીકરીના નામ નામ યાદ રાખવાનું પડકારજનક બની ગયું હતું. આથી તેમણે એક રજીસ્ટર રાખવાનું શરૂ કર્યું, જેમાં તેમના બધાના નામ લખાયેલા છે.
ઉંમરની વાત કરીએ તો મૂસા હવે 70 વર્ષના છે અને તેમના માટે આટલા મોટા પરિવારનું ભરણપોષણ કરવું મુશ્કેલ બની ગયું છે. મર્યાદિત સંસાધનો સાથે, તેમની ખોરાક અને અન્ય જરૂરિયાતો પૂરી કરવી સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. મૂસાની દરેક પત્નીએ લગભગ આઠથી નવ બાળકોને જન્મ આપ્યો છે.
મૂસાના પ્રથમ લગ્ન 1972માં થયા હતા જ્યારે તેઓ માત્ર 17 વર્ષના હતા. સમય જતાં તેમણે 12 લગ્ન કર્યા. તેમણે એ પણ સ્વીકાર્યું કે પોતે કયારેય વિચાર્યું ન હતું કે તે આટલા મોટા પરિવારને કેવી રીતે સપોર્ટ કરશે. ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો પણ શેર કરવામાં આવ્યો છે જેમાં તમે મૂસાના વિશાળકાય પરિવારને જોઈ શકો છો. આને શેર કરતી વખતે કેપ્શન લખવામાં આવ્યું છે ‘દુનિયામાં સૌથી વધુ બાળકો પેદા કરનાર વ્યક્તિ.’
આ ઇન્સ્ટા ક્લિપને માત્ર એક જ દિવસમાં 8 લાખથી વધુ લાઈક્સ અને 20 મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ પોસ્ટ પર ઘણા લોકોએ કોમેન્ટ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે - ‘આ પરિવારને જિલ્લો જાહેર કરો... અન્ય યુઝરે લખ્યું છે કે ‘ભાઈએ એકલા હાથે આખું ગામ વસાવ્યું.’ ત્રીજા યુઝરે લખ્યું, ‘સરકારને ઉથલાવી દેવાની ક્ષમતા ધરાવે છે.’ અન્ય એક યુઝરે લખ્યું છે - ‘જો તે ભારતમાં હોત તો તેના ઘરને મતદાન મથક બનાવી દેવામાં આવ્યું હોત...’ આ બધી કોમેન્ટ તો ઠીક છે, પણ આ સાથેનો ફોટો જોયા પછી તમે શું કહેવા માંગો છો?!