કૈરોઃ આખી દુનિયા પિરામિડોને બાદશાહોની કબરો માને છે, પણ કોર્રાડો મલાંગા અને ફિલિપ્પો બિયોન્ડી નામના બે આર્કિયોલોજિકસ્ટે ગિઝાના મિનારામાં ખાફરે પિરામિડ અંગે કરેલી શોધે આ માન્યતા બદલવાની શરૂઆત કરી છે. અત્યાર સુધી મનાતું હતું કે, આ એક મિનારો જ છે પણ બંનેએ સિન્થેટિક એપર્ચર રડારનો ઉપયોગ કરીને શોધી કાઢ્યું કે, પિરામીડની નીચે તો આખું શહેર ધરબાયેલું છે અને આ મિનારો તો શહેરની ટોચ છે. મલાંગા અને બિયોન્ડીની શોધમાં સદીઓ પહેલાં દટાઈ ગયેલું પ્રાચીન શહેર મળી આવ્યું છે. જમીનથી લગભગ 6500 ફૂટ એટલે કે બે કિલોમીટર ઊંડે દટાઈને પડેલા શહેરમાં પાંચ માળની ઈમારતનું સ્ટ્રક્ચર મળ્યું છે, આઠ કૂવા મળ્યા છે કે જેની અંદર ઉતરવા માટે સીડીઓ છે. સાથે સાથે જ 80-80 ચોરસ મીટરની ક્યુબ આકારની બે ચેમ્બર પણ મળી છે. ગિઝાના મિનારાની આસપાસ ઈલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ હોવાના પુરાવા છે જ એ જોતાં બંને આર્કિયોલોજિસ્ટનું માનવું છે કે, આ સ્ટ્રક્ચર કોઈ પાવર સ્ટેશન હોઈ શકે છે.