નવીદિલ્હીઃ સમગ્ર વિશ્વમાં કોઇ પણ પ્રકારના વિક્રમની વાત આવે ત્યારે ગિનીસ બુકમાં જે લખાયેલું - નોંધાયેલું હોય એ ફાઈનલ મનાય છે. આવી ગિનીસ બુકની વર્ષ 2024 માટેની આવૃત્તિ તૈયાર થઈ ચૂકી છે. જેમાં આખા જગતમાંથી 2638 રેકોર્ડ્સની નોંધ કરવામાં આવી છે, જેમાંથી ભારતના 60 વિક્રમોનો સમાવેશ થાય છે.
રેકોર્ડ નોંધવા માટે ગિનીસ બુક કમિટિને કુલ 30,000 એન્ટ્રીઓ મળી હતી. તેમાંથી 1 ટકા કરતાં પણ ઓછા વિક્રમો બુકમાં નોંધી શકાયા છે. એ પૈકીના કેટલાક વિક્રમો પર એક નજર...
• ગુજરાતી લેખક તારક મહેતાના લેખન પરથી બનેલી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના નામે સૌથી લાંબી ચાલનારી કોમેડી સિરિયલનો વિક્રમ નોંધાયો છે. જુલાઈ 2022માં આ સિરિયલે 3500 એપિસોડ પૂરા કર્યા હતા.
• રિલાયન્સ ગ્રૂપના સર્વેસર્વા મુકેશ અંબાણીની ભવ્યાતિભવ્ય ઇમારત ‘એન્ટિલિયા’ના નામે જગતના સૌથી મોટા, સૌથી ઊંચા ખાનગી મકાનનો વિક્રમ નોંધાયો છે.
• ભારતનાં શાલુ ચક્રવર્તી અને તેમનાં પત્ની નીનાએ 1991માં કારમાં બેસીને સૌથી ઝડપી વિશ્વપ્રદક્ષિણા કરી હતી. 69 દિવસ, 19 કલાક અને પાંચ મિનિટમાં વિશ્વને ફરી લીધી હતું. એ સફર તેમણે કોન્ટેસા ક્લાસિક કારમાં કરી હતી.
• 2019માં પદ્મશ્રી મળ્યો ત્યારે લોકકલાકાર થાંગા દારલોંગની ઉંમર 98 વર્ષ અને 319 દિવસ હતી. એમના નામે સૌથી મોટી ઉમરે પદ્મ સન્માનિત થવાનો વિક્ર્મ છે.
• આખી દુનિયામાં 1154 વર્લ્ડ હેરિટેજ સાઈટ છે, જેમાંથી સૌથી વધારે સર્ચ થયેલી સાઈટ કોઈ હોય તો એ તાજમહલ છે.
• ભારતના રેકોર્ડમાં સૌથી જૂનો અને આજે પણ અતૂટ હોય એવો રેકોર્ડ વરસાદ અંગેનો છે. 1965ની 15-16 જૂને મેઘાલયના ચેરાપુંજીમાં 48 કલાક દરમિયાન 98 ઈંચ વરસાદ પડ્યો હતો.
• એક રેકોર્ડ તિરુવનંથપુરમના કાંઠે બનેલા જળકન્યાના શિલ્પ અંગેનો છે. 1937થી પુસ્તકમાં સ્થાન પામતા એ શિલ્પની લંબાઈ 87 ફીટ અને ઊંચાઈ 25 ફીટ છે. અર્ધમાનવનું તેનાથી મોટું શિલ્પ જગતમાં ક્યાંય નથી. રેકોર્ડ્સના નવ ભાગ
પુસ્તકની આગામી આવૃત્તિમાં વિવિધ વિશ્વવિક્રમોને રેકોર્ડ્સને બ્લૂ પ્લાનેટ, જળસૃષ્ટિ, મનુષ્યો, રેકોર્ડોલોજી, સાહસ, ઈતિહાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી, કળા અને મીડિયા, સ્પોર્ટ્સ વિભાગમાં વહેંચવામાં આવ્યા છે. આ ઉપરાંત હોલ ઓફ ફેમ, યંગ એચિવર્સ, ગેમિંગ, એક્સપ્લેનર અને બકેટલિસ્ટના પાંચ વિશેષ વિભાગો પણ આ પુસ્તકમાં છે.